VADODARA : સિઝનની પ્રથમ ઘટના, શંકાસ્પદ ડેન્ગ્યૂથી મહિલાનું મોત
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત શંકાસ્પદ ડેન્ગ્યૂથી મહિલાનું મોત થયાની ઘટના સામે આવવા પામી છે. જેને પગલે પાણી અને મચ્છરજન્ય રોગચાળો હવે જીવલેણ સાબિત થઇ રહ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો હોય તેવી સ્થિતી છે. તેની સામે પાલિકા તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ રોગચાળો નાથવામાં જોઇએ તેવી સફળતા મળી નથી રહી. જેને પગલે શહેરવાસીઓ તેનો ભોગ બની રહ્યા છે.
મેલેરિયાના 1,138 શંકાસ્પદ કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા
શહેરમાં ચોમાસાની રૂતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. વિતેલા 24 કલાક અંગે પાલિકાની યાદી અનુસાર, શંકાસ્પદ ડેન્ગ્યૂના 21 કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી એક પોઝીટીવ કેસ મળી આવ્યો છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 9 કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. સૌથી વધુ મેલેરિયાના 1,138 શંકાસ્પદ કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. ઝાડા-ઉલ્ટીના 70 કેસો સામે આવવા પામ્યા છે. તથા કોલેરાના શંકાસ્પદ 6 કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 1 કોલેરા પોઝીટીવ કેસ મળી આવ્યો છે.
આશ્ચર્ય વચ્ચે પાલિકાનું તંત્ર આ વાતથી અજાણ
શહેરના રામદેવનગરમાંથી એક ડેન્ગ્યૂ પોઝીટીવ કેસ સામે આવ્યો છે. અને ફતેગંજ વિસ્તારમાંથી કોલેરાનો એક કેસ મળી આવ્યો છે. આ વચ્ચે શહેરના સમા-સાવલી રોડ પર રહેતી મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત નિપજ્યું છે. મહિલાના મૃતદેહને વધુ કાર્યવાહી અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ સિઝનનું આ પ્રકારનું મોત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, આશ્ચર્ય વચ્ચે પાલિકાનું તંત્ર આ વાતથી અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : જન્માષ્ટમી નિમિત્તે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર