Cyclone Biparjoy : ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારને ભારે નુકસાન પહોંચાડયુ છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયુ હતું અને વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આગમચેતી રુપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેના પગલે મોટી જાનહાની ટળી હતી. જો કે વાવાઝોડાને પગલે હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કચ્છમાં ચક્રવાત બિપોરજોયના કારણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે. તેમણે માંડવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં દાખલ લોકો સાથે મુલાકાત કરી હતી. આ સિવાય અમિત શાહ 5 વાગે ભુજમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સૂચવ્યું હતું. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : Cyclone Biparjoy : NDRF ની ટીમની સરાહનીય કામગીરી, જીવના જોખમે બચાવ્યા હતા અનેક લોકોના જીવ, જુઓ Photos