બિપરજોય વધી રહ્યું છે ગુજરાત તરફ, અન્ય રાજ્યો પણ થઇ શકે છે પ્રભાવિત
રાજ્યમાં બિપરજોય વાવાઝોડા (Biparjoy Cyclone) ને જોતા 8 જિલ્લામાંથી 74 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વળી આ સાથે તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બની ગયું છે. તંત્ર તે તમામ પગલા લઇ રહ્યું છે જેથી કોઇ જાન-માલનું નુકસાન ન થાય. રાજ્યમાં 4000 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે, કારણ કે તેજ પવનને કારણે તે પડી જવાનો ભય છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યના દરિયાકાંઠે પવનની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે.
લોકોની મદદ માટે સેંકડો બચાવ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા બુધવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે જારી કરવામાં આવ્યું છે, જ્યાં બિપરજોય ચક્રવાત 130-145 કિમીની ઝડપે આવી શકે છે.
ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે
હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રની નજીક હોવાને કારણે વાવાઝોડાની અસર ગોવામાં પણ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, દરિયાના મોજા ગોવાના બીજ પર પહેલાથી જ ઉંચા થઈ ગયા છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓને બીચ પર જવા પર રોક લગાવી દેવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં વાવાઝોડાની શક્યતા
ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે મધ્યપ્રદેશના શહડોલ, જબલપુર, ભોપાલ અને નર્મદાપુરમ વિભાગમાં વીજળી પડવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં ખંડવા, ખરગોન, બરવાની, બુરહાનપુર, સાગર, ઝાબુઆ, ઉજ્જૈન, રીવા, સતના અને છતરપુર જિલ્લામાં પણ વીજળી પડવાની સંભાવના છે. આ સિવાય કેટલાક શહેરોમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.
રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ 15 જૂને રાજસ્થાનના જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે જોધપુર, ઉદયપુર અને અજમેરમાં 17 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે.
દિલ્હીની આસપાસ વરસાદ પડી શકે છે
હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં વધુ અસર થવાની સંભાવના નથી. જોકે, દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
ચક્રવાતથી ઘણું નુકસાન થઈ શકે છે
હવામાન વિભાગનું કહેવું છે કે, ચક્રવાતી તોફાન બિપરજોય ઘણું નુકસાન કરી શકે છે. આ દરમિયાન 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે, પવનની ગતિ 140 થી 150 કિલોમીટરની આસપાસ રહેશે, જેની ઝડપ 170 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે. આનાથી વિદ્યુત થાંભલા, રેલ્વે, ઓવરહેડ પાવર લાઈનો, સિગ્નલિંગ સિસ્ટમમાં વિક્ષેપ પડી શકે છે. એટલું જ નહીં રાજ્યમાં પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અંગેની આગાહી હોય ત્યારે વાવાઝોડા સમયે કેવી તકેદારી રાખવી તે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ
આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી-બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતાના પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ જવા.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારીઓ
પાણીના સ્ત્રોતથી દૂર રહેવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. ઘરની બહાર નીકળવાનું ટાળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ રાખવાની તકેદારીઓ
સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં તેમજ ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો, ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડું SPACE થી લાગી રહ્યું છે ભયાનક, જુઓ VIDEO
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ