JUNAGADH : લોકસભાના ભાજપના ઉમેદવારને લઇ વિવાદ વકર્યો, રાજેશ ચુડાસમાને બદલવા રજુઆત
- જૂનાગઢ ના લોકસભાના ભાજપ ઉમેદવારને લઇ વિવાદ
- ભાજપના જૂના અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને લખ્યો પત્ર
- જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા રજુઆત
- જૂનાગઢ અગ્રણી અશ્વિન મણિયારએ પત્ર લખ્યો
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ઘણી જગ્યાઓ ઉપર ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ઉમેદવારો બદલાયા છતાં સાબરકાંઠા જેવી બેઠક ઉપર ભાજપના લોકસભાના ઉમેદવાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જુનાગઢમાં ( JUNAGADH ) લોકસભાના ભાજપના ઉમેદવારને લઈને નવો વિવાદ સામે આવી રહ્યો છે.
જુનાગઢ ( JUNAGADH ) બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે તેમના સામે જુનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે. જુનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત કરી છે.
આ પત્રમાં વિવિધ મુદ્દાઓને ટાંકીને રાજેશ ચુડાસમાને હટાવવાની માંગ કરાઇ
નીચે દર્શાવેલ મુદ્દાઓને લઈને પત્ર ચર્ચામાં...
- વર્તમાન સાંસદ સામે વ્યક્તિગત રીતે કોઈ વાંધો નથી. તેમની કાર્ય પધ્ધતીથી લોકોમાં નીરાશા અને રોપની લાગણી ફેલાયેલી છે. તેઓની શર્માળ પ્રકૃતીને કારણે તેઓ કદાચ પ્રજા વચ્ચે પ્રજાના પ્રશ્નો માટે જઈ શકતા નથી
- તેઓએ જુનાગઢ વિસ્તાર માટે ઉડીને આંખે વળગે તેવુ કોઈ કામ કરેલ નથી. પ્રજાની સાથે રહેવાને બદલે પ્રજાના પ્રશ્ર્ન સામે રહ્યા છે
- કેન્દ્ર સરકારની કે રાજય સરકારની પ્રજા લક્ષી કલ્યાણકારી યોજનાઓ છેવાડેના માનવી સુધી પહોંચાડવામાં તેઓએ કોઈ પ્રકારનો રસ લીધો હોય તવું ધ્યાનમાં આવેલ નથી
- લોક મુખે ચર્ચા રહપુ છે તે મુજબ ગીર-સોમનાથ-માળીયા-માંગરોળ વિસ્તારમાં તેમની કાર્યપધ્ધતીને કારણે ઘણાં લોકોના ધંધાઓ ભાંગ્યા છે. જેને કારણે પાર્ટીને મતોનુ નુકશાન થાય તેવી શક્યતાઓ છે
- જુનાગઢમાં પણ ચોકકસ કહેવાતા નેતાઓના સંપર્કમાં હોવા ઉપરાંત તેઓ ક્યારેય કાર્યકર્તાઓ કે પ્રજાની વચ્ચે આવ્યા નથી
- જુનાગઢ કોર્પોરેશનની કાર્યવાહીથી પ્રજામાં નારાજગી છે જેથી આ બાબતે કાંઈ કહેવાનુ રહેતુ નથી
- ડો. ચગ સાહેબ વાળા પ્રકરણમાં પણ ચગ સાહેબના સ્થાનીક ચાહકો તથા રઘુવંશી સમાજ જે લોકો બહાર આવી શકતા નથી તેઓ અંદરખાને પણ રોષની લાગણી ધરાવે છે
જૂનાગઢ ( JUNAGADH ) ભાજપના અગ્રણી અશ્વિન મણિયાર દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને આ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ઉમેદવાર રાજેશ ચુડાસમા મુદે વિસ્તૃત રજુઆત કરવામાં આવી છે અને તેમણે બદલવા અંગે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પત્રમાં વેરાવળ ના ડો અતુલ ચગ આપઘાત પ્રકરણ અને જૂનાગઢ કોર્પોરેશનના વહીવટ સહીત અલગ અલગ મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. તેમણે આ પત્રમાં વધુમાં એ જણાવ્યું હતું કે, રાજેશ ચુડાસમા સામે વ્યક્તિગત કોઈ વાંધો નથીપરંતુ લોકોમાં થઈ રહેલા અણગમાંને લઈ આ પત્ર લખી રહ્યા છીએ.
આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખથી ‘EXIT POLL’ અને ‘OPINION POLL’ પર લાગશે પ્રતિબંધ