Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાગ-1 : શક્તિપાત: ગુરુદીક્ષા થકી જગદમ્બિકાની અનુભૂતિ!

એ સમયે મારી ઉંમર ૧૨ વર્ષની હશે. મારા જીવનની એ સર્વપ્રથમ પરાલૌકિક અનુભૂતિ! ભય, આશ્ચર્ય, દિવ્યતા અને ભક્તિનો રત્નાકર મારી અંદર હિલોળા લેતો થયો, એ વાતને આજે ૧૪ વર્ષના વ્હાણાં વીતી ગયા હોવા છતાં એવું લાગે જાણે ગઈકાલની ઘટના! એ દિવસે સમજાયું કે પરાશક્તિનો પ્રભાવ કેટલો પ્રચંડ હોય! એવું ઘણું બધું છે, જે માનવમગજની સીમારેખાને પેલે પાર છે!વર્ષ ૨૦૦૮ની વાત. પપ્પાની બદલી ગોંડલ થઈ હતી અને પોતાની àª
ભાગ 1   શક્તિપાત  ગુરુદીક્ષા થકી જગદમ્બિકાની અનુભૂતિ
Advertisement
એ સમયે મારી ઉંમર ૧૨ વર્ષની હશે. મારા જીવનની એ સર્વપ્રથમ પરાલૌકિક અનુભૂતિ! ભય, આશ્ચર્ય, દિવ્યતા અને ભક્તિનો રત્નાકર મારી અંદર હિલોળા લેતો થયો, એ વાતને આજે ૧૪ વર્ષના વ્હાણાં વીતી ગયા હોવા છતાં એવું લાગે જાણે ગઈકાલની ઘટના! એ દિવસે સમજાયું કે પરાશક્તિનો પ્રભાવ કેટલો પ્રચંડ હોય! એવું ઘણું બધું છે, જે માનવમગજની સીમારેખાને પેલે પાર છે!
વર્ષ ૨૦૦૮ની વાત. પપ્પાની બદલી ગોંડલ થઈ હતી અને પોતાની ઑફિસે સાંજે છ વાગ્યે કાગળિયાં સમેટીને તેઓ રાજકોટ આવવા નીકળી રહ્યા હતાં, ત્યાં એમની કેબિનના દરવાજે અરજદારના ટકોરા સંભળાયા. પપ્પાની નજર દરવાજા પર ગઈ.
કપાળ પર તિલક, હાથમાં ભૈરવગંઠા, ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલી એ વ્યક્તિને દાયકાઓ પછી પણ પપ્પાએ ઓળખી કાઢી...
રવિ ત્રિવેદી!  
મને અધ્યાત્મનો પથ પ્રદર્શિત કરનાર સર્વપ્રથમ ગુરુ! આફ્રિકા મૂળના બ્રાહ્મણ, જેમનું બાળપણ ગોંડલમાં વીત્યું. હું એમને પ્રેમથી ‘કાકા’ કહું, પણ એમનું મારા ઉપર પિતાતુલ્ય વ્હાલ!
મારા પપ્પા યોગેશ ભટ્ટ સાથે એમની મુલાકાત યુવાનીકાળમાં ગોંડલના અખાડામાં થઈ હતી. ૬ ફૂટ ૨ ઈંચ જેટલી હાઈટ, વર્ષો સુધી અખાડામાં જઈને બનાવેલું સ્નાયુબદ્ધ શરીર. એટલા ખડતલ અને પડછંદ કે ભલભલા કસરતબાજો પણ એમનાથી થથરે! અખાડામાં તેઓ પપ્પાના સીનિયર. નાનપણથી શરૂ કરીને યુવાનીકાળ સુધી મારા પપ્પા એકદમ સુકલકડી! છેવટે રવિ કાકાએ એમને અખાડામાં તાલીમ આપવાની શરૂઆત કરી, એ પછીથી એમનું શરીર ક્રમશઃ સુદ્રઢ અને સશક્ત બનતું ગયું. કૉલેજમાં પ્રવેશ મેળવ્યા પછી એમના રસ્તા ફંટાઈ ગયા, પરંતુ નિયતિના ખેલને કોણ સમજી શક્યું છે?
કાકા લંડન જઈને વસ્યા અને પપ્પાને લેન્ડ-રેકૉર્ડ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી મળી ગઈ હોવાથી રાજકોટ આવી ગયા. સંપર્ક છૂટી ગયો. સંબંધો ઝાંખા પડ્યા, પરંતુ ભૂંસાયા નહીં. દેવીસાધનાને પ્રતાપે લંડનમાં કાકાને ખૂબ માન-સન્માન મળ્યું. એમને મળતી દક્ષિણામાંથી સૌરાષ્ટ્રમાં એમને ગૌશાળાઓ બંધાવી. વૃદ્ધો-વંચિતો-નિરાશ્રિતો અને વિકલાંગો માટે ખૂબ દાન કર્યુ.
દર વર્ષે શિયાળામાં એમનો ભારત-પ્રવાસ નિશ્ચિત હોય. વર્ષ ૨૦૦૮ના શિયાળામાં એટલે કે ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં તેઓ પોતાની જૂની પ્રૉપર્ટી અંગે થોડી જાણકારી મેળવવા ઑફિસમાં આવ્યા, ત્યારે પપ્પાને કે કાકાને ખ્યાલ નહોતો કે વર્ષોથી વિખૂટા પડેલાં બે મિત્રોનો પ્રકૃતિ ફરી મેળાપ કરાવવા જઈ રહી છે... અને એ પણ એક રહસ્યમય કારણથી!
બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા અને ભરતમિલાપનું દ્રશ્ય ખડું થયું. પપ્પા જીદ્દ કરીને એ સાંજે કાકા અને એમના પત્ની અપેક્ષા આન્ટીને રાજકોટના અમારા ઘરે લઈ આવ્યા. પપ્પાએ પહેલેથી જ ફોનમાં એ અંગે ફોનમાં જાણ કરીને મમ્મીને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવા કહી રાખેલું.
જેવો એમણે ઘરના ઉંબરામાં પગ મૂક્યો કે તરત તરૂણાવસ્થામાં પ્રવેશ કરવા થનગની રહેલો હું, દોડીને એમને આવકારવા માટે બહાર આવ્યો. અમારી નજરો મળી અને થોડી ક્ષણો માટે આસપાસનું ભાવવિશ્વ ઓઝલ થઈ ગયું. એમની આભા સામે હું નતમસ્તક થઈ ગયો. પૂર્વાપરનો કોઈ અજ્ઞાત ઋણાનુબંધ ત્રાટક થકી મને એમની તરફ ખેંચી રહ્યો હતો. પહેલેથી જ એકમેકને ઓળખતાં હોય એવો આભાસ થયો. બંને હાથોથી એમના જમણા ચરણનો સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં.
‘આખરે આપણે મળ્યા!’ જે આત્મિક જોડાણ હું એમની સાથે અનુભવી રહ્યો હતો, એને એમણે વાચા આપતાં કહ્યું. નિખાલસપણે સ્વીકારું છું કે એમના આ શબ્દોએ મને હચમચાવી મૂક્યો હતો!
રાજકોટની ‘હૉટેલ કાવેરી’માં તેઓ રોકાયા હતાં. સમય પસાર થતો ગયો. દરરોજ સવારે તેઓ દાનધર્માદો કરવા નીકળી પડે. ક્યારેક કાળીપાટ ગૌશાળા તો ક્યારેક કોઈ વૃદ્ધાશ્રમ! બપોર પડ્યે તેઓ અમારા ઘરે આવીને હળવું ભોજન લે. ત્યારબાદ, તેઓ જેવા સોફા પર આવીને બેસે કે તરત હું એમના એક હાથ નીચે તકિયો અને બીજા હાથ નીચે પાતળી ગાદી અથવા નેપકિનની વ્યવસ્થા કરીને જમીન પર ગોઠવાઈ જઉં. એમના હાથમાં મુખવાસરૂપે વરિયાળી આપું એ પછી અમારો સત્સંગ શરૂ થાય.
આખી બપોર અને છેક સમી સાંજે ઘરમાં દીવાબત્તી થાય, ત્યાં સુધી તેઓ મને જગતજનની પરામ્બિકાના જુદા જુદા સ્વરૂપોનું જ્ઞાન આપે. એમની સાધનાઓ, એમની અનુભૂતિઓ અને સાક્ષાત્કારો અંગે વાર્તાલાપ થાય. શ્રીવિદ્યા, દસ મહાવિદ્યાઓ, ચોસઠ યોગિનીઓ, નવ દુર્ગાઓ અંગે હું મુગ્ધભાવે સાંભળ્યા રાખું. સાથોસાથ, કલાકો સુધી હું એમના પગ દબાવી આપું. ઘણી વખત તો વાત કરતા કરતા એમને ઝોકું આવી જાય, તો પણ મારા હાથ અટકે નહીં. સમી સાંજે તેઓ ઉઠે, ત્યારે પણ સેવાભક્તિ ચાલુ જ હોય. એમનું શરીર ભારે હોવાથી પગ બહુ કવે, અતિશય દર્દ કરે એટલે જેટલા કલાકો હું એમના પગ દબાવતો હોઉં એટલા કલાકો એમના હોઠ પરથી મારા માટે સતત આશીર્વાદની વર્ષા થયા રાખે.
એક દિવસ બપોરે રોજ કરતા તેઓ થોડા મોડા આવ્યા. એમના હાથમાં એક પુસ્તક હતું, જેને અમારા ઘરના મંદિરમાં મૂકીને એમણે દીવો અને અગરબત્તી પ્રગટાવ્યા. મને નજીક બેસવાનું કહીને એમણે અત્યંત ભાવવાહી સ્વરે ‘લલિતાસહસ્રનામ’ (શ્રીવિદ્યા સાધનાની પ્રમુખ દેવી લલિતા ત્રિપુરસુંદરીના એક હજાર નામોની માળા)નું ગાયન શરૂ કર્યુ. એમના મુખમાંથી સ્ફૂરી રહેલાં પ્રત્યેક શ્લોકો મારા હ્રદયમાં ઝણઝણાટી પેદા કરી રહ્યા હતાં. હું અવાચક થઈ ગયો, કારણકે આવી અનુભૂતિ મને પહેલાં ક્યારેય નહોતી થઈ. એ શબ્દસાધનામાં હું પણ લીન થઈ ગયો.
કેટલો સમય વીત્યો હશે, એ યાદ નથી. અચાનક એમણે મારા કપાળ ઉપર હાથ મૂક્યો અને મારા આખા શરીરમાં વીજકંપન આવ્યું. રોમેરોમ પુલકિત થઈ ઉઠ્યું. બંધ આંખની સામે દિવ્ય પ્રકાશપુંજ છવાઈ ગયો અને મારી આંખોમાંથી અનાયાસે અશ્રુધારા વહેવા લાગી. મારા ચિત્તનો મળ ધોવાઈ રહ્યો હોય એવી અનુભૂતિ હતી એ! હું હળવો થવા માંડ્યો... આત્મા પરનો બોજ દૂર થઈ રહ્યો હોય એમ હું રિક્ત થતો ગયો.
થોડી વાર એ જ અવસ્થામાં રહ્યા પછી મેં આંખો ઉઘાડી, કાકા સામે જોયું. એમની અર્થસભર આંખોમાં દિવ્યતા અને ચહેરા પર માર્મિક સ્મિત હતું. બાર વર્ષની એ ઉંમરે કશી જ ગતાગમ ન પડતી હોવા છતાં આ અનુભૂતિએ મારું અસ્તિત્વ બદલી નાંખ્યું. મેં એમના ચરણસ્પર્શ કર્યા. મારા મસ્તક પર હાથ મૂકીને એમણે મંદિરમાં અર્પણ કરેલું પુસ્તક મારી હથેળીમાં મૂક્યું.
પુસ્તકનું નામ હતું: શ્રી સપ્તશતી ચંડીપાઠ.
સિદ્ધકુંજિકા સ્તોત્ર સહિત અન્ય નિત્યપાઠના જરૂરી સૂચનો કર્યા બાદ એમણે શ્રીચક્રરહસ્ય અંગે એમણે વિસ્તારપૂર્વક જ્ઞાન આપ્યું. સંહારક્રમ પૂજા કેવી રીતે કરવી અને શ્રીવિદ્યાના પ્રથમાવરણ ‘ત્રૈલોક્યમોહન ચક્ર’ની સાધનાનો આરંભ કેવી રીતે કરવો, એ અંગે સંપૂર્ણ વિધિ-વિધાનની સમજૂતી આપવામાં આવી. શુદ્ધિકરણ, ન્યાસ, વિનિયોગ, મૂળ પાઠમાં આવનારા તમામ સંસ્કૃત મંત્રોનું એમણે શુદ્ધ ઉચ્ચારણ કરી બતાવ્યું, જેથી હું પણ ભવિષ્યમાં ત્રુટિરહિત જાપ કરી શકું.
ખબર નહીં કેમ, પણ દુર્ગા સપ્તશતીના મંત્રો, સ્તુતિઓ, પાઠ અને નામમાળાઓનું કાકા દ્વારા મુખપઠન થઈ રહ્યું હતું એ વેળા મને કશું અજાણ્યું ન લાગ્યું. એ તમામ શ્લોકોના પરિચયમાં હું પહેલાં પણ અસંખ્ય વખત આવી ચૂક્યો હોય, એટલો પોતીકો અનુભવ હતો. ચંડીપાઠ પૂર્ણ થયા બાદ મેં એમના આશીર્વાદ લીધાં.  
દિવસો વીતતાં ગયા અને એમનો લંડન જવાનો સમય થઈ ગયો.
ઘરે બધાંને મળ્યા બાદ, છેલ્લે મારો વારો આવ્યો. એમને ભેટીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કાકાની આંખો પણ ભીની થઈ ગઈ.
જતી વેળા મારા મસ્તક ઉપર હાથ મૂકીને એમણે રહસ્યમય રીતે ફક્ત એટલું જ કહ્યું કે, ‘જેના માટે હું આવ્યો હતો, એ કાર્ય અહીં પૂર્ણ થયું. હવે તારે જાતે આ માર્ગ પર આગળ વધવાનું છે! જગદીશ્વરી મહાત્રિપુરસુંદરી હંમેશાં રક્ષાકવચ બનીને તારી આસપાસ વિદ્યમાન રહેશે! જગદંબા અર્પણમસ્તુ.’
... અને, હું બે હાથ જોડી એમના આશીર્વચનમાં તરબોળ થતો રહ્યો.
એમની કાર જ્યાં સુધી નજર સામેથી ઓઝલ ન થઈ, ત્યાં સુધી હું પાંપણ ફરકાવ્યા વગર તાકી રહ્યો. એમની આ વાણીનો મર્મ સમજી શકું, એટલો સમજદાર હું નહોતો... પણ છતાં, જીવ કચવાઈ રહ્યો હતો. અંતરાત્મામાં વિહ્વળતા વ્યાપી ચૂકી હતી.
લંડન પહોંચ્યાના થોડા જ સમયમાં સમાચાર આવ્યા કે એમનો સ્વર્ગવાસ થયો છે!
હું એમને ફરી ક્યારેય મળી શક્યો નહીં. આજે ૧૪ વર્ષ બાદ પાછળ ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે શક્તિપાત થકી એમણે મને શાક્તપંથમાં દીક્ષા આપી હતી, જેને હું વીસ-બાવીસ વર્ષનો થયો ત્યાં સુધી સમજી નહોતો શક્યો. એમના ગયા પછી મારી સાધના અવિરતપણે ચાલતી રહી, કારણકે એ જ મારા તરફથી એમને ગુરુદક્ષિણા હતી! તાજેતરમાં શ્રીવિદ્યાના ઉપાસક ઓમ સ્વામીએ ‘સાધના’ એપ્લિકેશન થકી ભારતને હજારો વર્ષ પુરાણી સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો મહાયજ્ઞ આરંભ્યો, એ સમયે મહામાયા ચંડિકાના અનુભવો આપ સૌ વાચકમિત્રો સમક્ષ વહેંચવાનું બળ મળ્યું.
રવિ કાકાનું મારા સુધી પહોંચવું, પૂર્વભવોના અમારા સંબંધને પારખી જવું, અનાયાસે સ્થપાયેલો ગુરુ-શિષ્યનો સંબંધ, શાક્તપંથમાં મંત્રદીક્ષા, મારા એમની સાથેના અનુભવો ઘણા લોકોના માન્યામાં નહીં આવે. તમારા સ્થાને હું હોઉં, તો કદાચ હું પણ આવી પરાલૌકિક અનુભૂતિઓને ફક્ત કલ્પના માનીને અવગણી નાંખુ... પણ આ મારા જીવનનું સત્ય છે, જે મેં સંપૂર્ણ સભાનાવસ્થામાં અનુભવ્યું છે. તંત્રવિજ્ઞાનમાં ઊંડા ઊતર્યા બાદ સમજાયું કે જીવસૃષ્ટિના પ્રત્યેક જીવો માટે સત્ય અલગ-અલગ હોય છે! એટલે, સત્યની ઉલટતપાસ કરવાને બદલે તેના પરમ સ્વીકારમાં મને વધુ સુખ દેખાય છે.   
દોઢ દાયકા પછી આજે પણ રવિ કાકાની એ નિર્મળ આંખો અને કરૂણાસભર વ્યક્તિત્વ મારા ચિત્તમાં અકબંધ છે... એમના એ આખરી શબ્દો મારા કાનમાં પડઘાયા રાખે છે:    
‘જેના માટે હું આવ્યો હતો, એ કાર્ય અહીં પૂર્ણ થયું. હવે તારે જાતે આ માર્ગ પર આગળ વધવાનું છે! જગદીશ્વરી મહાત્રિપુરસુંદરી હંમેશાં રક્ષાકવચ બનીને તારી આસપાસ વિદ્યમાન રહેશે! જગદંબા અર્પણમસ્તુ.’
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
Tags :
Advertisement

Trending News

.

×