Gaza : હૃદયદ્રાવક દૃશ્યો, રખડતા કૂતરાઓ મૃતદેહો ખાતા જોવા મળ્યા
- ગાઝામાં કૂતરા ખાય છે મૃતદેહો, દૃશ્યો અત્યંત ભયાનક
- મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ
- અત્યાર સુધી 42 હજાર લોકોના મોત
Israel–Hamas war : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. 7 ઓક્ટોબર 2023ના દિવસે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારથી ગાઝામાં સંઘર્ષ સતત ચાલી રહ્યો છે. આ યુદ્ધ (War) ના કારણે ગાઝાના વિવિધ વિસ્તારોમાંથી હૃદયદ્રાવક દૃશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગાઝામાંથી કેટલીક ભયાનક તસવીરો સામે આવી છે જેમા ત્યાના રખડતા કૂતરાઓ ત્યજી દેવાયેલા મૃતદેહોને ખાતા જોવા મળ્યા છે.
ગાઝાની કટોકટી સેવાઓના વડાનો ખુલાસો
ગાઝાની કટોકટી સેવાઓના વડા ફારેસ અફાનાએ જણાવ્યું કે, ઉત્તર ગાઝામાં તેમનાં સાથીઓ સાથે તેઓએ અનેક મૃતદેહો શોધી કાઢ્યા છે, જેમાંથી કેટલાકના શરીર પ્રાણીઓ દ્વારા ખાવાના સ્પષ્ટ નિશાન હતા. ફારેસે કહ્યું કે, આ દૃશ્યો માનવતા માટે અત્યંત દુઃખદ છે અને મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. ફારેસ અફાનાએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર ગાઝા અને જબાલિયા વિસ્તારમાં હજુ પણ ઈઝરાયલી સેનાના હવાઈ અને જમીન પરના હુમલાઓ ચાલું છે, જેના કારણે મૃતદેહોના અગ્નિસંસ્કાર પણ કરવામાં આવી રહ્યા નથી. ઈઝરાયલે દાવો કર્યો છે કે હમાસના લડવૈયાઓ ફરી આ વિસ્તારોમાં એકઠા થઈ રહ્યા છે, જેનાથી સંઘર્ષ વધુ ગંભીર બની રહ્યો છે.
સતત ખરાબ થઇ રહી છે પરિસ્થિતિ
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં 1,206 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં 42,409 લોકો માર્યા ગયા છે જ્યારે 99,153થી વધુ લોકો ઘાયલ થયા છે. બુધવારે, ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના સૈન્ય હુમલામાં 65 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. અફાનાએ અહેવાલ આપ્યો છે કે સોમવારે ઇઝરાયેલી સૈનિકોએ પેલેસ્ટાઇન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (UNRWA) દ્વારા સંચાલિત રાહત શિબિર કેન્દ્રમાં ખોરાકની શોધમાં ભૂખ્યા લોકો પર ગોળીબાર કર્યો હતો. "સ્થિતિ વણસી રહી છે. ઉત્તર ગાઝામાં જે થઈ રહ્યું છે તે ખરેખર નરસંહાર છે."
ગાઝામાં દુકાળનો ડર
દરમિયાન, UNRWA એ બુધવારે ગાઝામાં દુષ્કાળના જોખમ અંગે ચેતવણી આપી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં UNRWA ના ચીફ ફિલિપ લાઝારિનીએ કહ્યું કે ગાઝામાં દુષ્કાળ અને કુપોષણ યથાવત્ છે, તેમણે કહ્યું કે તે એક પ્રકારનું બંજર બની ગયું છે અને તે રહેવાલાયક પણ નથી.
આ પણ વાંચો: India Canada Relations : ટ્રુડોની અસલિયત આવી સામે! નિજ્જર હત્યાકાંડમાં ભારતને પુરાવા ન આપ્યાનું કબૂલ્યું