VADODARA : લીવ ઇન પાર્ટનરે મનઘડંત આરોપો મુકી ઝઘડો કરતા યુવતિએ મોત વ્હાલુ કર્યું
VADODARA : વડોદરા (VADODARA) ના વરણામા પોલીસ મથક વિસ્તારમાં ભાડે રહેતી અને ડોગ રેસ્ક્યૂનું કામ કરતી યુવતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં આશરે દસ દિવસ બાદ આરોપી લીવ ઇન પાર્ટનર સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દ્વારા મૃતક પર મનઘડંત આરોપો મુકીને ઝઘડો કરવામાં આવતો હતો. આખરે ત્રસ્ત યુવતિએ મોત વ્હાલુ કર્યું હતું. સુત્રોના જણાવ્યા બાદ ઘટના બાદથી આરોપી લીવ ઇન પાર્ટનર ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડોગ રેસ્ક્યૂની એનજીઓનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હતા
વરણામાં પોલીસ મથકમાં મૃતકના બહેન સ્નેહલબેન સુરજકુમાર પટેલ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની બહેન શર્મિષ્ઠાબેન દિનેશભાઇ તડવી અને અતુલ ચંદુભાઇ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા. શર્મિષ્ઠાબેન ડોગ રેસ્ક્યૂનું કામ કરતા હતા. અને તેઓ કલ્પના જીવ આશ્રય નામથી ડોગ રેસ્ક્યૂની એનજીઓનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હતા. પરંતુ તેઓની આ વાતથી તેમનો લીવ ઇન પાર્ટનર અતુલ ચંદુભાઇ રાજ સહમત ન્હતો.
અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ હોવાનું ખોટું આડ (આરોપ) મુકતો
છેલ્લા બે માસથી શર્મિષ્ઠાબેન સાથે સંસ્થાનું રજીસ્ટ્રેશન નહીં કરાવવા માટે અતુલ ચંદુભાઇ રાજ દ્વારા ઝઘડો કરવામાં આવતો હતો. આ સાથે જ તે શર્મિષ્ઠા બેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આટલેથી નહીં અટકતા અતુલ ચંદુભાઇ રાજ પોતાનું કહ્યું થાય અને, શર્મિષ્ઠાબેનને દબાણમાં લાવવા માટે તેના પર અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ હોવાનું ખોટું આડ (આરોપ) મુકતો હતો. અને તે ખોટા વહેમને રાખીને શર્મિષ્ઠાબેન જોડે ઝઘડો કરતો હતો.
ઘરના સિલિંગ ફેન પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું
24, ઓક્ટોબરના રોજ બંને વચ્ચે ફોન પર મોટો ઝઘડો થયો હતો. જેમાં અતુલ રાજ એ શર્મિષ્ઠા બેનને ફોન પર ગંદી ગાળો બોલીને આડા સંબંધો અંગે ખોટું આડ (આરોપ) મુકીને ભયંકર માનસિક ત્રાસ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળી જઇને શર્મિષ્ઠાબેન એ ઘરના સિલિંગ ફેન પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જે બાદ તેમને મૃતદેહ પરિવારને મળ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે અતુલ ચંદુભાઇ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીના પિતા નિવૃત્ત પોલીસ કર્મી હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું. આ મામલાની તપાસ વરણામા પોલીસ મથકના પીએસઆઇ એન.જી. રાઠવાને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ સરકારી કર્મીઓને પાણિચું