VADODARA : ભાજપના ધારાસભ્યની સભામાં ભારે હોબાળો, પોલીસે બાજી સંભાળી
VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા (BJP MLA KEYUR ROKADIYA - VADODARA) દ્વારા ટીપી 13 માં ભૂખી કાંસ રિરૂટ કરવા અંગે લોકજાગૃતિ માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં લોકોએ ભૂખી કાંસને રિરૂટ કરવા અંગે હોબાળો મચાવતા વિરોધ નોંધાવ્યો હતો. મામલો બિચકે તે પહેલા જ સ્થળ પર હાજર પોલીસ દ્વારા દરમિયાનગીરી કરીને લોકોને સમજાવટથી શાંત પાડવામાં આવ્યા હતા.
જ્યાં નથી ભરાયા ત્યાં પાણી ભરાઇ જવાની દહેશત
વડોદરા શહેરમાં પૂર નિવારણ માટેના પગલાં અંતર્ગત વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં છાણી કેનાલ રોડથી જકાતનાકા થઇ કલાસવા નાળાથી સ્મશાન તરફ ભૂખી કાંસ ડાયવર્ટ કરવા 4 રસ્તા તોડવામાં આવનાર છે. જેનાથી નવાયાર્ડના જે વિસ્તારોમાં પાણી નથી ભરાતા, ત્યાં પણ પાણી ભરાઇ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી ચુકી છે. આ વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ભૂખી કાંસના પ્રોજેક્ટ અંગે સમજ આપવા માટે છાણી ટીપી - 13 માં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિકોએ ભારે નારાજગી દર્શાવી
આ બેઠકમાં પ્રોજેક્ટર મુકીને સચિત્ર લોકોને સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, બેઠક શરૂ થાય તે પૂર્વે જ લોકોએ વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ ભૂખી કાંસને રિરૂટ કરવા મામલે ભારે નારાજગી દર્શાવી હતી. હોબાળો વધતા મામલો શાંત કરવા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. આ તકે કેયુર રોકડિયા દ્વારા પણ લોકોનો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને કોઇ સફળતા મળી ન્હતી.
કોંગ્રેસે મોકલેલા 4 - 5 લોકો દ્વારા વિરોધ કરાયો હતો
વિરોધ કરતા સ્થાનિકે માઇકમાં જણાવ્યું કે, વિસ્તારમાં રોડ પરના બાંધકામ, પાર્કિંગ, પાણી જેવી સમસ્યા છે. જે જોવાની જવાબદારી તેમની છે. અગાઉ રજુઆતો કરી હતી, પરંતુ સંગઠનના નામે ચૂપ કરાવી દીધા હતા. બીજી તરફ કેયુર રોકડિયાએ મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસે મોકલેલા 4 - 5 લોકો દ્વારા વિરોધ કરાયો હતો. પોલીસે તેમને બહાર કાઢ્યા હતા. ભૂખી કાંસ રિરૂટની ડિઝાઇન બદલી છે, હવે વોર્ડ નં - 2 ની હદમાં સામેની તરફના રોડ પર કામ કરવાનું નક્કી કરાયું છે.
આ પણ વાંચો --- VADODARA : શહેર-જિલ્લામાં લોંગ ટર્મ વિઝા સાથે 72 પાકિસ્તાનીઓનો વસવાટ