VADODARA : વિશ્વામિત્રીમાંથી નીકળેલા પ્લાસ્ટીક વેસ્ટમાંથી રોડ બનાવાશે
VADODARA : વડોદરા પાલિકા દ્વારા શહેરમાં પૂર નિવારણ માટેના પગલાં ભરતા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત 630 મેટ્રિક ટન જેટલો પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો છે. જેનું અટલાદરા ખાતે આવેલા વેસ્ટ પ્રોસેસીંટ યુનિટમાં રીસાયકલીંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાસ્ટીકના વેસ્ટમાંથી દાણા અને ડામર સાથે મિશ્રિત થતું પ્લાસ્ટીક બનાવવામાં આવશે. જે માટેની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. (VISHWAMITRI RIVER PLASTIC WASTE TO USE IN ROAD CONSTRUCTION AFTER RECYCLE - VADODARA)
વેસ્ટ અટલાદરા સ્થિત વેસ્ટ પ્રોસેસીંટ યુનિટમાં મોકલાય છે
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલા ભરવા માટે પાલિકા તંત્ર દ્વારા 100 દિવસનું મિશન હાથ પર લેવામાં આવ્યું છે. જે અંતર્ગત નદીને ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. આ દરમિયાન નદીના પટમાંથી 630 મેટ્રિક ટન જેટલો પ્લાસ્ટીક વેસ્ટ કાઢવામાં આવ્યો છે. અને તેને અટલાદરા સ્થિત વેસ્ટ પ્રોસેસીંટ યુનિટમાં મોકલવામાં આવ્યો છે. આ યુનિટમાં તેનું રીસાયકલીંગ કરવામાં આવનાર છે. અને ત્યાર બાદ તેને ઉપયોગમાં લઇ શકાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
પાલિકાએ ઇકો વિઝન નામની કંપની સાથે કરાર કર્યો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ એકત્ર કરવામાં આવેલા પ્લાસ્ટીકના વેસ્ટમાંથી દાણા અને રોડ બનાવવામાં આવનાર છે. ડામર સાથે મિશ્રિત થતા પ્લાસ્ટીકનું રીસાયકલ કરેલું મટીરીયલ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં સફળતા મળતા નવી તક ખુલ્લી થાય તો નવાઇ નહીં. પાલિકા દ્વારા વર્ષ 2017 માં પ્લાસ્ટીક વેસ્ટ પ્રોસેસિંગ અને રીસાયકલીંગ માટે ઇકો વિઝન નામની કંપની સાથે કરાર કર્યો હતો. રોજ 50 મેટ્રિક ટન જેટલો વેસ્ટ રેજ પીકર દ્વારા અટલાદરા મોકલવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2015 - 16 માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 300 મીટર જેટલો પ્લાસ્ટીક મિશ્રિત રોડ બનાવવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો --- VADODARA : ડુંગળીની ગુણો હટાવતા જ દારૂની પેટીઓ મળી આવી