VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની હાલત દયનીય, 3 પિલરના પોપડા ખર્યા
VADODARA : વડોદરાના ચૂંટાયેલા નેતાઓ એક તરફ હેરીટેજ સ્કવેર વિકસાવવાની મોટી મોટી વાતો કરે છે. પરંતુ હકીકતે ઐતિહાસિક ઇમારતોનું ધ્યાન રાખવામાં તંત્ર તેટલું જ ઉણું ઉતર્યું છે. શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક ચાર દરવાજાની હાલત દિવસેને દિવસ દયનીય થઇ રહી છે. તાજેતરમાં ત્રણ પિલરના પોપડાં ખરી પડતા દોડધામ મચી જવા પામી છે. ઇમારતનો એક તરફનો ભાગ તુટી ના પડે તે માટે ટેકા મુકવા પડ્યા છે. માંડવી દરવાજાની મધ્યમાં જુનું અને જાણીતું મેલડી માં નું મંદિર આવેલું છે. જ્યાં ખાસ કરીને રવિવારે મોટી સંખ્યામાં માંઇભક્તો દર્શનાર્થે આવે છે. (HISTORIC MANDVI GATE PILLARS IN BAD CONDITION, NEED HOLISTIC RENOVATION - VADODARA)
એક તરફનો ભાગ ધરાશાયી થવાની દહેશત
શહેરની મધ્યમાં આવેલા માંડવી દરવાજાના પાયાના પોપડા ખરતા અગાઉ રિસ્ટોરેશન માટેની રજુઆત કરવામાં આવી હતી. જેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ વચ્ચે માંડવી દરવાજાના ત્રણ પિલરના પોપડા ખર્યા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને લઇને માંડવી દરવાજાનો એક તરફનો ભાગ ધરાશાયી થવાની દહેશત વ્યાપી જવા પામી છે. જે બાદ લોખંડના ટેકા મુકીને કામચલાઉ ધોરણે તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. શહેરની ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાની દુર્દશા હવે લોકોથી જોવાથી નથી. તંત્રની લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે.
ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું
વડોદરામાં ચૂંટાયેલા નેતાઓ દ્વારા હેરીટેજ સ્કવેર બનાવવાનો રાગ આલાપવામાં આવ્યો છે. જેમાં જોઇએ તેવી સફળતા તો મળી નથી. પરંતુ તેનાથી વિપરીત ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. જો આવી જ સ્થિતી રહી તો એક સમય બાદ આપણે આપણો ઐતિહાસિક વારસો ગુમાવવો પડે તેવી સ્થિતીનું સર્જન થાય તો નવાઇ નહીં. લોકોનું માનવું છે કે, હજી પણ ઐતિહાસિક માળખાને બચાવવામાં સમય વિતી ગયો નથી. જાગ્યા ત્યારથી સવાર માનીને તંત્ર મંડી પડે તો આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય તેમ છે.
આ પણ વાંચો --- VADODARA : શહેરના સ્ટાર્ટઅપનો ડંકો વાગ્યો, સરકારે આપી દુર્લભ ટેક્સ છૂટ