અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જવા દીધો તે એજન્ટ માનવ તસ્કરીનો માફિયા હતો
માનવ તસ્કરી સાથે જોડાયેલા એક મોટા નેટવર્ક (Human Trafficking Network) ને તોડી પાડવામાં ગુજરાત પોલીસ (Gujarat Police) ને સફળતા હાથ લાગી છે. એક વર્ષ અગાઉ SMC એ બોબી પટેલની ધરપકડ કરી માનવ તસ્કરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ (Bobby Patel) ઉપરાંત અનેક આરોપીઓના નામ તપાસમાં ખૂલ્યાં હતાં. જેમાં એક નામ હતું કેપી ઉર્ફે મનિષ ઉર્ફે કેયૂર ઉર્ફે કેતન બાબુલાલ પટેલ. 25 હજાર રૂપિયાના ઈનામી આરોપીને પકડવા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) છેલ્લાં કેટલાંય મહિનાઓથી દોડાદોડ કરી રહી હતી. SMC ને બબ્બે વખત હાથ તાળી આપનારા મૂળ પાટણ અને હાલ મુંબઈ રહેતા કેતન પટેલને ઝડપી લેવાતા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના છે. દોઢેક વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) બોબી પટેલના એક કેસમાં કેતન પટેલ ઉર્ફે કેપી (Ketan Patel alis KP) ને ઉપાડ્યો હતો, પરંતુ કેપી પોલીસને ઉઠા ભણાવીને આબાદ રીતે છટકી જવામાં સફળ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, 250 કરોડથી વધુના આસામી કેતન પટેલ ઉર્ફે કેપી સામે દિલ્હી અને મુંબઈ પોલીસના ચોપડે અડધો ડઝન જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે તેમજ દિલ્હીના કેટલાંક કેસોમાં તે ડિસ્ચાર્જ થઈ ચૂક્યો છે.
ગુજરાતના IPS અધિકારી સુધીના સંપર્ક : દેશભરના અનેક ઈમિગ્રેશન ઓફિસર (Immigration Officer) અને પાસપોર્ટ ઓફિસર (Passport Officer) સાથે સંપર્કો ધરાવતો કેતન પટેલ ઉર્ફે કેપી છેલ્લાં બે દસકાથી માનવ તસ્કરીના કૌભાંડમાં જોડાયેલો છે. મુંબઈ (Mumbai) દિલ્હી (Delhi) પંજાબ (Punjab) હરિયાણા (Haryana) ચેન્નાઈ (Chennai) કોલકાતા (Kolkata) કે પછી ગુજરાત કેતન પટેલના તમામ સ્તરે નાણાકીય સંબંધો છે. ગાંધીનગર જિલ્લાનું કલોલ (Kalol) કેતન પટેલ ઉર્ફે કેપીનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું છે. ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) માં દોઢેક દસક અગાઉ ફરજ બજાવતા IPS અધિકારીઓના સંપર્કમાં આવેલા કેપીને વર્ષોથી પોલીસનું રક્ષણ મળતું રહ્યું છે. પોલીસમાં થયેલી અરજી કે ફરિયાદમાં કેતન પટેલને ક્લીનચીટ અપાવવામાં ભ્રષ્ટ પોલીસ અધિકારી મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું એજન્ટ લોબીમાં ચર્ચાય છે. જેવો કેસ તેવી રકમ. કેતન પટેલ કેસની પતાવટ માટે લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયા સુધી ખર્ચી ચૂક્યો છે અને એટલે જ તે SMC ના અપવાદરૂપ કેસને બાદ કરતા ગુજરાત પોલીસના ચોપડે આજદિન સુધી ચઢ્યો નથી.
બોબી પટેલ જેવા 50 એજન્ટનો ગુરૂ : USA, UK, CANADA અને યુરોપ (Europe) ના દેશોમાં માનવ તસ્કરી કરતા ટોચના એજન્ટોમાં કેતન પટેલ ઉર્ફે કેપી સ્થાન ધરાવે છે. બે દસકથી માનવ તસ્કરીના રેકેટમાં KP સક્રિય છે. ગુજરાતીઓને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી (Illegal Trespass in USA) કરાવનારા ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ જેવા 50 એજન્ટ (કબૂતરબાજ) કેતન પટેલ સાથે કામ કરે છે. અન્ય વ્યક્તિના દસ્તાવેજ પર પાસપોર્ટ બનાવવો હોય કે અન્ય કોઈ બોગસ ટ્રાવેલ ડોક્યુમેન્ટ (Fake Travel Document) તે કેતનના ડાબા હાથનો ખેલ છે. બોબી પટેલના નિવેદનમાં એકાદ વર્ષ અગાઉ કેતન પટેલ ઉર્ફે કેપીનું નામ સામે આવ્યું હતું અને ત્યારથી જ તે ફરાર હતો. રાજ્ય પોલીસ વડા (DGP Gujarat) એ ફરાર કેતન પટેલ પર 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
કેતન પટેલ મેક્સિકો લાઈનનો બાદશાહ : ગેરકાયદેસર રીતે મેક્સિકોની સરહદથી અમેરિકા મોકલવાની ચાલતી લાઈન (Mexico US Border) માં કેતન પટેલ બાદશાહ ગણાતો હતો. એક વર્ષથી જેલવાસ ભોગવતા બોબી પટેલની કબૂલાતમાં કેતન પટેલ ઉર્ફે કેપી માનવ તસ્કરીનો મુખ્ય સૂત્રધાર હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. પેસેન્જર દીઠ વસૂલાતી લાખો રૂપિયાની રકમનો 60 ટકા હિસ્સો કેતન પટેલને મળતો હતો. કેતન પટેલ ઉર્ફે કેપીએ છેલ્લાં ચારેક વર્ષમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ સહિત ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરાવી છે. વાયા નેપાળ (Nepal) સેન્ટ્રલ અમેરિકા (Central America) અખાતી દેશો (Gulf Country) આફ્રિકન દેશો (African Countries) અને દક્ષિણ-પૂર્વ એશિયન દેશો (Southeast Asian Countries) થકી અનેક ભારતીયોને અન્ય વિકસિત દેશોમાં કેતન ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવી ચૂક્યો છે. યુરોપના દેશોના વિઝા અપાવવાનું પણ એક સુવ્યવસ્થિત નેટવર્ક કેપી ધરાવે છે.
આ પણ વાંચો-અમદાવાદ પોલીસે હસ્તાક્ષર વિનાની અરજીની તપાસમાં ધમધમાટ બોલાવ્યો