Gondal : તુલસી વિવાહનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ રહેશે હાજર
- Gondal ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું
- MLA ગીતાબા જાડેજા અને તેમના પરિવાર દ્વારા આયોજન કરાયું
- CM, કેબિનેટ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રહેશે ઉપસ્થિત
ગોંડલ ખાતે (Gondal) ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા ગણેશ જાડેજા સહિત પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહનો અલૌકિક અવસર આવતીકાલે 12 નવેમ્બર, મંગળવારના યોજાનાર છે. ગોંડલમાં તુલસી વિવાહનાં ઐતિહાસિક પ્રસંગમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં મહેમાન હાજર રહેવાનાં છે. તુલસીમાતાનાં માવતર ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (Ganesh Jadeja) અને તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યાં છે.
આ પ્રસંગે આવતીકાલે સાંજે 4 કલાકે વાછરા ગામથી શાલીગ્રામે ભગવાનની જાનનું આગમન થશે, જે કોલેજ ચોકથી શણગારેલા હાથી, ઘોડા, ઊંટ, બગી, રથ, ભજન તથા રાસ-મંડળીઓ અને હજારો લોકોની હાજરી સાથે આશાપુરા રોડ, અક્ષરધામ સોસાયટી સ્થિત ધારાસભ્યનાં નિવાસસ્થાન 'ગીતાવીલા' ખાતે પહોચશે. સાંજે 6.30 કલાકે હસ્તમેળાપ સાથે શાલીગ્રામ ભગવાન અને ભગવતી તુલસી માતાનો વિવાહ ધામધૂમપૂર્વક સંપન્ન થશે.
આ પણ વાંચો - Kheda : સ્વામિનારાયણની પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી : PM મોદી
સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવશે
જયરાજસિહ ( Jayrajsih Jadeja) પરિવાર દ્વારા જ્યારે ઐતિહાસિક લગ્નોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે કોલેજ ચોક, સંગ્રામસિંહ હાઈસ્કૂલ મેદાન તથા કોલેજ ચોકથી ધારાસભ્યનાં નિવાસસ્થાન સુધીનાં રાજમાર્ગને રંગબેરંગી રોશની તથા આકર્ષક કમાનોથી શણગાર કરાયો છે. બીજી બાજુ સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ (Gondal) આવશે. શાલીગ્રામ ભગવાનની જાન વાછરા રામજી મંદિરેથી બપોરે અઢી ત્રણ કલાકે પ્રસ્થાન થશે. જાનમાં અંદાજે 4 હજાર લોકો હરખભેર જાનૈયા બનશે. વાછરાનાં સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાનનાં માવતર બન્યા છે. આવતીકાલે એટલે કે મંગળવાર બપોરે તુલસી વિવાહને અનુલક્ષીને વાછરા, ખાંડાધાર અને ઘોઘાવદર ગામનો ભોજન સમારોહ વાછરા રખાયો છે. તુલસી વિવાહમાં જ્યારે વાછરાથી ગોંડલ જાન જનારી હોય, ગામનાં રામજી મંદિર ચોક અને બજારોને આકર્ષક કમાનો અને રોશનીથી શણગાર કરાયો છે. લગ્નોત્સવને લઈને આજે સોમવારે રાત્રે 8 કલાકે વાછરા રામજી મંદિર ચોકમાં મોડી રાત સુધી રાસની રમઝટ બોલશે.
સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં લોકડાયરાનું આયોજન
ગોંડલ ગીતાવીલા ખાતે વિવાહ સંપન્ન થયા બાદ રિવર સાઇડ પેલેસ ખાતે ભોજન સમારોહનું આયોજન કરાયું છે, જેમા અંદાજે 25 હજાર લોકો ભોજન લેશે, તેવો અંદાજ છે. આ પ્રસંગે રાત્રે કોલેજ ચોક, સંગ્રામ સિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં લોકડાયરાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો - Banaskantha : ખરેખર..! વાકયુદ્ધ કરતાં ભાજપ-કોંગ્રેસનાં નેતા એકબીજાને ભેટી પડ્યા! દ્રશ્યોએ ચર્ચા જગાવી!
ગોંડલમાં પ્રથમવાર જ તુલસી વિવાહનું ભવ્ય આયોજન
લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel), કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, ગુજરાત સરકારનાં ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, પુનમબેન માડમ, રામભાઈ મોકરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અગ્રણી અશોકભાઈ પીપળિયાની આગેવાની હેઠળ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્રસિંહ (પિન્ટુભાઈ) ચુડાસમા, પ્રફુલભાઈ ટોળિયા, સમીરભાઈ કોટડિયા, પ્રવીણભાઈ રૈયાણી, પ્રફુલભાઇ ટોળિયા સહિત હજારો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે. ગોંડલમાં પ્રથમવાર જ તુલસી વિવાહનું ભવ્ય અને અદકેરું આયોજન કરાયુ હોય શહેરભરમાં ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.
તુલસી વિવાહનાં કાર્યક્રમને લઈને ગોંડલમાં લોખંડી બંદોબસ્ત
ગોંડલમાં તુલસી વિવાહનાં કાર્યક્રમને લઈને ગોંડલનાં (Gondal) DYSP કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, 7-DYSP, 17-PI, 42-PSI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ-455 સહિત GRD જવાનો સહિત 720 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. તુલસી વિવાહનાં કાર્યક્રમને લઈને અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - IPS Hasmukh Patel એ GPSC નાં ચેરમેન તરીકે શપથ લઈ ચાર્જ સંભાળ્યો, કહી આ વાત!