VADODARA : શાળાઓ શરૂ થતા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને વાનનું ચેકીંગ
VADODARA : આજથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થઇ રહી છે. તેવામાં સ્કુલ વાનમાં આવતા-જતા બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે કારેલીબાગ વિસ્તારમાં આવેલી શાળા સામે સ્કુલ વાનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી નિયમોનું પાલન થતું ન હોવાથી તે વાહનને જમા લેવા માટે ટ્રાફીક પોલીસના જવાને જણાવ્યું હતું.
ટીમ શાળા બહાર પહોંચી
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદથી વડોદરાનું પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ બનીને કામગીરી કરી રહ્યું છે. આજથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થઇ રહી છે. તેવામાં આજે વડોદરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા સ્કુલ વાનની ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે. ટ્રાફીક પોલીસના જવાનો દ્વારા સ્કુલ વાનના ફીટનેસ સર્ટીફીકેટ સાથે અનેક મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કોઇ કિસ્સામાં સ્કુલ વાન ચાલક પાસે યોગ્ય મંજૂરી ન હોય તો તેના વાહનને જમા લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ટ્રાફીક પોલીસની એક ટીમ કારેલીબાગ વિસ્તારમાં આવેલી શાળા બહાર પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
તો વાહન ડિટેઇન કરીશું
ટ્રાફીક પોલીસ જવાન જણાવે છે કે, હાલમાં અમે સ્કુલ વાનનું ફીટનેશ ચેક કરી રહ્યા છે. તથા બાળકો કેટલા બેસાડ્યા છે, સ્કુલ વાન પાસે આરટીઓ પાસીંગ છે કે કેમ તેની ચકાસણી કરી રહ્યા છીએ. જો જરૂરી સર્ટીફીકેટ નહી હોય તો વાહન ડિટેઇન કરીશું. ફીટનેશ સર્ટીફીકેટ આરટીઓમાંથી આપવામાં આવે છે. જે બાદ તેમને ફીટનેશની મંજૂરી આપવામાં આવશે. બાદમાં તેનો સ્કુલ વાન તરીકે ઉપયોગ કરી શકાશે, વાહન આગળ સ્કુલ વાનનું બોર્ડ લાગશે. તેનું પાસીંગ કેટલું છે તે પણ જોવું પડશે. વધુ બાળકો બેસાડ્યા હશે તો વાહન જમા લઇ લેવામાં આવશે.
સલામત ઘરે પહોંચાડ્યા
એક કિસ્સામાં સ્કુલ વાન પાસે પૂરતા ડોક્યૂમેન્ટ્સ ન હોવાના કારણે તેને ડિટેઇન કરવામાં આવી હતી. જો કે, તેમાં વિદ્યાર્થીઓ હોવાથી પોલીસ જવાને તેમાં બેસીને વિદ્યાર્થીઓને સલામત રીતે તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આમ, પોલીસ દ્વારા વ્યવહારૂ રીતે તમામ કામ પાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : આગામી તહેવારોને ધ્યાને લઇ શાંતિ સમિતીની બેઠકો શરૂ