Cyclone Biparjoy : ભારે પવનના લીધે દ્વારકાધીશના મંદિર પરની ધ્વજા ખંડિત થઈ, ઈતિહાસમાં પહેલીવાર તૂટી આ પરંપરા
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત 'બિપોરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ 'બિપોરજોય' વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. ત્યારે દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઈ છે.
દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે દ્વારકાધીશના જગત મંદિર પરની 52 ગજની ધ્વજા ખંડિત થઈ ગઈ છે. ભારે પવન અને વરસાદના કારણે 2 દિવસથી હાલ કોઈ નવી ધ્વજા મંદિરના શિખર પર ચડી નથી, ત્યારે હાલ શિખર પર લેહરાતી ધ્વજા ખંડિત થઇ છે. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે. આ ઉપરાંત હાલમાં ચાલતા તેજ પવન અને ભારે વરસાદના લીદે બે દિવસથી કોઈ નવી ધ્વજા મંદિરના શિખર પર ચડી નથી.
અબોટી બ્રાહ્મણો દ્વારા ચડાવવામાં આવે છે ધ્વજા
દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી Dwarkadhish-Dhaja બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધ્વજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધ્વજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધ્વજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.
ગુજરાત પર આગામી 24 કલાક ભારે
કાલ સાંજ સુધીમાં બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં દરિયા કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકામાં સળંગ 5 દિવસ સુધી ધ્વજા નહી ચઢાવાય
દ્વારકાના દરિયાકિનારે વાવાઝોડું ટકરાય શકે છે. જેને લઈ દ્વારકા મંદિરે ભગવાન દ્રારકાધીશને ઈતિહાસમાં પ્રથમ વખત સળંગ 5 દિવસ સુધી ધ્વજા ચઢાવવામાં નહી આવે. મંદિરના વારાદાર પ્રણવ પૂજારી સાથે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમે વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે, વાવાઝોડાની આશંકા વચ્ચે આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધ્વજા ચઢાવવામાં નહીં આવે.
આ પણ વાંચો : Cyclone Biparjoy : તો શું પાંચ દિવસ દ્વારકાધીશ મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધ્વજા ?