T20 WC 2024 : શું ભારતીય ટીમમાં હવે થઈ શકે છે કોઈ ફેરફાર? શું કહે છે ICC નો નિયમ
અત્યારે IPL ની ખુમારી લોકોના માનસમાં જોરશોરથી ચાલી રહી છે. પરંતુ IPL ના તરત બાદ જ વિશ્વકપની શરૂઆત થવાની છે . આ વર્ષે વિશ્વકપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીસમાં રમાશે. ભારતીય ટીમ 2013 બાદ એક પણ વાર ICC ટ્રોફી જીતી શક્યું નથી. ત્યારે ભારતની નજર આ વર્ષે આ વિશ્વકપ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કરવા ઉપર રહેશે. ભારતીય ટીમની T20 વિશ્વકપ માટેની ટીમની જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. ભારતીય ટીમની જાહેરાત થયા બાદ રીન્કુ સિંહ અને ટીમમાં શામેલ ખેલાડીઓના હાલના દેખાવ એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે સૌના મનમાં પ્રશ્ન છે કે શું હવે એક વાર જાહેરાત થઈ ગયા બાદ ભારતીય ટીમમાં હજી પણ કોઈ ફેરફાર થઈ શકે ખરા?, શું કહે છે ICC ના નિયમો? ચાલો જાણીએ સમગ્ર વિગત..
શું ભારતીય ટીમ હવે SQUAD માં કોઈ ફેરફાર કરી શકે ?
T20 વર્લ્ડ કપ 2024 હવે બહુ દૂર નથી, તે 1લી જૂનથી શરૂ થશે. હવે અહી પ્રશ્ન છે કે, શું ભારતીય ટીમ તેની ટીમમાં જાહેરાત કર્યા બાદ કોઈ ફેરફાર કરી શકે ખરા ? વાસ્તવમાં, ICCનો નિયમ છે કે કોઈપણ મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોએ તેની શરૂઆતના એક મહિના પહેલા પોતાની ટીમની જાહેરાત કરવી પડશે. આ વર્ષના વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. તેમાંથી મોટા ભાગની ટીમોએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. પરંતુ હવે જો ભારતીય ટીમને કોઈ ફેરફાર કરવો હોય તો 25 મે પહેલા કરવો પડશે.
શું છે ICC ના નિયમો ?
ICC દ્વારા જો ટીમો તેમની ટીમમાં કેટલાક ફેરફાર કરવા માંગે છે, તેમના માટે એક તારીખ જાહેર કરવામાં આવી છે. જે ટીમ હજી પણ તેમના ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરવા માંગતી હોય તેમણે 25 મેના પહેલા એટલે કે, ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર પાંચ દિવસ પહેલા પોતાના ટીમની જાહેરાત કરવી પડશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે,ટીમની જાહેરાત બાદ પણ ખેલાડીઓ અલગ-અલગ જગ્યાએ રમતા રહે છે, તે દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે, આ નિયમને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. એટલે કે, જો BCCIની પસંદગી સમિતિ ઈચ્છે તો 25 મે સુધી ટીમમાં ફેરફાર કરી શકે છે. પરંતુ આ પછી કોઈ ફેરફાર થશે નહીં.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ
વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે તેમાં રોહિત શર્માએ કપ્તાન અને હાર્દિક પંડયાને ઉપ કપ્તાન જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ આ મુજબ છે : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
9 જૂને ભારત - પાકિસ્તાનનો મહા મુકાબલો
ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે અને આ વખતના T20 વર્લ્ડ કપમાં પણ ચાહકો ભારત-પાકિસ્તાનની ટક્કરની રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો 9 જૂને સામસામે ટકરાશે. આ મેચ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ચાહકો પહેલેથી જ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદી રહ્યા છે. સ્થિતિ એ છે કે મેચની ટિકિટો હવે બમણા ભાવે વેચાઈ રહી છે. અહેવાલો અનુસાર, ટિકિટ જે અગાઉ 1300 ડોલર (લગભગ 1.08 લાખ)માં ઉપલબ્ધ હતી. હવે ચાહકો એક જ ટિકિટ માટે 2500 ડૉલર (લગભગ 2.08 લાખ) કરતાં વધુ ખર્ચ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : DC VS RR : દિલ્હીને આજે મળશે રોયલ ચેલેન્જ, જાણો કોને મળશે આજે વિજય