કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ CM Bhupendra Patel ની હાજરીમાં 3 નવા ફોજદારી કાયદાનાં અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
- ગુજરાત સરકારે 30 એપ્રિલ, 2025 સુધીમાં તમામ કમિશનરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી
- કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ (Amit Shah)
- 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92% થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરીને ગુજરાતે પ્રશંસનીય કાર્ય કર્યું છે
- દરેક કોર્ટ માટે જેલોમાં વીડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ
- ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ
- ગુજરાત સરકારે ઝીરો FIR ને 100% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું
- ગુજરાત હાઈકોર્ટે તમામ ગૌણ અદાલતોને ઈ-પ્રક્રિયાઓ જારી કરવા માટે નિર્દેશો આપીને સારી પહેલ કરી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓનાં અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી (Harsh Sanghavi), કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ગુજરાતનાં પોલીસ મહાનિર્દેશક, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો (NCRB) ના મહાનિર્દેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનાં અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ (Amit Shah) જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા ત્રણ વર્ષમાં FIR થી સુપ્રીમ કોર્ટ સુધીનાં કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમાં છે. નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરતા અમિત શાહે રાજ્ય સરકારને 30 એપ્રિલ, 2025 સુધીમાં તમામ કમિશનરેટમાં નવા કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા માસિક, રાજ્યનાં ગૃહ મંત્રી દ્વારા પખવાડિયામાં અને મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિર્દેશકનાં સ્તરે સાપ્તાહિક સમીક્ષા થવી જોઈએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતે 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે, બાકીનાં કેસોમાં કોર્ટ પાસેથી પરવાનગી લેવાની જોગવાઈનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કાયદાની સમીક્ષા કરવી જોઈએ. ગૃહ મંત્રીએ કહ્યું કે, ગુજરાતે ઝીરો એફઆઈઆરને 100% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે એવી સિસ્ટમ બનાવવી જોઈએ, જેમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે FIR ટ્રાન્સફર કરી શકાય. ગુજરાતે CCTNS 2.0 અપનાવવું જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ CM Bhupendra Patel ની હાજરીમાં 3 નવા ફોજદારી કાયદાનાં અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી@AmitShah @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh #Gujarat #CriminalLaw #ZeroFIR #ForensicCrime #LegalReforms #Justice #gujaratfirst pic.twitter.com/2lGi2wa9ie
— Gujarat First (@GujaratFirst) January 30, 2025
નવા કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક પુરાવાની જોગવાઈ અંગે ગૃહ મંત્રીએ કહ્યું કે, તેના યોગ્ય અમલીકરણ માટે, રાજ્યનાં ગૃહ અને આરોગ્ય વિભાગે એક બેઠક યોજવી જોઈએ અને હોસ્પિટલોમાંથી પોસ્ટમોર્ટમ અને અન્ય તબીબી અહેવાલો ઇલેક્ટ્રોનિક રીતે પ્રાપ્ત કરવા પર ભાર મૂકવો જોઈએ. અમિત શાહે કહ્યું કે જેલ, સરકારી હોસ્પિટલો, બેંકો, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) વગેરે જેવા પરિસરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરાવા રેકોર્ડ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેમણે કહ્યું કે, જેલોમાં દરેક કોર્ટ માટે વીડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, પોલીસે ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂછપરછ માટે અટકાયતમાં લેવાયેલા લોકો વિશેની માહિતી, જપ્તી યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસોની માહિતી પ્રદાન કરવી જોઈએ. તેમણે રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકને આ કેસોનું સતત નિરીક્ષણ કરવાનો નિર્દેશ પણ આપ્યો. અમિત શાહે (Amit Shah) પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધોરણો કરતાં 30 mbps વધુ વધારવા જણાવ્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડવો જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે સંગઠિત અપરાધ, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય. આ માટે ઉચ્ચ સ્તરે પરવાનગી માટે કડક જોગવાઈઓ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતામાં ગેરહાજરીમાં ટ્રાયલની જોગવાઈ કરવામાં આવી છે, જેના હેઠળ ભાગેડું ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર આરોપી ભાગેડુંઓ સામે ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ થવી જોઈએ.
ગૃહ મંત્રીએ દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી બધી 12 કીટ ભારતમાં જ બનાવવામાં આવે તે માટે પ્રયાસો કરવા જોઈએ. અમિત શાહે (Amit Shah) કહ્યું કે ગુજરાત દ્વારા ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, પેન્ડિંગ ફોરેન્સિક કેસોનો ઉકેલ ઝુંબેશ ચલાવીને લાવવા જોઈએ. ફોરેન્સિક નિષ્ણાતોની ભરતી પર ભાર મૂકતા, તેમણે ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) 22 જાન્યુઆરી, 2025ના રોજ તમામ ગૌણ અદાલતોને ઈ-પ્રક્રિયાઓ જારી કરવા માટે નિર્દેશો જારી કર્યા છે, જે એક સારી પહેલ છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાં પણ આ માટે પ્રયાસો કરવા જોઈએ. અમિક શાહે ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશનમાં ખાલી જગ્યાઓ પર શક્ય તેટલી વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું. ગૃહ મંત્રીએ કહ્યું કે, તાલીમમાં ન્યાયિક અધિકારીઓનો પણ સમાવેશ થવો જોઈએ અને તાલીમનું આયોજન ન્યાયિક એકેડેમી સાથે સંકલનમાં થવું જોઈએ.