BUDGET 2024 : યુવાનોને હવે દર મહિને મળશે 5000 રૂપિયા, નાણામંત્રી દ્વારા કરાઇ જાહેરાત
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આજે રજૂ કરવામાં આવેલા બજેટ વિશે વાત કરવામાં આવે તો તે બજેટ ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બજેટમાં રોજગારથી લઈને કૃષિ સુધીની 9 પ્રાથમિકતાઓ છે. બજેટમાં ત્યારે આજે એક ખાસ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં 1 કરોડ યુવાનો માટે ખુશખબરી આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
યુવાનોને મળશે દર મહિને 5000 રૂપિયાનું માસિક ભથ્થું
બજેટમાં નાણામંત્રી દ્વારા યુવા વર્ગના લોકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે - યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જેના માટે આ યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. આ માસિક ભથ્થું પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ હેઠળ 12 મહિના માટે હશે અને યુવાનો આ કંપનીઓમાં માત્ર 12 મહિના માટે જ ઈન્ટર્નશિપ કરી શકશે. જો કે દેશની ટોચની કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં 1 કરોડ યુવાનોને તાલીમ આપવી પડશે.
મહિલાઓના વિકાસ માટે 3 લાખ કરોડ ફાળવાયા
ઉલ્લેખનીય છે કે, મહિલાના વિકાસ માટે પણ આ વખતે બજેટમાં વાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, જેમ કે વચગાળાના બજેટમાં કહ્યું હતું, અમે ગરીબો, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતાઓ છે. મહિલાઓના વિકાસ માટે આ બજેટમાં 3 લાખ કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમારી સરકાર મહિલાઓની ભૂમિકા નક્કી કરવા માટે પ્રતિબદ્ધ છે.’
નોકરી કરતા લોકો માટે પણ કરાઇ આ જાહેરાત
- એમ્પ્લોયર અને કર્મચારી બંનેને રોજગારના પ્રથમ ચાર વર્ષમાં EPFO યોગદાન હેઠળ સીધું પ્રોત્સાહન આપવામાં આવશે
- EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા કર્મચારીઓને એક મહિનાના પગારના રૂ. 15,000 સુધીની રકમ સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
- એમ્પ્લોયરોને ટેકો આપવા માટે, સરકારે બજેટમાં કહ્યું કે વધારાના કર્મચારીઓના માસિક યોગદાનને બે વર્ષ માટે 3,000 રૂપિયા સુધીની ભરપાઈ કરવામાં આવશે
બજેટમાં આ 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી
1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
2. રોજગાર અને કૌશલ્ય વિકાસ
3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
4. ઉત્પાદન અને સેવાઓ
5. શહેરી વિકાસ
6. ઊર્જા સુરક્ષા
7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર
8. નવીનતા, સંશોધન અને વિકાસ
9. નેક્સ્ટ જનરેશનના સુધારા
આ પણ વાંચો : BUDGET 2024 : પહેલી વાર નોકરી કરતા યુવાનો માટે આવી મોટી ખુશખબરી, બજેટમાં કરાઇ આ ખાસ જાહેરાત