VADODARA : ફ્લેટના ટેરેસ પર લાગેલા ઝંડાને લઇને જિલ્લા પોલીસવડાની સ્પષ્ટતા
VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડા લગાડવામાં આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકો કોર્પોરેટર નિતિન દોંગા તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેમણે ઝંડા ઉતારી દેવડાવ્યા હતા. આ મામલે પોલીસને જાણ થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. અને સ્થિતી થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જિલ્લા પોલીસવડા રોહન આનંદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ઇદે મિલાદ આવતી હોવાથી આ ઝંડા લગાડવામાં આવ્યા હતા. પહેલા એક ઝંડો હતો. ત્યાર બાદ 10 ટાવર પર ઝંડા લગાડવામાં આવ્યા હતા. આ અરબી ઝંડો નહિ પરંતુ ધાર્મિક ઝંડો હતો.
કોર્પોરેટરે તાત્કાલિક ઝંડા ઉતરાવ્યા હતા
વડોદરામાં રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી ચાલી રહી છે. તેવામાં તાજેતરમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 નામના ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડા લહેરાઇ રહ્યા હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા આ મામલે સ્થાનિક કોર્પોરેટર અને પોલીસને જાણ કરવામાં આવતા બંને આવી પહોંચ્યા હતા. અને કોર્પોરેટરે તાત્કાલિક ઝંડા ઉતરાવ્યા હતા. આ મામલે પોલીસે પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. તહેવોરોની ઉજવણી ટાણે શહેરનો માહોલ ડહોળવાના પ્રયાસો સાખી લેવામાં નહીં આવે તેમ કોર્પોરેટર નિતિન દોંગાએ કહ્યું હતું.
કોઇ અરબી ઝંડો ન્હતો
આ મામલે હાલમાં જિલ્લા પોલીસવડા રોહન આનંદ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ ધાર્મિક ઝંડો હતો. કોઇ અરબી ઝંડો ન્હતો. ઇદે મિલાદ આવી રહી છે, એટલે આ ઝંડા લગાડવામાં આવ્યા હતા. રાત્રે 10 ટાવર પર ઝંડા લગાડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તુરંત પોલીસ સ્થળ પર પહોંચી હતી. પહેલા એક ઝંડો લગાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સંખ્યા વધી હતી.
સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલીંગ
વધુમાં તેમણે ઉમેર્યું કે, ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, એટલે ઝંડા હટાવી લેવામાં આવ્યા છે. સમગ્ર ધટનાને પગલે પોલીસ એલર્ટ છે, અને સાંજના સમયે પેટ્રોલીંગ વધારે સમય માટે કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસનું ચુસ્ત પેટ્રોલીંગ કરી દેવામાં આવ્યું છે.
મંજુરી આપવામાં આવી હોવાનો મેસેજ હાલ વાયરલ
જો કે આ મામલે પી.એમ.એ.વાય ભાયલી અર્બન રેસીડન્સી-૭ એસોસિએશન અને કમિટી તરફથી ઝંડો લગાડવા માટેની મંજુરી આપવામાં આવી હોવાનો મેસેજ હાલ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં પ્રમુખ મેહુલભાઇ પટેલના નામનો ઉલ્લેખ છે. આ મંજૂરી 8, સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હોવાનું તેમાંથી જાણવા મળી રહ્યું છે. આ ઝંડાઓ 17 સપ્ટેમ્બરના રોજ ઉતારી લેવામાં આવનાર હોવાનું મેસેજમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ આ મામાલાનો વિવાદ સામે આવતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ગણેશજી મૂર્તિ ઉપર ઘનશ્યામ મહારાજને સ્થાન આપતા આક્રોષ