Himmatnagar : ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતિ! હત્યામાં સંડોવાયેલા શખ્સો પરિચિત હોવાની આશંકા
હિંમતનગર (Himmatnagar) ના ખેડતસીયા રોડ પર આવેલ રામનગરમાં આવેલ વનરાજ નિવાસમાં ભર બપોરે એક નિવૃત્ત પોલીસકર્મી (Retired Policeman) અને તેમના પત્નિની નિર્મમ હત્યા (Murder) બાદ જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવીને દોડી ગયુ હતું. ત્યારબાદ પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ હત્યાના પગેરામાં કેટલાક પરિચિત હોવાનું માનીને ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણથી વધુ લોકોની શંકાને આધારે એટલે કે શકમંદ ગણીને અટકાયત કરી લીધી હતી. જોકે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર નજીક વિજય વિશ્વાસ સભામાં હાજર રહી સંબોધન કરવાના હતા તેને લઈને પોલીસ તંત્રએ આ સંદર્ભે કોઈપણ વિગત જાહેર કરવાનું મુનાસીબ માન્યુ નહીં અને કદાચ એકાદ બે દિવસમાં હત્યાનો ભેદ ઉકેલાય તેની પૂરી સંભાવના છે. દરમિયાન લૂંટ વિથ મર્ડરની ઘટના સંદર્ભે મંગળવારે મોડેથી હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે, રામનગરમાં વનરાજ નિવાસમાં રહેતા મોટાકોટડા ગામના અને નિવૃત્ત પોલીસકર્મી વિક્રમસિંહ ભાટી તથા તેમના પત્નિ મનહરકુંવરબા ઘરમાં હાજર હતા, ત્યારે આવેલા બે અજાણ્યા શખ્સોએ બરોબર 11.45 વાગે ઘરમાં પ્રવેશીને પ્રથમ વિક્રમસિંહ ભાટીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ શખ્સોએ મનહરકુંવરબા સાથે ઝપાઝપી કરતાં તેમના પગમાંથી એક ઝાંઝર તુટીને દુર પડીયુ હતી. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ કોઈપણ જાતનો ભય રાખ્યા વગર મનહરકુંવરબાને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તે પાછળનું કારણ એ છે કે વિક્રમસિંહ ભાટીનો મૃતદેહની ફરતે જે લોહી પડયુ હતું. તેના કરતાં વધુ મનહરકુંવરબાની લાશ નજીક ખાબોચીયા સ્વરૂપે ભેગુ થયુ હતું. જેથી પોલીસનું માનવુ છે કે હુમલા ખોરોએ હુમલો કર્યો ત્યારે તેણીએ ઈજાગ્રસ્ત હાલતમાં પ્રતિકાર કર્યો હોય તેમ સ્થળ નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.
તો બીજી તરફ જિલ્લા પોલીસવડા અને તેમના તાબાના વિવિધ વિભાગના વડાઓ અને પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે જઈ તપાસ કરીને ત્રણથી વધુ નજીકના પરિચિતોની અટકાયત કરી લીધી હતી. લૂંટ વિથ મર્ડરની ઘટના પાછળ ઘર ફુટે, ઘર જાય તેવી થીયરી પર પોલીસ વધુ તપાસ કરી રહી છે. લોકોમુખે ચર્ચાતી માહિતી મુજબ મૃતક વિક્રમસિંહ ભાટીની દિકરીનું મામેરૂ ઠાઠમાઠથી કરવા માંગતા હતા અને તેઓ પોતાની દિકરીને 65 તોલા સોનું અને રૂ.35 લાખ રોકડ આપવા માંગતા હતા અને તે રકમ ઘરમાં તિજોરીમાં હતી.
એવુ કહેવાય છે કે, જે પરિચિત હત્યામાં સંડોવાયેલા છે તેમાં એક મહિલાની સંડોવણી હોવાની આશંકાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એટલુ જ નહીં પણ હત્યાની ઘટના જાહેર થયા બાદ વિક્રમસિંહ ભાટીના પુત્ર વનરાજસિંહ ભાટીએ મંગળવારે મોડેથી બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવાયા મુજબ આ અજાણ્યા ઈસમો રોકડ તથા દાગીના મળી અંદાજે રૂ.77.25 લાખની મત્તાની લૂંટ કરી હત્યા કરી નાખી હતી.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો - Gondal : આશાપુરા ડેમમાં માછલીને લોટ ખવડાવતી વખતે વૃદ્ધાનો લપસ્યો પગ અને પછી…
આ પણ વાંચો - Sabarkantha : અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, 2ના મોત