VADODARA : ગેરકાયદેસર વિજ કનેક્શનથી બેનર ઝગમગાવવું જીવલેણ સાબિત થયું
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના કરજણ (KARJAN) માં તહેવારોનું બેનર રાત્રીના સમયે ઝગમગાવવા માટે ગેરકાયદેસર વિજ કનેક્શન લઇ હેલોજન લગાડવામાં આવ્યો હતો. આ હેલોઝનના વિજ વાયરમાંથી કરંટ ઉતરતા 13 વર્ષિય બાળકનું મોત નિપજ્યું છે. આ મામલે ગેરકાયદેસર વિજ કનેક્શન લગાવી આપનાર સહિત ચાર સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
યુથ સર્કલો પર ધર્મને લાગતા બેનરો લગાડવામાં આવ્યા
કરજણ પોલીસ મથકમાં અબ્દુલભાઇ કાસમભાઇ સિંધી (રહે. ઓવર બ્રિજ નીચે, સિનેમા રોડ, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પરિવાર સાથે રહે છે. 16, સપ્ટેમ્બર ના રોજ ઇદે મિલાદનો તહેવાર હોવાથી જુના બજાર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સમાજના યુથ સર્કલો પર ધર્મને લાગતા બેનરો લગાડવામાં આવ્યા છે. તેમના ફળિયામાં સલીમ અહેમદ પટેલ (એસપી) તથા અખ્તર હસન પટેલ, સમીર અબ્દુલ શેખ અને સાહીદ સોયેબ પટેલ શેરે અલી યંગ સર્કલ (કરજણ) ચલાવે છે. ઇદે મિલાદ તહેવારના કારણે તેમના ઘર નજીક ઓવરબ્રિજની બાજુમાં લોખંડની પાઇપોને જમીનમાં રોપીને મોટું બેનલસ લગાડવામાં આવ્યું હતું. રાતના સમયે બેનર વંચાય તે માટે પાલિકાની સ્ટ્રીટ લાઇટમાંથી ગેરકાયદેસર જોડાણ કરીને હેલોજન બેનર પર લગાડવામાં આવ્યો હતો.
પૌત્રએ જોરથી બુમ પાડતા બહાર દોડી ગયા
તાજેતરમાં સાંજના સમયે વરસાદ ચાલુ હતો. અને પરિવાર ઘરમાં હતો. તેવામાં પૌત્ર અસરારે જોરથી બુમ પાડતા તેઓ બહાર દોડી ગયા હતા. બહાર જઇને જોતા અસરાર સિંધી (ઉં. 13) જમીન પર ઢળી પડેલો જોવા મળ્યો હતો. તેને બેનરમાંથી કરંટ લાગ્યો હોવાનું જણાયું હતું. ઘટનાને પગલે ફળિયાના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેને સારવાર માટે લઇ જતા તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વાયરમાંથી લોખંડના ચોરસ થાંભલામાં વિજ કરંટ વહેતો હતો
ઘટના અંગે જાણ કરાતા પાલિકા અને વિજ કંપનીના કર્ચમારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિજ કંપનીના હેલ્પરોએ તપાસ કરતા હેલોજન લાઇટના લિકેજ વાયરમાંથી લોખંડના ચોરસ થાંભલામાં વિજ કરંટ વહેતો હોવાનું માલુમ પડ્યું હતું. અને હેલોજન લાઇટનું વિજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું જણાયું હતું.
ચાર સામે ફરિયાદ
આખરે ઉપરોક્ત મામલે સલીમ અહેમદ પટેલ, અખ્તર હસન પટેલ, સમીર અબ્દુલ શેખ (તમામ રહે. ઓવર બ્રિજ નીચે, સિનેમા રોડ, જુના બજાર, કરજણ) અને ગેરકાયદેસર વિજ કનેક્શન લગાડનાર ઇલેક્ટ્રીશીયન સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા વાયરલ