Gaza પર ટ્રમ્પની યોજનાથી ઉત્તર કોરિયા ગુસ્સે ભરાયું
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યોજના પર કડક પ્રતિક્રિયા
- કોરિયાએ ટ્રમ્પના આ નિર્ણયને વાહિયાત અને હાસ્યાસ્પદ ગણાવ્યો
- આપણે ગાઝાને મધ્ય પૂર્વના રિવેરામાં પરિવર્તિત કરીશું : Trump
હવે ઉત્તર કોરિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યોજના પર કડક પ્રતિક્રિયા આપી છે. કોરિયાએ ટ્રમ્પના આ નિર્ણયને વાહિયાત અને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ઉત્તર કોરિયાની સરકારે કહ્યું કે અમેરિકા તેની ગાઝા યોજનાની આડમાં ખંડણી વસૂલ કરી રહ્યું છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે આ યોજનાએ પેલેસ્ટિનિયનોના સુરક્ષિત પાછા ફરવાની કોઈપણ આશાને ચકનાચૂર કરી દીધી છે.
ટ્રમ્પે શું કહ્યું?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ગાઝા ખરીદવા અને તેના પર માલિકી જાળવી રાખવા માંગે છે. પરંતુ તે જ સમયે તેમણે કહ્યું કે તેઓ ગાઝાના કેટલાક ભાગોના પુનર્નિર્માણ માટે મધ્ય પૂર્વના કેટલાક દેશોને સામેલ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે હું ગાઝા ખરીદવા માંગુ છું. જ્યાં સુધી ગાઝાના પુનર્નિર્માણનો સવાલ છે, આપણે આ જવાબદારી મધ્ય પૂર્વના કેટલાક દેશોને સોંપી શકીએ છીએ. પરંતુ અમે ગાઝાની સંપૂર્ણ માલિકી માટે પ્રતિબદ્ધ છીએ અને ખાતરી કરીશું કે હમાસ ફરી ક્યારેય અહીં પગ ન મૂકી શકે. નેશનલ ફૂટબોલ લીગ સુપર બાઉલ ચેમ્પિયનશિપમાં હાજરી આપવા માટે ન્યૂ ઓર્લિયન્સની યાત્રા દરમિયાન, ટ્રમ્પે કહ્યું કે ગાઝા યોજનાથી પાછળ હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ જગ્યા હવે ખંડેર બની ગઈ છે. આખી જગ્યા તોડીને ફરીથી બનાવવામાં આવશે
ગાઝા અંગે ટ્રમ્પની 5 મુદ્દાની યોજના?
અગાઉ, વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળ્યા બાદ પ્રેસને સંબોધતા, ટ્રમ્પે ફરી એકવાર ગાઝા પટ્ટી ખાલી કરવાની પોતાની માંગનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે પેલેસ્ટિનિયનોએ ગાઝા પટ્ટી ખાલી કરવી પડશે. તેમણે ઇજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોમાં કાયમી સ્થાયી થવું જોઈએ. હવે ગાઝા રહેવા યોગ્ય નથી. મેં સાંભળ્યું છે કે ગાઝા તેમના માટે કમનસીબ છે. તેઓ ત્યાં નરકની જેમ રહે છે. તેઓ નરકમાં જીવી રહ્યા છે. પેલેસ્ટિનિયનો ગાઝાના ભવિષ્યમાં નથી. ટ્રમ્પે કહ્યું કે તેમણે ઘણા મહિનાઓથી ગાઝાનો અભ્યાસ કર્યો છે. મેં તેનો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કર્યો છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પાસે કોઈ વિકલ્પ નથી. તેમની પાસે શું છે? ત્યાં ફક્ત કચરો છે. પેલેસ્ટિનિયનોએ ગાઝાને બદલે કોઈ સુંદર જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ. અમે ગાઝા પર નિયંત્રણ મેળવવા અને ત્યાંના બધા ખતરનાક, ન ફૂટેલા બોમ્બ અને અન્ય શસ્ત્રોનો નાશ કરવાની જવાબદારી લઈશું, તેમજ સ્થળને સમતળ કરીશું અને નાશ પામેલી ઇમારતોનો કાટમાળ દૂર કરીશું.
ગાઝા મધ્ય પૂર્વના રિવેરા બનશે
ટ્રમ્પે કહ્યું કે ગાઝામાંથી લોકોને ખાલી કરાવ્યા પછી અહીં પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી હાથ ધરવામાં આવશે. આપણે ગાઝાને મધ્ય પૂર્વના રિવેરામાં પરિવર્તિત કરીશું. ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે. આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે વાત કરી છે તેમને તે ગમ્યું છે. ગાઝા પર અમેરિકન કબજા પછી, આ વિસ્તારનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે. ગાઝા દુનિયાભરના લોકોનું ઘર બની શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમે ગાઝાને મધ્ય પૂર્વનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રિવેરા વાસ્તવમાં ઇટાલિયન શબ્દ છે, જેનો અર્થ દરિયાકિનારો થાય છે.
ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં તેમના પર્યટન માટે પ્રખ્યાત
ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં તેમના પર્યટન માટે પ્રખ્યાત છે. એ જ રીતે, ટ્રમ્પ ગાઝાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે. ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ પર હમાસના હુમલાએ ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા છે. આજે પેલેસ્ટિનિયનોએ જે કિંમત ચૂકવી છે તેના માટે હમસા જવાબદાર છે. આવી સ્થિતિમાં, ગાઝાને આતંકથી મુક્ત કરાવવું પડશે. આ માટે ગાઝા ખાલી કરાવવું જરૂરી છે. ગાઝા અંગે અમેરિકન રાષ્ટ્રપતિના 5-પોઇન્ટ બ્લુપ્રિન્ટમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન તેમને મારવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે તેમણે તેમના સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે જો ઈરાન તેમના પર હુમલો કરે તો તેનો નાશ કરે. ટ્રમ્પે ઈરાનની કમર તોડવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકન સરકારને ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ram Mandir ના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ