VADODARA : 'યોગ્ય પાત્રને તમે સત્તા પર બેસાડ્યા છે', ભાજપ પ્રમુખની પસંદગીની સરાહના
VADODARA : આજરોજ વડોદરા શહેર સહિત અનેક શહેર-જિલ્લાઓમાં ભાજપ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં આરએસએસ સાથે સંકળાયેલા ડો. જયપ્રકાશ સોનીને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વાતથી જૈન આચાર્ય સુર્યસાગરજી ખુશ હોવાનું તેમણે વીડિયો મારફતે જણાવ્યું છે. સામાન્ય રીતે જૈન આચાર્ય ભાજપના નિર્ણયો સામે તીખી પ્રતિક્રિયા આપવા માટે જાણીતા હતા. પરંતુ આજે તેઓ વખાણ કરતા નજરે પડ્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, તમે યોગ્ય પાત્રને સત્તા પર બેસાડ્યા છે. (JAIN ACHARYA SURSAGARJI MAHARAJ PRAISE APPOINTMENT OF JAYPRAKASH SONI AS VADODARA CITY BJP PRESIDENT)
પ્રતિક્રિયા વીડિયો મારફતે આપી
વડોદરા શહેર ભાજપની નીતિ-રીતિ સામે જૈન આચાર્ય સુર્યસાગરજી મહારાજે અનેક વખત તીખી પ્રતિક્રિયા આપી છે. તેઓ પોતાના બેબાક બોલના કારણે જાણીતા છે. પરંતુ આ વખતે તેમની વિપરીત ટીપ્પણી સામે આવી છે. આજે શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકથી તેઓ સંતુષ્ટ હોય તેમ લાગી રહ્યું છે. અને આ અંગેની પ્રતિક્રિયા વીડિયો મારફતે આપી છે. જે સોશિયલ મીડિયાના માધ્યમથકી સામે આવી છે.
અમે તમારા રૂણી રહીશું
વડોદરા પાસે આશ્રમ ધરાવતા અને વડોદરામાં ભાજપના નિર્ણયો અંગે અવાર નવાર તીખી પ્રતિક્રિયા આપતા જૈન આચાર્ય સુર્યસાગરજી મહારાજનો એક વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. 58 સેકંડના વીડિયોમાં તેઓ જણાવે છે કે, વડોદરા શહેર ભાજપ પ્રમુખ માટે ડો. જયપ્રકાશ સોની સાહેબ, જેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી પ્રેરિત છે, તેમની પસંદગી ભાજપ અને શિર્ષ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે. તેના માટે હું આચાર્ય સુર્યસાગર શિર્ષ નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ નો ધન્યવાદ કરું છું. એક યોગ્ય પાત્રને તમે સત્તા પર બેસાડ્યા છે. અમે તમારા રૂણી રહીશું. જય શ્રી રામ, વંદે માતરમ
આ પણ વાંચો --- VADODARA : શહેર ભાજપ પ્રમુખના નામ સાથે અન્ય મોટી જાહેરાત કરાઇ