VADODARA : આજે 14 પરિવારો વિખેરાયા હતા, હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ
VADODARA : 18, જાન્યુઆરી - 2024 ના રોજ વાઘોડિયા વિસ્તારમાં આવેલી ન્યુ સનરાઇઝ શાળા (NEW SUNRISE SCHOOL - VADODARA) ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના પ્રવાસે ગયા હતા. પ્રવાસમાં હરણી તળાવમાં બોટીંગ દરમિયાન ખીચોખીચ બાળકોને ભરી દેવામાં આવતા બોટ પલટી હતી. અને હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT - VADODARA) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો મળીને 14 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું (HARNI BOAT ACCIDENT, 1 YEAR COMPLETED - VADODARA) હતું. આ ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હતા. પરંતુ તેટલું જ નહીં 14 પરિવારો પણ વિખેરાયા હતા. આજદિન સુધી પોતાના વ્હાલસોયા સંતાનને યાદ કરીને માતા-પિતા તથા સ્વજનોની આંખમાં આંસુ આવી જાય છે.
પરત આવશે તેવી વાટ જોતા ઘરમાં મૃતદેહ આવ્યા
હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ થવા પર 14 મૃતકોના પરિજનો વાઘોડિયાની ન્યુ સનરાઇઝ શાળા બહાર એકત્ર થયા છે. અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. એક વર્ષ પહેલા આજના જ દિવસે શાળાએ પ્રવાસ જવા માટે પોતાના વ્હાલસોયા સંતાનને તેમણે શાળાએ સોંપ્યું હતું. સાંજે તેઓ પરત આવશે, તેવી વાટ જોતા ઘરમાં તેમના મૃતદેહ આવ્યા હતા. તે દિવસ આજે પણ પરિજનો ભૂલી શક્યા નથી.
ત્યારે શાળાને પોલીસનું રક્ષણ મળ્યું છે, કેમ ?
હરણી બોટકાંડમાં મૃતકની માતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજના દિવસે અમે સવારે મારા બાળકને સોંપ્યું હતું. તે મને કહીને ગઇ હતી કે, મમ્મી પાંચ વાગ્યે પપ્પાને લેવા મોકલજે. તેના પિતા પાંચ વાગ્યે લેવા પણ ગયા હતા. પણ અમને ખબર ન્હતી કે મારુ સંતાન હવે પાછો નહીં આવે. અમને ખબર હોત તો અમે પ્રવાસે મોકલ્યા જ ના હોત. આજે બધા શાળાને પ્રોટેક્ટ કરી રહ્યા હોય તેમ લાગે છે. શાળાની નિષ્કાળજી દેખાય છે, છતાં કેમ શાળા ચાલું છે. આજે અમે આવ્યા છીએ, ત્યારે શાળાને પોલીસનું રક્ષણ મળ્યું છે, કેમ ? તેને તંત્ર સપોર્ટ કેમ કરે છે ? કેટલી ક્રુર વાત કહેવાય આ.
સૌથી પહેલા શાળા બંધ કરાવવી જોઇએ
અન્ય મૃતકના પરિજને જણાવ્યું કે, મારો છોકરો પ્રવાસે જતા સમયે ખુબ ખુશ હતો. તેણે જતા જતા કહ્યું હતું કે, સાંજે મને લેવા મમ્મી-પપ્પા બંને આવજો. પપ્પાને ફોન કરીને બોલાવી લેજો. તે નવું લંચબોક્સ, બોટલ નવું નક્કોર લઇને ગયો હતો. અમે સંતાનને લેવા ગયા ત્યારે તેણે અમને તેમની લાશ સોંપી હતી. શાળા સંચલાકોએ બાળકોને ક્યાં લઇ ગયા હતા, તેનું એડ્રેસ પણ આપ્યું ન્હતું. આ કેસમાં જેટલા પકડાયા, તેટલા તમામને છોડી મુકવામાં આવ્યા છે. સૌથી પહેલા શાળા બંધ કરાવવી જોઇએ.
શું તમે તમારા છોકરા જવાની રાહ જોઇ રહ્યા છો
અન્ય એક મૃતકના પરિજને મીડિયાને જણાવ્યું કે, મારૂ બાળક મજા કરવા નીકળ્યું હતું. અમે તેને લેવા જવા નીકળ્યા ત્યારે અમને કોઇક રીતે અકસ્માતની જાણ થઇ હતી. શાળાના નફ્ફટ સંચાલકોએ આજદિન સુધી અમને જણાવ્યું નથી કે, આ ઘટના પાછળનું કારણ શું છે, તે વખતે પણ ન્હતું જણાવ્યું. આ શાળા નહીં પણ કંપની કહેવાય. ઘટનાના બીજા દિવસે શાળા સંચાલકોએ કહ્યું કે, મૃતકો મારા છોકરાઓ હતા. વાલીઓ કરતા વધારે મારા હતા. એક વર્ષ પછી એવું કહે છે કે, આમાં અમારી કોઇ જવાબદારી ન્હતી. આજે હું તમામ ન્યુ સનરાઇઝ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને જણાવું છું, કે શું તમે તમારા છોકરા જવાની રાહ જોઇ રહ્યા છો. તેણે અમને મોઢા પર કહ્યું કે, આમાં અમારી કોઇ જવાબદારી નથી. લેખિતમાં તેણે કહ્યું છે. શાળા સંચાલકોની માત્ર ફી લેવાની જવાબદારી છે ?
આમાં અમારી કોઇ જવાબદારી નથી
ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ મીડિયાને જણાવ્યું કે, આ બહુ દુખદ દિવસ હતો. આ વડોદરા શહેરે 14 લોકો ગુમાવ્યા છે. અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારની ભેંટ આ બાળકો ચઢી ગયા છે. પીડિત પરિવાર માટે ન્યાયની તેમની આશા જાગી નથી. જે આરોપીઓ છે, તેમણે કોર્ટમાં ડિસ્ચાર્જ કરવાની અરજી કરી છે. શાળા સંચાલકો એક વર્ષ બાદ પ્રાંતઅધિકારીને એફિડેવીટ કરીને જણાવે છે કે, આમાં અમારી કોઇ જવાબદારી નથી. પાલિકાના અધિકારીઓને ક્લિન ચીટ આપી હોય, તે પ્રમાણે મુરખ બનાવવાના ભાગરૂપે રીટાયર્ડ થયેલા અધિકારીને દોષિત માનીને રૂ. 5 હજાર કાપવાની સજા કરાઇ છે. આ તંત્ર કયા પ્રકારે કામ કરે છે, તે તમે સમજી શકો છે. રૂ. 5 હજારનો દંડ પીડિત પરિવારોના જખમ પર મીઠું ભભરાવવા જેવી વાત છે.
અમે કોઇ ગુનેગાર હોય તેવુ લાગી રહ્યું છે
વિરોધ પ્રદર્શન ટાણે પોલીસ આવી પહોંચતા મૃતકના પરિજન આક્રોશિત થયા હતા. પોલીસ દ્વારા તેમના વીડિયો લેવામાં આવતા હોવાનો આરોપ તેમણે મુક્યો હતો. અમે કોઇ ગુનેગાર હોય તેવુ લાગી રહ્યું છે. અમે તેમને અમારૂ એડ્રેસ આપવા તૈયાર છે, તેમણે વીડિયો ઉતારવાની શું જરૂર છે.
આ પણ વાંચો --- Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ