VADODARA : રસ્તા પર શ્વાન આડુ આવતા અકસ્માત, કારને રૂ. 13 લાખનું નુકશાન
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION - VADODARA) માં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. જેમાં રસ્તા પર કુતરૂં આડું આવતા કારનો અકસ્માત (CAR ACCIDENT - VADODARA) થયો હતો. જે બાદ કારમાં આગ લાગી જવાના કારણે મોટું નુકશાન થયું હતું. જેની અંદાજીત કિંમત રૂ. 13 લાખ ફરિયાદમાં વર્ણવવામાં આવી છે. આખરે ઉપરોક્ત મામલે પિતાએ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોડ સાઇડમાં ઝાડના થડ જોડે કાર ધડારાભેર ભટકાઇ
ડભોઇ પોલીસ મથકમાં હિતેશકુમાર પુનમભાઇ રામી (રહે. કરમસદ, આણંદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 13, એપ્રિલના રોજ સવારે તેમનો પુત્ર હર્ષ હિતેશકુમાર રામી પુર ઝડપે પલાસવાડા ગામની સીમમાંથી પસાર થતા ડભોઇથી વડોદરા તરફના રૂટ પર જઇ રહ્યો હતો. તેની જોડે તેની પત્ની કરિશ્મા હતી. દરમિયાન ટ્રેક પર કુતરું આડું આવી જવાના કારણે ચાલક હર્ષે કાર પરના સ્ટીયરીંગનો કાબુ ગુમાવ્યો હતો. અને રોડ સાઇડમાં ઝાડના થડ જોડે કાર ધડારાભેર ભટકાઇ હતી.
દંપતિ સારવાર હેઠળ હોવાથી આ મામલે મોડી ફરિયાદ કરાઇ
ઉપરોક્ત ઘટનામાં ચાલક હર્ષ અને તેની પત્ની કરિશ્માબેનને ફ્રેક્ચર સહિત સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં કારમાં આગ લાગી જતા આશરે રૂ. 13 લાખનું નુકશાન પહોંચ્યું છે. આખરે ઉપરોક્ત મામલે હર્ષ હિતેષકુમાર રામી વિરૂદ્ધ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઇજાગ્રસ્ત દંપતિ સારવાર હેઠળ હોવાથી આ મામલે મોડી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ, રસ્તા પર કુતરું આડું આવી જતા સર્જાયેલા અકસ્માતની ઘટનામાં પિતાએ જ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચર્ચા જાગી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : વૃદ્ધનો માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર