VADODARA : "ડોક્ટરે રિવોલ્વર કાઢી તે ખોટું છે", IMA શહેર પ્રમુખનો મત
VADODARA : કલકત્તામાં તબિબિ વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ તેની હત્યા (Kolkata Rape-Murder Case ) મામલે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગતરોજ અમરેલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક તબિબે જાહેરમાં રિવોલ્વર કાઢી હતી. જેને લઇને તબિબો તથા સામાન્ય લોકોમાં અલગ અલગ પ્રકારના મંતવ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના વડોદરા પ્રમુખ ડો. મિતેષ શાહે જણાવ્યું કે, (અમરેલીમાં) ડોક્ટરે રિવોલ્વર કાઢી તે 100 ટકા ખોટું છે. આપણે કોઇ પણ વિરોધ કરીએ તો શાંતિ રાખવી જ જોઇએ.
હથિયાર વસાવવાની અપીલ
કોલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. દેશ સહિત ગુજરાતમાં પણ મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે અને પોતાની માંગ સરકાર સમક્ષ મુકી રહ્યા છે. ત્યારે આ અંતર્ગત અમરેલીમાં કેન્ડલ માર્ચ દરમિયાન ડો. ગોવિંદ ગજેરા દ્વારા જાહેરમાં લાઈસન્સવાળી બંદૂક કાઢીને ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી છે. આ વાતનો વડોદરા આઇએમએ પ્રેસીડેન્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અનેક આ પગલું ખોટુ હોવાનું અને તેમનું નિવેદન રોષમાં આપ્યું હોવાનું જણાવ્યું છે.
રિવોલ્વર કાઢીને કોઇ પણ કૃત્ય કરવું ખોટું
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના વડોદરા પ્રમુખ ડો. મિતેષ શાહે જણાવ્યું કે, (કલકત્તામાં) જે ઘટના થઇ છે, તે ખરાબ અને જઘન્ય આપરાધ થયો છે. પરંતુ (અમરેલીમાં) ડોક્ટરે રિવોલ્વર કાઢી તે 100 ટકા ખોટું છે. આપણે કોઇ પણ વિરોધ કરીએ તો શાંતિ રાખવી જ જોઇએ. શાંતિથી આપણે વિરોધ કરવો જોઇએ. આપણા જે મંતવ્યો છે, આપણી જે માંગ છે તે સરકાર સુધી પહોંચવી જોઇએ. તેની માટે રિવોલ્વર કાઢીને કોઇ પણ કૃત્ય કરવું તે ખોટું છે.
આપણી સાથે સરકાર છે
વધુમાં તેમણે જણાવ્યું કે, ડો. ગજેરા સાહેબે જે કંઇ કહ્યું છે, તે રોષમાં આપ્યું છે. પરંતુ આવું ન આપવું જોઇએ. આપણી સાથે સરકાર છે. આપણી જે માંગ છે, તેમાં આપણે એવું માંગીએ છીએ કે, દિકરીઓની સુરક્ષા માટે આપણે શું પ્રયત્નો કરવા જોઇએ, હોસ્પિટલ-કોલેજમાં સીસીટીવી કેમેરા, સિક્યોરીટી પુરતા પ્રમાણમાં આપવી જોઇએ, એપેડેમીક એક્ટ - 2019 તે પ્રમાણે કામ થવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના CCTV ને યોગ્ય કાર્યરત કરવા "સર્જરી" જરૂરી