VADODARA : ફતેગંજ બ્રિજ નીચે રમત-ગમતના સાધનો મુકાયા, સુરક્ષા સામે સવાલ
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા ફતેગંજ બ્રિજ નીચે બાળકો માટેના રમત-ગમતના સાધનો (UNDER BRIDGE PLAY AREA DEVELOP - VADODARA) મુકવાનું આયોજન ચાલી રહ્યું છે. પરંતુ બ્રિજની બંને બાજુ રોડ પસાર થતો હોવાના કારણે સામાજીક કાર્યકર દ્વારા આ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અને બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને યોગ્ય પગલાં લેવા માટે રજુઆત કરવામાં આવી છે. હવે આ મામલે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.
અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નથી
વડોદરાના ફતેગંજ ઓવર બ્રિજ નીચે પાલિકા દ્વારા રંગરોગાન કરવાની સાથે નાના બાળકો માટે રમત-ગમતના સાધનો મુક્યા છે. જે ફાજલ પડેલી જગ્યાનો સદઉપયોગ કરવાનો એક પ્રયાસ હાલ લાગી રહ્યો છે. પરંતુ આ બ્રિજની બંને તરફ રોડ આવેલો હોવાથી અહિંયા આવવા-જવા માટે બાળકોને રોડ ક્રોસ કરવો પડે. દરમિયાન અતિવ્યસ્ત રૂટ રહેતો હોવાના કારણે અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેને લઇને હવે સામાજીક કાર્યકર દ્વારા અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
તો જવાબદાર કોણ ?
સામાજીક કાર્યકર કમલેશ પરમારે મીડિયાને જણાવ્યું કે, અમે વોર્ડ ઓફિસર તથા અન્યને ફોન કર્યો, છતાં કોઇ ચોક્કસ જાણકારી મળી નથી. અહિંયા બાળકો માટે રમત-ગમતના સાધનો મુકવામાં આવી રહ્યા છે. જેથી તે પ્રકારનું કોઇ આયોજન હોય તેમ હાલ લાગી રહ્યું છે. બ્રિજનો કોઇ પોપડો બાળક પર પડે તે બાળકને ઇજા પહોંચી શકે છે. તો તેનું જવાબદાર કોણ ? બ્રિજની બંને બાજુ રોજ આવેલો છે. તેને પાર કરીને અહિંયા આવતા સુધીમાં જો કોઇ અકસ્માત થયો તો તેનું જવાબદાર કોણ રહેશે ?.
આ પ્રકારના આયોજનો ખુલ્લા મેદાનમાં કરવામાં આવે
વધુમાં જણાવ્યું કે, વડોદરા પાલિકા દ્વારા તકલાદી નિર્ણય લેવામાં આવતા હોય છે, જેને કારણે દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે પાલિકાએ શહેરમાં પાયાની સુવિધાઓ સુદ્રઢ કરવા પર વધુ ભાર મુકવો જોઇએ. આ સાથે જ આ પ્રકારના આયોજનો ખુલ્લા મેદાનમાં કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : "નેતાઓએ વોટ માંગવા આવવું નહીં", સૂચિત બ્રિજનો વિરોધ ઉગ્ર બન્યો