Rajkot : 150 ફૂટ રિંગરોડ, રૈયા રોડ, અંડર બ્રિજ પાણીમાં ગરકાવ, માધાપરમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ
એક દિવસના વિરામ બાદ રાજકોટમાં (Rajkot) ફરી મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજકોટના રસ્તાઓ પાણી પાણી થયા છે. 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, આઝાદ ચોક, રેસકોર્સ રિંગ રોડ (Race Course Ring Road) પર પાણી ભરાયાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે માધાપર (Madhapar) વિસ્તારમાં વરસાદના કારણે પડેલા ખાડામાં સ્કૂલ બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે.
JCB બોલાવી સ્કૂલ બસ બહાર કાઢી
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં માધાપર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભુવો પડતા તેમાં સ્કૂલ બસ ફસાઈ હતી. ખાડામાં સ્કૂલ બસ ફસાતા સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું અને JCB બોલાવી સ્કૂલ બસ બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, ભારે જહેમત બાદ સ્કૂલ બસને ખાડામાંથી બહાર કઢાઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોર્પોરેશન (RMC) દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાનું કામગીરી પૂર્ણ થયા બાદ માત્ર માટી નાખીને બુરી દેતા પાણીના પ્રવાહમાં ધોવાણ થયું છે અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ છે.
તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ
સ્થાનિકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં અગાઉ પણ બે વખતા ખાડા પડવાથી વાહનો ફસાયા હતા. વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. કોન્ટ્રક્ટર દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી નથી. માત્ર માટી નાખી દેતા જ વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે. વારંવાર ભુવો પડવાની ઘટનાથી તંત્રની કાર્યવાહી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ
વરસાદની વાત કરીએ તો રાજકોટમાં (Rajkot) વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેતપુર (Jetpur), ધોરાજી, ગોંડલ (Gondal), ઉપલેટા (Upaleta) સહિતના વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી છે. જ્યારે શહેરમાં વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. સવારે 7 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, આઝાદ ચોક (Azad Chowk), રેસ્કોર્સ રિંગ રોડ, રેલનગરનું અંડર બ્રિજ, રામાપીર ચોકડી, પોપટ પરાનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયા છે. ઉપલેટાના લાઠ ગામમાં 10 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો - Alert : ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી બારે મેઘ ખાંગા….
આ પણ વાંચો - Kheda : NH 8 પર એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી, ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા
આ પણ વાંચો - kheda : મહેલજ ગામે વીજ કરંટ લાગતા માતા,પુત્ર સહિત 3 લોકોના મોત