VADODARA : સિનિયર વકીલનું હિંસક હુમલામાં મોત, સુરક્ષાની માંગ ઉઠી
VADODARA : વડોદરા (VADODARA) માં સિનિયર વકીલ વિઠ્ઠલપ્રસાદ પંડિત પર ગતરાત્રે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં તેઓને લોહીલુહાણ હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યા બાદ વકીલ આલમમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ વકીલોને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે વકીલોને સુરક્ષા મળવી જોઇએ, તેવી માગ ઉઠવા પામી છે. આ ઘટનામાં વકીલ દ્વારા ડિવોર્સ કેસ મામલે આરોપીની પત્નીની છેડતી કરવામાં આવી હોવાનું રટણ આરોપીએ પોલીસ સમક્ષ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
શરીરના અલગ અલગ ભાગોમાં ઇજાઓ પહોંચી
સમગ્ર ઘટનાને લઇને વકીલ વિપુલભાઇ પરમારે જણાવ્યું કે, મૃતકનું નામ વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે. તેઓ વ્યવસાયે વકીલ હતા. 31 ઓગસ્ટના રોજ સાંજે આ બનાવ બન્યો છે. તેમના શરીરના અલગ અલગ ભાગોમાં જે ઇજાઓ પહોંચી છે, તે તેમને માર મારવાના કારણે પહોંચી છે. આ ઘટના સિંઘરોટ ગામ પાસે બની છે, મીની નદી પાસે ની છે. ત્યાંના બે વ્યક્તિઓએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેના મારફતે ઇજાગ્રસ્તને ગતરાત્રે સારવાર અર્થે લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે દોઢ વાગ્યાના અસરામાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. તેઓ સિનિયર વકીલ હતા.
એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે વકીલોને સુરક્ષા મળવી જોઇએ
વધુમાં તેમણે જણાવ્યું કે, વકીલ માટે આ ખરાબ સમાચાર કહેવાય. સરકારે વકીલોની સુરક્ષા માટે ખાસ કાયદો પસાર કરવો જોઇએ. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ કૃત્ય કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતકના માથા તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી છે. મોઢાનો ભાગ તોડી નાંખ્યો છે. આ ઘટનાની જાણ અમને રાત્રે થઇ છે. વકીલ તરીકે અમારી આશા છે કે, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે વકીલોને સુરક્ષા મળવી જોઇએ. ગમે ત્યારે કોઇના પક્ષમાં અમે વકીલાત કરતા હોય, કેસ લડતા હોય ત્યારે સામેવાળો પણ અમને મારી શકે છે. અમારી સુરક્ષા માટે વિચારવું પડે. કચ્છ અને રાજકોટમાં આવી ઘટનાઓ સામે આવી છે. આરોપી નરેશ રાવલ હોવાનું જાહેર થયું છે.
આ પણ વાંચો -- VADODARA : રોગચાળો અટકાવવા 500 ટીમ મેદાને, 7.58 લાખ વસતીનું સર્વેલન્સ