Patidar Anamat Andolan : કરસનભાઈ પટેલનાં નિવેદન સામે અગ્રણીઓમાં રોષ! જાણો કોણે શું કહ્યું ?
- પાટીદાર અનામત મુદ્દે ફરી રાજકીય ગરમાવો (Patidar Anamat Andolan)
- ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલનાં નિવેદનને વખોડતા અગ્રણીઓ
- હાર્દિક પટેલ, લલીત કગથરા, રેશ્મા પટેલ સહિતનાં અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા
પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) પર નિરમાનાં સર્જક અને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલનાં (Karsanbhai Patel) નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. એક પછી એક નેતા આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. કરસનભાઈ પટેલના નિવેદનને અગ્રણીઓએ વખોડ્યું છે. હાર્દિક પટેલ, લલીત કગથરા, દિનેશ બાંભણીયા, રેશ્મા પટેલ, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ અને જેરામ વાંસજાળીયાએ કરસનભાઈ પટેલનાં નિવેદન પર પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.
કરસનભાઈ કરોડપતિ છે, ગરીબી જોઈ નથી : હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન પર ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલનાં નિવેદન પર વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કરસનભાઈ કરોડપતિ છે, ગરીબી જોઈ નથી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, આવા આગેવાનો પાટીદારને લેઉવા-કડવામાં વેચી રહ્યા છે. આ આંદોલનથી માત્ર પાટીદારને જ નહીં પણ બ્રાહ્મણ, લુહાણા સહિતનાં સમાજને ફાયદો થયો છે. છેલ્લા 4 વર્ષમાં હજારો યુવાનો મફતમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
અમરેલીની દીકરી સાથે બનેલી ઘટનામાં કેમ આગળ ન આવ્યા ? : અલ્પેશ કથીરિયા
પૂર્વ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiriya) કહ્યું કે, કરસનકાકાએ જે નિવેદન આપ્યું તેનાથી મને દુઃખ છે. કરસનકાકાને દુ:ખે છે પેટ અને ખૂટે છે માથું. આંદોલનનાં (Patidar Anamat Andolan) ચેહરાઓથી ગુજરાતને ફાયદો થયો છે. સાથે જ આંદોલનથી સમાજને પણ ઘણો લાભ મળ્યો છે. આંદોલનથી EWS, સ્વાવલંબન યોજના સહિત અનેક એવા ગુજરાત સરકારે લાભો આપ્યા છે. તેમણે આગળ કહ્યું કે, કરસનકાકા 10 વર્ષ પછી આનંદીબેન પટેલનું કહી રહ્યા છે. અમરેલીની દીકરી સાથે બનેલી ઘટનામાં કેમ આગળ ન આવ્યા ? અમરેલીની દીકરી પણ પાટીદાર જ છે.
ઉદ્યોગપતિ કરસનદાસને 10 વર્ષે હિસાબ યાદ આવ્યો છે : લલીત કગથરા
કરસનભાઈ પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ MLA અને પાટીદાર આગેવાન લલીત કગથરા કહ્યું કે, ઉદ્યોગપતિ કરસનદાસને 10 વર્ષે હિસાબ યાદ આવ્યો છે. કરસનભાઈ પટેલને હવે યાદ આવ્યું કે પાટીદાર આંદોલનથી કાંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે, આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ત્યારે કેમ ન બોલ્યા ? લલીત કગથરાએ (Lalit Kagathara) આગળ કહ્યું કે, કરસનભાઇએ કહ્યું કે આંદોલનથી પાટીદાર દીકરીએ CM નું પદ ગુમાવ્યું, પણ લલીત કગથરા કહે છે કે પાટીદાર આંદોલનથી સમાજ જાગૃત થયો છે. હા હું પોતે જ પાટીદારોનાં મતથી કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યો હતો.
કરસનદાદાનું નિવેદન સરકારને વ્હાલા થવા માટેનું છે : દિનેશ બાંભણીયા
આ મામલે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ (Dinesh Bambhaniya) નિવેદન આપતા કહ્યું કે, કરશનભાઈ પટેલનું નિવેદન શંકા ઉપજાવનારૂં છે. કરસનદાદાને આંદોલનથી (Patidar Anamat Andolan) શું મળ્યું તે ખબર નથી, તે દુ:ખદ બાબત છે. દિનેશભાઈએ આગળ કહ્યું કે, આનંદીબેન પટેલને માત્ર લેઉવા પટેલ તરીકે સંબોધિત કર્યા, તેમણે આનંદીબેન પટેલને (Anandiben Patel) લેઉવા પટેલ પુરતા સીમિત કર્યા છે. કરસનદાદાનું નિવેદન સરકારને વ્હાલા થવા માટેનું છે.
આ પણ વાંચો - hMPV Guide Line: ભયાનક ચીની વાયરસથી બચવા માટે શું કરશો, શું નહી?
પાટીદાર આંદોલનથી અનેક લોકોને ઘણા ફાયદા થયા છે : રેશ્મા પટેલ
પાટીદાર મહિલા અગ્રણી રેશ્મા પટેલે (Reshma Patel) કહ્યું કે, પાટીદાર આંદોલન ક્યારેય ગેરમાર્ગે દોરવા માટે નહોતું. પાટીદાર આંદોલન સારી ભાવનાથી કરવામાં આવ્યું હતું. પાટીદાર આંદોલનથી અનેક લોકોને ઘણા ફાયદા થયા છે. તેમણે કહ્યું કે, CM પદ છોડવું પડ્યું તે અંદરનું રાજકારણ હોઈ શકે.
સારું કરવું નહીં અને સારું કરે તેને કરવા દેવું નહીં : જયેશ પટેલે
કરસનભાઈ પટેલનાં નિવેદને વખોડી દેતા પાટીદાર અનામત આંદોલનનાં કન્વિનર જયેશ પટેલે (Jayesh Patel) કહ્યું કે, કરસનભાઈનું આ નિવેદન બેજવાબદારીપૂર્વક છે. આંદોલન મધ્યમ અને જરુરિયાતમંદ વર્ગ માટે હતું. આંદોલનથી શું મળ્યું તે જાણવા કરસનભાઈને ચર્ચા માટે આમંત્રણ છે. કરસનભાઈની શૈક્ષણિક સંસ્થાનાં વિધાર્થીઓને પણ સહાય મળી રહી છે. જયેશ પટેલે વધુમાં કહ્યું કે, જરુરિયાતમંદ વર્ગની વેદનાથી કરસનભાઈ કાયમ અજાણ રહ્યા છે. કરસનભાઈ સમાજને મદદરુપ બનવાનાં કિસ્સામાં નિષ્ફળ રહ્યા છે. સારું કરવું નહીં અને સારું કરે તેને કરવા દેવું નહીં.
આ પણ વાંચો - HMPV : ચીનમાં નવા વાઇરસ HMPV એ ચિંતા વધારી! રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે : જેરામ વાંસજાળીયા
સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ વાંસજાળીયાએ (Jeram Vansjaliya) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 10 વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી યોગ્ય ન કહેવાય. આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું તે હવે ચર્ચાનો વિષય નથી. આંદોલનથી (Patidar Anamat Andolan) સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. પાટીદાર સમાજનાં આંદોલનથી આયોગ અને નિગમ મળ્યું. જેરામ વાંસજાળીયાએ કહ્યું કે, મુખ્યમંત્રી અને 14 દીકરા ગુમાવ્યા તે દુઃખદાયી છે. સમાજનાં 14 દીકરાઓ શહીદ થયા તેમના પરિવારોને સહાય અપાઈ છે. 6 જેટલી સામાજિક સંસ્થાએ 20-20 લાખ રૂપિયાની સહાય આપી છે.
શું ખરેખર આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું ? : કરસનભાઈ
જણાવી દઈએ કે, પાટણમાં (Patan) પાટીદાર સમાજનાં એક કાર્યક્રમમાં નિરમાનાં સર્જક અને ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલે (Karsanbhai Patel) પાટીદાર આંદોલનને વખોડ્યું હતું અને કહ્યું હતું કે, પાટીદાર આંદોલનમાં આપણા યુવાનો શહીદ થયા. લેઉવા પાટીદાર મહિલાને CM પદેથી જવું પડ્યું. શું ખરેખર આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું? કરસનભાઈએ આરોપ કરતા આગળ કહ્યું કે, આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા. જણાવી દઈએ કે, વર્ષ 2010 માં સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી કરસનભાઈને સન્માનિત કરાયા હતા.
આ પણ વાંચો - હાહાકાર! hMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં પહેલો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું