લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં કોંગ્રેસને આજે મોટો ઝટકો લાગ્યો છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. આજે સવારથી જ તેમના રાજીનામાં આપવાની અટકળો શરૂ થઇ ગઇ હતી. જોકે, હવે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની વધી મુશ્કેલીઓ
એક સાંધો ત્યાં તેર તૂટે કઇંક આવી જ પરિસ્થિતિ હાલમાં કોંગ્રેસ પાર્ટીની હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે ગાંધીનગર ખાતે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધુ છે. તેમણે આજે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કોંગ્રેસ માટે આ એક મોટા ફટકા બરોબર છે. કારણ કે 1990 બાદ ખંભાત બેઠક પરથી કોંગ્રેસ જીત મેળવવામાં સફળ થઇ હતી. કોંગ્રેસ થોડા દિવસો પહેલા જ ત્રણ રાજ્યોમાં હાર થયા બાદ મનોમંથન કરી રહી છે ત્યા તેના નેતાઓ એક પછી એક પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આજે તેમા વધુ એક નામ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું નોંધાઇ ગયું છે.
ચિરાગ પટેલે રાજીનામું આપ્યા પહેલા શું કહ્યું હતું?
આજે સવારથી જ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઇ હતી. તેમણે ગુજરાત ફર્સ્ટને પણ આ અંગે જણાવ્યું કે, આવું કઇ નથી. રૂટિન મંગળવારનો દિવસ છે અને આજના દિવસે પોતાના વિસ્તારોના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે તો માત્ર તેના માટે જ હું આજે અહીં આવ્યો છું. વળી તેમણે તે પણ કહ્યું હતું કે, રાજીનામાંની ચર્ચાઓ મીડિયાની ઉપજ છે. જોકે, તેઓ કોંગ્રેસમાં જ છે તેવું પણ કહેવાનું ટાળતા જોવા મળ્યા હતા.
કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામુ #Khambhat #Congress #LoksabhaElection2024 #ChiragPatel #MLA #BreakingNews #gujaratfirst @INCGujarat @shaktisinhgohil @AmitChavdaINC pic.twitter.com/pRcMipCDJE
— Gujarat First (@GujaratFirst) December 19, 2023
પાર્ટી છોડ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસની ખોલી પોલ
કોંગ્રેસ પાર્ટીને છોડ્યા બાદ ચિરાગ પટેલે કેન્દ્રના નેતૃત્વ પર બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ માત્ર રૂપિયા ભેગા કર્યા છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સારા કામનો વિરોધ કરે છે. પટેલે આગળ કહ્યું કે, કોંગ્રેસના એક સંસદના ઘરમાંથી 350 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય આજ સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિર મામલે પણ કોઇ નિવેદન આપ્યું નથી. ચિરાગ પટેલે આગળ કહ્યું કે, હજુ ઘણા બધા ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. ફરી ચૂંટણી લડવાની વાત કરતા તેમણે કહ્યું કે, જો મને મારા મત વિસ્તારના લોકો કહેશો તો હું ફરી ચૂંટણી લડીશ અને ભાજપમાં જોડાઈશ.
ચિરાગ પટેલ મૂળ ભાજપ તથા RSS ની વિચારધારા સાથે જોડાયેલા છે
જણાવી દઇએ કે, રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ પૂર્વ MLA શિરીષ સુક્લાના અંગત કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. બાદમાં MLA સંજય પટેલ ધારાસભ્ય બન્યા અને કોન્ટ્રાક્ટ કામ બંધ થઇ ગયા. તે પછી 2020 માં કોંગ્રેસ પાર્ટી સાથે તેઓ જોડાયા અને રાજસ્થાનમાં તેમણે મોટા કોન્ટ્રાક્ટ મેળવ્યા. સુત્રોની માનીએ તો પડોશી રાજ્યમાં સરકાર ગબડતા નેતાજીની દાનત બદલાઈ હોવાની ચર્ચા થઇ રહી છે. ચિરાગ પટેલના રાજીનામાની અટકળોથી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. જણાવી દઇએ કે, મૂળ ભાજપ તથા RSS ની વિચારધારા સાથે જોડાયેલા ચિરાગ પટેલ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. પહેલા ચિરાગ પટેલ BJP માં જોડાયેલા હતા પરંતુ ભાજપના ધારાસભ્ય સાથે મતભેદ થતાં તેઓ આશરે બે વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. પહેલેથી જ RSS અને ભાજપની વિચારધારાથી કામ કરતા ચિરાગ પટેલ હવે ફરીથી ભાજપમાં જોડાઈ શકે તેવી પણ ચર્ચા થવા લાગી છે. મહત્વનું છે કે ખંભાત વિધાનસભા બેઠક એ ભાજપનો ગઢ હતી. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં આ વખતે કોંગ્રેસ જીત્યું હતું.
ભાજપના ગઢમાં કોંગ્રેસે મેળવી હતી જીત
જણાવી દઇએ કે, ચિરાગ પટેલ પ્રથમ વખત ખંભાત બેઠક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આમ આદમી પાર્ટીના અરૂણ ગોહિલને હરાવ્યા હતા. ચિરાગ પટેલે આ બેઠક પર 3711 મતોથી જીત નોંધાઈ હતી. સૌથી મોટી વાત એ છે કે, ખંભાત ભાજપનું ગઢ રહ્યું છે જ્યા વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસને જીત મળી હતી.
આ પણ વાંચો - રમતગમતમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ કરાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ