VADODARA : સક્રિય સદસ્ય સંમેલનમાં સિનિયર ધારાસભ્યનું હસતા મોંઢે દુખ છલકાયું
VADODARA : વડોદરામાં હાલ વિધાનસભા દીઠ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં આ સંમેલન યોજાયું હતું. જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું હસતા મોંઢે દુખ છલકાયું છે. તેમની મીઠી ફરિયાદ હતી કે, અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન, ડે. મેયર બનાવવામાં આવતા નથી. તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઇ રહ્યો છે. જે વિસ્તારમાંથી તે પદ આપવામાં આવે છે, તેઓ ઓછા વોટ લઇને આવે છે. (SENIOR BJP MLA YOGESH PATEL SHARED PAIN WITH SMILING FACE - VADODARA)
કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું
વડોદરાના માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ તેમના બેબાક બોલના કારણે જાણીતા છે. તાજેતરમાં તેમના વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતના અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તકે તમામ વચ્ચે ધારાસભ્ય યોગેશ પટેલે હસતા મોંઢે પોતાના મનની વાત કહી દીધી હતી. જેને પગલે કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ વાતની અસર કેટલી રહી તે આવનાર સંગઠનના માળખાની નિયુક્તિ પરથી સ્પષ્ટ થશે તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવવા પામ્યો છે.
બધુ એ બાજુના લોકો જ લઇ જાય છે
યોગેશ પટેલે જણાવ્યું કે, સાહેબ અમને એક અન્યાય તે થાય છે. અમને એક મેયર, હા નિલેશ રાઠોડ આપ્યો હતો તે 6 મહિના માટે હતો. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા છે. એટલે પછી અમારો વિકાસ બધા કરતા વધારે થાય છે. અમારો કોઇ માણસ અંદર હોય તો આનાથી વધારે વિકાસ થાય. તમે તો માંજલપુરના છો, અમારે એક મહામંત્રી પણ આપો, કારણકે કાયમ આપતા આવ્યા છો. પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય. એટલે અમારૂ કામ ઝડપથી થાય. અત્યાર સુધી મહામંત્રી જ આપ્યા છે, બીજુ કશું નથી આપ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન, ડે. મેયર આપ્યા નથી. બધુ એ બાજુના લોકો જ લઇ જાય છે. અને પાછા વોટ ઓછા લાવે છે. અમારે ત્યાં કશું નથી પણ વોટ વધારે લાવે છે. એટલે આટલુ ધ્યાન રાખજો.
સર્વસમાવેશી માળખું બને તેવો અમારો પ્રયાસ
ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે યોગેશ પટેલ દ્વારા તેમની આગવી શૈલીમાં વાત રજૂ કરવામાં આવી છે. કાર્યકર્તાઓ પણ તેમની વાત મુકતા હોય છે. સર્વસમાવેશી માળખું બને તેવો અમારો પ્રયાસ છે. મોટા ભાગના કાર્યકર્તાઓને કોઇને કોઇ જવાબદારી મળે તેવા પ્રયાસો હોય છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર નજર રાખવા 4 એન્જિનિયરોની વિશેષ નિમણૂંક