Surat : સ્ટંટબાજ યુવક પર પોલીસની કડક કાર્યવાહી, કાયદાનું ભાન કરાવી માફી મંગાવી
- સુરતમાં પોલીસે સ્ટંટબાજ યુવકને કરાવ્યું કાયદાનું ભાન
- પોલીસે સ્ટંટ કરનાર યુવકની કરી ધરપકડ
- ધરપકડ કરીને પોલીસે યુવકને કરાવ્યું કાયદાનું ભાન!
- પોલીસે યુવક પાસે જાહેરમાં મગાવી માફી
- કારમાં સ્ટંટ કરતા વધુ એક યુવકનો વીડિયો થયો હતો વાયરલ
- મોટા વરાછા રોડ પર યુવક ચાલુ કારે કરી રહ્યો હતો સ્ટંટ
- ચાલુ કારે દરવાજો ખોલી બહાર નીકળી કર્યો સ્ટંટ
Surat : સુરત શહેરમાં જાહેર રસ્તા પર સ્ટંટ કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં એક એવી જ ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મોટા વરાછા રોડ પર એક યુવકે ચાલુ કારનો દરવાજો ખોલીને બહાર નીકળીને સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકની ધરપકડ કરી અને તેને કાયદાની ગંભીરતાનો અહેસાસ કરાવ્યો હતો.
મોટા વરાછા રોડ પર સ્ટંટનો વીડિયો વાયરલ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક યુવકે જાહેર રસ્તા પર ચાલતી કારમાંથી સ્ટંટ કરવાની હિંમત બતાવી. વીડિયોમાં જોવા મળે છે કે યુવકે ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળીને ખતરનાક રીતે સ્ટંટ કર્યો, જેનાથી રસ્તા પર અવરજવર કરતા લોકો માટે જોખમ ઊભું થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતાં લોકોમાં આક્રોશ ફેલાયો અને પોલીસનું ધ્યાન આ તરફ ખેંચાયું.
પોલીસે ઝડપી કાર્યવાહી કરી ધરપકડ કરી
આ વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત શહેરની પોલીસે તાત્કાલિક પગલાં લીધાં. પોલીસે વીડિયોના આધારે યુવકની ઓળખ કરી અને તેને ઝડપી પાડ્યો. ધરપકડ બાદ પોલીસે યુવકને કાયદાની જોગવાઈઓ અને જાહેર સલામતીનું મહત્ત્વ સમજાવ્યું. જણાવી દઇએ કે, આવા સ્ટંટથી માત્ર સ્ટંટ કરનારનું જ નહીં, પરંતુ અન્ય લોકોનું જીવન પણ જોખમમાં મૂકાય છે.
જાહેરમાં માફી મંગાવી
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને યુવક પાસે જાહેરમાં માફી મંગાવી. આ પગલાને લઈને પોલીસે એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે જાહેર રસ્તાઓ પર આવા ખતરનાક સ્ટંટ કરવાની છૂટ કોઈને નથી. યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવું નહીં કરવાની ખાતરી આપી. આ કાર્યવાહીથી અન્ય યુવાનોને પણ ચેતવણી મળી છે.
આ પણ વાંચો : Surat : ફાગોત્સવના નામે અશ્લીલતા! એકથી વધુ વીડિયો થયા વાયરલ