VNSGU : PM મોદીની ટકોર બાદ યુનિ. માં આ વિદેશી ભાષાઓના કોર્સ શરૂ, જાણો કેટલી છે ફી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) ટકોર બાદ યુનિવર્સિટી એક્શનમાં આવી છે. પીએમ મોદીના આદેશને અનુસરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં વિદેશી ભાષા શીખવવાના સર્ટિફિકેટ કોર્સની જાહેરાત કરાઈ હતી. ત્યાર આજથી આ વિવિધ ભાષાના કોર્સની શરૂઆત થવા જઈ રહી છે. માહિતી મુજબ, નર્મદ યુનિવર્સિટીમાં આજથી ફ્રેન્ચ, જર્મન, રશિયન અને સ્પેનિશ ભાષાના સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ થયો છે.
સુરતમાં (Surat) ડાયમંડ બુર્સ (Diamond Burse) અને ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન પ્રસંગે શહેર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી કે, આવનારા દિવસોમાં વિદેશી ભાષાની માગમાં વધારો થશે. આથી દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદેશી ભાષા શીખવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમ મોદીની વાતને અનુસરીને નર્મદ યુનિવર્સિટી દ્વારા 10 થી વધુ દેશોની ભાષાની તાલીમ માટે અલગ અલગ કોર્સની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજથી આ કોર્ષની યુનિવર્સિટીમાં શરૂઆત થવા જઈ રહી છે. યુનિવર્સિટીએ વિદેશી ભાષાના અભ્યાસક્રમ અનુસાર ફી નક્કી કરી છે.
યુનિ. કુલપતિએ કહી આ વાત
માહિતી મુજબ, યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના ટકોરના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) ગઈકાલથી ફ્રેન્ચ અને જર્મન બે ભાષાના કોર્સ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે રશિયન અને સ્પેનિશ ભાષાના સર્ટિફિકેટ કોર્સ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. યુનિ.માં કુલ 10 વિદેશી ભાષાના કોર્સ શરૂ કરવામાં આવશે. કુલપતિએ વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા રૂ. 8 હજારથી રૂ. 10 હજાર સુધીની ફી નક્કી કરવામાં આવી છે. આ સર્ટિફિકેટ કોર્ષ 3 મહિનાનો રહેશે અને ત્યાર બાદ પરીક્ષા લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, વિદેશી ભાષાના કોર્સ ઓનલાઈન મોડમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ વિદેશી ભાષા શીખી શકશે. પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ પણ વાંચો - Jamnagar : બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદી બાળકનું 9 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ