રશિયન સૈન્યમાં લડી રહેલા 16 ભારતીયો 'ગુમ'! અત્યાર સુધીમાં 12 લોકોના મોત: વિદેશ મંત્રાલય
- રશિયન સૈન્યના 16 ભારતીય નાગરિકો ગુમ
- ભારતે રશિયન દળોને તમામ ભારતીયોને મુક્ત કરવાની માંગણી કરી
- રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકોના મોત થયા છે
Russia-Ukraine War : વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, યુક્રેનમાં લડવા માટે રશિયન સૈન્ય દ્વારા તૈનાત કરાયેલા ઓછામાં ઓછા 16 ભારતીય નાગરિકો ગુમ છે, જ્યારે અત્યાર સુધીમાં 12 લોકો માર્યા ગયા છે. રશિયાના યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન રશિયન સેનામાં સેવા આપતા એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક ઘાયલ છે.
ભારતે મોસ્કો સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
આ પછી, ભારતે મોસ્કો સમક્ષ આ મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો અને રશિયન દળોને વહેલી તકે તમામ ભારતીયોને મુક્ત કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ કહે છે કે, આજ સુધીમાં રશિયન સેનામાં સેવા આપતા ભારતીય નાગરિકોના 126 કેસ નોંધાયા છે. આમાંથી 96 લોકો ભારત પાછા ફર્યા છે અને તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી રજા આપવામાં આવી છે. રશિયન સેનામાં 18 ભારતીય નાગરિકો બચ્યા છે અને તેમાંથી 16 ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકોના મોત
વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે બચી ગયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમના વતન પરત ફરવાની માંગ કરી રહ્યા છીએ. રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ સાથે, વિદેશ મંત્રાલયે યુક્રેન સાથેની લડાઈ દરમિયાન માર્યા ગયેલા કેરળના બિનીલ બાબુના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ભારતીય દૂતાવાસ તેમના મૃતદેહને પરત લાવવા માટે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. અન્ય એક ભારતીય નાગરિક, જૈન ટીકે, મોસ્કોમાં સારવાર હેઠળ છે અને તેમની સારવાર પૂર્ણ થયા પછી ભારત પાછા ફરવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ, દોહામાં કરાર પર હસ્તાક્ષર, ઇઝરાયલી બંધકોને મુક્ત કરાશે