VADODARA : આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસના ઓપરેશનની તૈયારીઓ અંતિમ તબક્કામાં
VADODARA : વડોદરા એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઓપરેશનનો પ્રારંભ કરવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીએ વડોદરાથી અન્ય દેશોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો સત્વરે પ્રારંભ કરવામાં આવે તેમજ દેશના અન્ય શહેરો માટેની ફ્લાઈટ્સમાં વધારો કરવામાં આવે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ તથા રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી મુરલીધર માહોલ તથા અધિકારીઓ સાથે આ મુદ્દે જરૂરી ચિંતન - મંથન કરી કેવી રીતે આ આયોજન આગળ ધપાવવામાં આવે તે બાબતે વિચાર - વિમર્શ કર્યો હતો. (VADODARA AIRPORT SOON TO GET INTERNATIONAL FLIGHT CONNECTIVITY)
એક મહત્વનું જરૂરી અને અનિવાર્ય પાસું બની રહે
શિક્ષણ અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતી વડોદરાએ શહેરની મહત્વની ઔદ્યોગિક નગરી પણ છે. શહેરની આસપાસ નાના-મોટા અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો તથા ઉદ્યોગ ગૃહોની કોર્પોરેટ ઓફિસો પણ આવેલી છે. આ સંજોગોમાં સમય અને શક્તિના બચાવ સ્વરૂપે હવાઈ ઉડ્ડયનોની પર્યાપ્ત સુવિધા એક મહત્વનું જરૂરી અને અનિવાર્ય પાસું બની રહે છે. એટલું જ નહીં શહેરની ઔદ્યોગિક સંસ્થાઓ VCCI, FGI તેમજ CIIના અગ્રણીઓ તથા પદાધિકારીઓ ઉપરાંત અન્ય HR કંપનીઓના રિપ્રેઝન્ટેટિવ્સ પણ વડોદરાથી અન્ય શહેરોમાં જતા હોય છે.
અધિકારીઓને આ અંગે જરૂરી સુચના પણ આપી
ઉપરાંત અન્ય શહેરોમાંથી વડોદરા તરફ આવતા હોવાને કારણે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ઓપરેશન વધે તે જરૂરી છે. સાંસદની આ રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ ઉડ્ડયન ખાતાના અધિકારીઓને આ અંગે જરૂરી સુચના પણ આપી હતી. સાંસદે કેન્દ્રીય મંત્રી સમક્ષ વડોદરાથી જયપુર, કોલકત્તા લખનઉ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, હૈદરાબાદ, પૂણે, ગુરગાવ જેવા શહેરોમાં ફ્લાઈટ માટે સર્વે કરવા પર ભાર મૂક્યો હતો.
પૂરતી સંખ્યામાં વિમાન ફાળવવામાં આવે
કેન્દ્ર તથા રાજ્ય ઉડ્ડયન મંત્રી સાથે આયોજિત બેઠકમાં વડોદરાથી ફ્લાઈટ્સ માટે એરલાઇન્સ કંપનીઓ દ્વારા પૂરતી સંખ્યામાં વિમાન ફાળવવામાં આવે એ પ્રકારનુ આયોજન કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવા માટે પણ સાંસદ ડો. હેમાંગ જોષીએ રજૂઆત કરી હતી. ડો. હેમાંગ જોષી દ્વારા સાંસદ બન્યા પછી સંસદ ના દરેક સત્ર માં નિયમિત વડોદરા એરપોર્ટ ને લગતા મહત્ત્વના પ્રશ્નો બાબતે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરા એરપોર્ટ પર 'આંતરરાષ્ટ્રીય આગમન'નું પાટીયું ચઢ્યું