એવા પણ કલેક્ટર હતા જેણે ઉદ્ઘાટન કરતાં પહેલા દબાણ તોડાવ્યું હતું...
TRP GameZone : રાજકોટ અગ્નિકાંડમાં ખુલાસો થયો હતો કે ટીઆરપી ગેમઝોન(TRP GameZone) ને કોઇ જ મંજૂરી આપવામાં આવી ન હતી. મંજૂરી મુદ્દે બેદરકારી દાખવનારા 7 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે. અગ્નિકાંડમાં તંત્રની બેદરકારી સ્પષ્ટપણે બહાર આવી છે ત્યારે રાજકોટ આજે એવા અધિકારી અને એક નેતાને યાદ કરે છે જેમણે મંજૂરી વગરની હોટલ અને કારખાનાનું ઉદ્ઘાટન કરવાનું ઠુંકરાવી દીધું હતું.
તપાસ કરાવી કે જે હોટલનું આમંત્રણ તેમને અપાયું છે તે નિયમોનુસાર છે કે કેમ
આઇએએસ અધિકારી એસ.જગદીશન પોતાની કાર્યનિષ્ઠા અને પ્રમાણિક્તા માટે વિખ્યાત હતા. જગદીશન માટે એવું કહેવાય છે કે તેઓ જ્યારે રાજકોટના કલેક્ટર હતા ત્યારે એક દિવસ તેમને એક વ્યક્તિ મળવા આવ્યો . આ વ્યક્તિએ જગદીશનને હોટલનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું. જો કે કલેક્ટર તરીકે જગદીશનની કાર્યપદ્ધતી અલગ જ હતી. તેમણે તપાસ કરાવી કે જે હોટલનું આમંત્રણ તેમને અપાયું છે તે નિયમોનુસાર છે કે કેમ... તેમની તપાસમાં બહાર આવ્યું કે એ હોટેલમાં ગેરકાયદેસરનું દબાણ કરાયેલું હતું.
હોટેલમાં દબાણ કરાયું હોવાનું ધ્યાનમાં આવતાં કલેક્ટર જગદીશન ચોંકી ઉઠ્યા
હોટેલમાં દબાણ કરાયું હોવાનું ધ્યાનમાં આવતાં કલેક્ટર જગદીશન ચોંકી ઉઠ્યા હતા અને તેમણે હોટેલનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ ઠુંકરાવી દીધું હતું. ત્યારબાદ તેમણે મામલતદારને તે હોટેલમાં મોકલ્યા હતા અને હોટેલ સંચાલક સામે નોટિસ ઇસ્યુ કરી હતી. જગદીશન ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરપદે પણ હતા.
કેશુભાઇને કારખાનાનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળ્યું
આવો જ એક બીજો કિસ્સો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ વિશે પણ છે જેને રાજકોટ શહેરના લોકો આજે પણ યાદ કરે છે. તેઓ પણ હંમેશા તેમની તટસ્થતા અને કાર્યનિષ્ઠા માટે જાણીતા હતા. કેશુભાઇ પટેલ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને એક કારખાનાનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળ્યું હતું.
કેશુભાઇએ પોતાના સ્ટાફને સૂચના આપી
વેરાવળ શાપરમાં એક કારખાનાનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળ્યા બાદ કેશુભાઇએ પોતાના સ્ટાફને સૂચના આપી કે જરા તપાસ કરો કે આ કારખાનું નિયમોનુસાર છે કે કેમ...મુખ્યમંત્રીની સૂચનાથી CMO ના સ્ટાફે તપાસ કરી કે કારખાનું લાયસન્સ ધરાવે છે કે કેમ...
કારખાનાના સંચાલક પાસે એક લાયસન્સ ન હતું
જો કે તપાસમાં બહાર આવ્યું કે કારખાનાના સંચાલક પાસે એક લાયસન્સ ન હતું. જેથી કેશુભાઇએ તેને પહેલા લાયસન્સ લઇ લેવા જણાવ્યું હતું અને લાયસન્સની કાર્યવાહી તંત્રએ પૂર્ણ કરી ત્યારબાદ જ તેઓ કારખાનાનું ઉદ્ઘાટન કરવા રાજકોટ ગયા હતા.
આજે તો અધિકારીઓ ગેમઝોનમાં મજા કરે છે
રાજકોટ અગ્નિકાંડ બાદ તો ચોંકાવનારી એક તસવીર વાયરલ થઇ હતી જેમાં મ્યુનિ.કમિશનર , કલેક્ટર, ડીસીપી સહિતના અધિકારીઓ જે સ્થળે આગ લાગી હતી તે ટીઆરપી ગેમઝોનમાં મજા માણવા ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આવા અધિકારીઓનો રાફડો ફાટેલો છે ત્યારે જગદીશન જેવા અધિકારીઓ અને કેશુભાઇ જેવા મુખ્યમંત્રી મળવા મુશ્કેલ છે.
રાજકોટના લોકો બદલી રોકવા રસ્તા પર ઉતરી આવ્યા હતા
1985માં આઇએએસ જગદીશનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નીમવામાં આવ્યા હતા. 18 મહિનાની ફરજમાં તેઓએ કરી બતાવ્યું હતું કે, મ્યનિસિપલ કમિશનરે કામ શું કરવાનું હોય. 18 મહિનાની ફરજ બાદ બદલી થવાની હતી ત્યારે રાજકોટના લોકો બદલી રોકવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તે સમયે લોકોની માલ મિલકતનું કરોડોનું નુકસાન થયું હતું.
18 મહિનામાં જગદીશને બધાને દેખાડી દીધું કે ખરેખર મ્યુનિસિપલ કમિશનરની કામગીરી ખરા અર્થમાં શું હોય છે
1980ની ગુજરાતની કેડરના આઈ.એ.એસ. અધિકારી સત્યનારાયણ જગદીશનને 1985માં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નીમવામાં આવ્યા હતી. તેમનો કાર્યકાળ 18 મહિનાનો રહ્યો પરંતુ આ 18 મહિનામાં જગદીશને બધાને દેખાડી દીધું કે ખરેખર મ્યુનિસિપલ કમિશનરની કામગીરી ખરા અર્થમાં શું હોય છે. તેમણે સૌ પ્રથમ આવતા જ શહેરમાં દબાણ હટાઓ ઝુંબેશ ચાલુ કરી શહેરના ટ્રાફિક સમા રોડ એવા જ્યુબેલી ચોક, ઢેબર રોડ જેવા અલગ અલગ રસ્તાઓ પરથી ગેર કાયદેસર દબાણો હટાવ્યા. ત્યારબાદ જમીન માફિયાઓને બાનમાં લઇ ગેરકાયદેસર બિલ્ડિંગો બનતી અટકાવી. શહેરના રોડ રસ્તા પહોળા કરાવ્યા અને એક પ્રકારે ટ્રાફિક માટે પણ ખૂબ સરસ કામગીરી કરી . સૌથી મોટો પ્રશ્ન પાણીનો રાજકોટ શહેરમાં રહ્યો છે તેમણે પાણી વિતરણની વ્યવસ્થામાં વધારો કર્યો અને લોકોને ઘર સુધી પાણી મળી રહે તેવું આયોજન કર્યું. તેમણે જ્યાં જ્યાં નોકરી કરી ત્યાંથી તેમણે ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરી દીધું. કોઇની શરમ રાખ્યા વગરની આ કામગીરીને રાજકોટની જનતાએ વધાવી અને સત્યનારાયણ જગદીશને લોકોનું દિલ જીતી લીધું.
બદલીના ઓર્ડરથી સમગ્ર રાજકોટની જનતામાં રોષ ફેલાયો
પરંતુ એક સાચા અધિકારીને રાજકીય પક્ષ દબાવે છે અને તેમણે બદલીનો રસ્તો દેખાડી દે છે. આવું જ કંઇક IAS જગદીશન સાથે બન્યું . સારી કામગીરી કરનાર વ્યક્તિ વધુ સમય ક્યાંય ટકી શકતો નથી તેમને પણ 1987ના ઓક્ટોબર મહિનામાં બદલીનો ઓર્ડર આવ્યો . આ બદલીના ઓર્ડરથી સમગ્ર રાજકોટની જનતામાં રોષ ફેલાયો હતો. બદલીના ઓર્ડરની વાયુ વેગે શહેરમાં વાત ફેલાતા સિટીઝન એક્શન કમિટીના નેજા હેઠળ આ બદલી અટકાવવા ચળવળ શરૂ થઈ. 6 ઓક્ટોબર 1987ના રોજ લોકોના મોટી સંખ્યામાં ટોળા શહેરના જગદીશનના બંગલાની બહાર એકઠા થવા લાગ્યા ત્યારે બંગલેથી તત્કાલિન કલેક્ટર રાજીવ ટકરુને ચાર્જ સોંપવા જતાં હતા ત્યારે બંગલામાંથી કાર બહાર કાઢતા જ યુવાનો તેમની કાર નીચે સૂઇ ગયા હતા. માહોલ વધુમાં વધુ બગડ્યો અને લોકોના વધુમાં વધુ ટોળાઓ એકઠા થવા લાગ્યા હતા. ત્યારે તત્કાલિન કલેક્ટરે મધ્યસ્થી કરી લોકોને સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ લોકો ન માનતા વાતાવરણ તંગ બન્યું હતું.
તત્કાલિન મહામંત્રી ડો. શાંતાબેન ચાવડાના ઘર પર પણ ટોળાએ પથ્થર મારો કર્યો હતો
આ બદલીને લઈને લોકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો. લોકોના ટોળાં એટલા હિંસક બન્યા કે લોકોએ બેન્ક અને પોસ્ટઓફિસમાં આગ ચાંપી દીધી હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી, વીજળી વ્યવસ્થાના વાયરો તોડી નાખવામાં આવ્યા જેને લઇને બે દિવસ સુધી સમગ્ર શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, એસ.ટી. બસ વ્યવહાર ઠપ્પ રહ્યો હતો. લોકોનો રોષ આટલા સુધી જ સમાપ્ત થવાનો ન હતો જે રાજકીય લેવલે જગદીશનની બદલી કરવામાં આવી તે નેતાઓ પણ લોકોના રોષમાંથી બાકાત રહ્યા ન હતા. GPCC (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી)ના તત્કાલિન મહામંત્રી ડો. શાંતાબેન ચાવડાના ઘર પર પણ ટોળાએ પથ્થર મારો કર્યો હતો તો તે તત્કાલિન સરકારના કેબિનેટ મંત્રી મનોહરસિંહજી જાડેજાના પેલેસ પર પણ પથ્થરમારો કર્યો હતો.
શહેરને જલ્દી છોડવા જગદીશનને ચીમકી આપવામાં આવી
તે વખતના રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર આર.એન.ભટ્ટાચાર્ય રજા પર હતા. દરમિયાન શહેરની પરિસ્થિતી વધુ વકરતા કર્ફ્યું લાદી દેવામાં આવ્યું હતું. તત્કાલિન DIG પી.કે.દત્તા દ્વારા ટોળાં પર રાયોટિંગના ગુનાઓ નોંધવાનું ચાલુ કર્યું. પરિસ્થિતી એટલી ખરાબ થઇ ચૂકી હતી કે SRPFની આઠ ટીમ રાજકોટમાં ઉતારવામાં આવી. આ રાયોટિંગમાં એક પોલીસ કોન્સ્ટેબલને પોતાની આંખ ગુમાવી પડી હતી. આંખ ગુમાવ્યા છતાં પણ તે કોન્સ્ટેબલે જણાવ્યુ હતું કે આપણાં દેશમાં પ્રમાણિકતાથી કામ કરતાં અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી છે તેમાથી જગદીશન એક છે અને તેમની સાથે અન્યાય થયો છે. એટલુ જ નહીં તે સમયે તત્કાલિન DIG પી.કે.દત્તા દ્વારા શહેરને જલ્દી છોડવા જગદીશનને ચીમકી આપવામાં આવી અને તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. અંતે મ્યુનિસિપલ કમિશનર સત્યનારાયણ જગદીશન રાજકોટ છોડી અમદાવાદ જવા નિકળી ગયા હતા.
આ પણ વાંચો---- Rajkot અગ્નિકાંડને લઈ બેઠકોનો ધમધમાટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ