Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક
સાયક્લોન ‘બિપોરજોય’ આજે ગુજરાતમાં દસ્તક આપી શકે છે. વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજ્ય પ્રશાસને સાવચેતીના પગલા તરીકે દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે અને બચાવ અને રાહત પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ્સ તૈનાત કરી દેવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાને ખતરાને લઈને ગુજરાત સરકાર ખૂબ જ સતર્ક છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી છે. બેઠકમાં હવામાન વિભાગના ડાયરેક્ટર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ વાવાઝોડું બિપોરજોયની હાલની સ્થિતિની માહિતી મેળવી છે. વાવાઝોડાથી થનારી અસર પર પણ બેઠકમાં ચર્ચા થઇ છે. કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સ્થિતિ પર નજર રખાઇ રહી છે. ખતરાને પહોંચી વળવા રાજ્ય સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડું ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ શક્યતા વ્યક્ત કરી છે કે તે સાંજના 4 થી 8 વાગ્યાની વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને તેને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠેથી જખૌ બંદર નજીકથી માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડું ભારે વિનાશ સર્જશે તેવી સંભાવના પણ જાણવા મળી છે.
મુખ્યમંત્રીએ ગામના સરપંચો સાથે વાતચીત કરી હતી
‘બિપોરજોય’ વાવાઝોડું આવતીકાલે ગુજરાતમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. ત્યારે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયા કિનારાના 0 થી 5 અને 5 થી 10 કિમીની અંદર આવતા 164 ગામના સરપંચ સાથે મુખ્યમંત્રીએ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી.દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના ગામકાંઠા વિસ્તારમાં સતત સંપર્ક કજળવાય તે માટે સૂચના આપી હતી.
વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ
આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી-બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતાના પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ જવા.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારીઓ
પાણીના સ્ત્રોતથી દૂર રહેવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. ઘરની બહાર નીકળવાનું ટાળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ રાખવાની તકેદારીઓ
સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં તેમજ ખુલ્લા – છૂટા પડેલા વાયરોને અડકવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો, ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy : વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર