VADODARA : સિઝનના સૌથી મોટા ભૂવાનું ચાર દિવસ બાદ રીપેરીંગ શરૂ
VADODARA : વડોદરા (VADODARA) માં પ્રથમ વરસાદ બાદ એલ એન્ટ ટી સર્કલ (L&T CIRCLE - VADODARA) પર સૌથી મોટો ભૂવો પડ્યો હતો. પ્રથમ દિવસે પડેલો ભૂવો ક્રમશ: મોટો થતો જતો હતો. જેના કારણે સ્થાનિકો વિચારતા થઇ ગયા હતા. આખરે ચોથા દિવસે આ ભૂવાની મુલાકાતે મેયર આવી પહોંચ્યા હતા. અને બાદમાં તેનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, જો પહેલા જ દિવસે જ ભૂવાનું યોગ્ય સમારકામ શરૂ કરી દીધું હોત તો તેનું વિસ્તરણ થતા અટકાવી શકાયું હોત.
ચોથા દિવસે રીપેરીંગ કાર્યનું મુહૂર્ત નિકળ્યું
વડોદરામાં પ્રથમ વરસાદે ભારે તારાજી સર્જી હતી. 22 જુને પડેલા અવિરત વરસાદ બાદ શહેરમાં પૂરની સ્થિતીનું સર્જન થયું હતું. આ સ્થિતી વચ્ચે શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવો દિવસેને દિવસે ક્રમશ: વધતો જતો હતો. આખરે ચોથા દિવસે તેના રીપેરીંગ કાર્યનું મુહૂર્ત નિકળ્યું હતું. તાજેતરમાં મેયરે આ ભૂવાના સ્થળની મુલાકાત લીધી હતી. જે બાદ ભૂવાનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાક્ટરની પોલ પણ ખુલી જવા પામી
તાજેતરમાં જ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ ભૂવાના સ્થળ પર શ્રીફળ વધેરવામાં આવ્યું હતું. જેમ કોઇ કામની શરૂઆતમાં શ્રીફળ વધેરવામાં આવે છે, તેમ આ ભૂવાનું રીપેરીંગ કાર્ય તંંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકરે પહેલા જ શ્રીફળ વધેરી દીધું હતું. પહેલા રીક્ષા સમાઇ જાય તેટલી સાઇઝનો ભૂવો ક્રમશ: આખો ટ્રક સમાઇ જાય તેટલો ઉંડો થયો હતો. આ ભૂવાના કારણે રોડ-રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરની પોલ પણ ખુલી જવા પામી હતી. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર, અહીંયાથી 40 વર્ષ જૂની વરસાદી ગટર પસાર થાય છે. તેની દિવાલ પડી જવાના કારણે ત્યાં ભૂવો પડ્યો હતો. જે બાદ મેયરની મુલાકાત પહેલા જ મોટા સિમેન્ટના પાઇપો મુકવામાં આવ્યા હતા. હાલ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- Surendranagar : માત્ર 8 માસ પહેલા શરૂ થયેલા લીંબડી સર્કલ હાઇવે ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું