Pahalgam Attack બાદ કોંગ્રેસના સાંસદે કહ્યું, 'PoK ને ભારતનો હિસ્સો બનાવવાનો સમય આવી ગયો છે'
Pahalgam Terror Attach : 22, એપ્રિલે ભારતના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી હતી. જે બાદ ભારત સરકાર અને સેનાને દેશ-દુનિયામાંથી જવાબી કાર્યવાહી કરવા માટે સમર્થન મળી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇ (CONGRESS MP GAURAV GOGOI) નું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ જણાવે છે કે, મને લાગે છે કે ભારત સરકાર માટે વાતચીતનો સમય પૂર્ણ થઇ ગયો છે. આપણે પાકિસ્તાની સેના અને પ્રશાસનને તગડો જવાબ આપવો જોઇએ, જેથી પહલગામની ઘટનાનું પુનરાવર્તન ના થાય. આજે PoK ને લઇ લેવા અને ભારતનો હિસ્સો બનાવવાનો યોગ્ય સમય છે. તમામ દળોની બેઠકમાં અમે કહ્યું હતું કે, પાકિસ્તાની પ્રશાસન વિરૂદ્ધ તમામ કાર્યવાહીમાં અમે સમર્થન કરીશું. અમે તેમ પણ કહ્યું છે કે, પહલગામમાં સુરક્ષા અને ગુપ્તચર ચુક છઇ છે. જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, તે ન્યાયની આશા રાખી રહ્યા છે.
મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ પીઓકે લેવાની વાત કહી
આ પહેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીના કાર્યાલય દ્વારા એક પ્રેસનોટ ઇશ્યુ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું કે, મુખ્તાર અબ્બાસ નક્વી આ ઘટનાની નીંદા કરે છે. ઇસ્લામને સુરક્ષા કવચ બનાવીને માણસાઇને લોહીલુહાણ કરનારા તત્વો માણસાઇ અને ઇસ્લામ બંનેના દુશ્મન છે. દેશના દુશ્મનોને સબક શીખવાડવા માટે દેશમાં સૌહાર્દ અને એકતાને મજબુત રાખવી પડશે. આઝાદીના અમૃત કાળમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને ભારતનો હિસ્સો બનાવવાનો સંસદનો સંપલ્પ પુરો કરવાનો સમય આવી ગયો છે. ભારતીય સંસદે 22 ફેબ્રુઆરી, 1994 ના રોજ સર્વસંમતિથી સંકલ્પ મંજુર કર્યો હતો કે, પીઓકે ભારતનો હિસ્સો છે. તેને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવવવાનો છે. તેની માટે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 24 સીટોને આરક્ષિત રાખવામાં આવી છે.
આ પણ વાંચો --- પાકિસ્તાન સમર્થક ટિપ્પણીઓ માટે આસામમાં 14 ધરપકડ, CM શર્માની ચેતવણી