VADODARA : મહેમાનીની દાવત માણવા ગયેલા પરિવારનું 14 તોલા સોનું ગાયબ
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણમાં મહેમાનીની દાવત માણવા ગયેલા પરિવારને ત્યાં તસ્કરોએ મોટો હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો 14 તોલા સોનું લઇને પલાયન થયા (HOUSE THEFT FAMILY LOST GOLD - KARJAN, VADODARA) હતા. દાવત માણીને પરત આવેલા ઘરનો દરવાજો ખુલ્લો જોતા મોભીનો ધ્રાસ્કો પડ્યો હતો. બાદમાં ઘરમાં જઇને જોતા તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં હતો. આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION - VADODARA RURAL) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘોળે દહાદે થયેલી આટલી મોટી ચોરીને પગલે તસ્કરોમાં પોલીસનો ભય ઓસરી રહ્યો હોવા તરફ ઇશારો કરી રહ્યું છે.
મુખ્ય દરવાજાને તાળું ન્હતું જણાતું
કરજણ પોલીસ મથકમાં મકબુલહુસૈન દાઉદ ફસલ (રહે. સાંસરોદ, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના સંતાનો વિદેશમાં સ્થાઇ થયા છે. હાલ તેઓ પત્ની અને માતા સાથે રહે છે. 19, ફેબ્રુઆરીના રોજ સાંસરોદ ગામે રહેતા માતાના ઘરે મહેમાનીની દાવતનો પ્રસંગ હોવાથી તેઓ સવારે તેમની માતા અને પત્ની સાથે ગયા હતા. અને બપોરે 2 કલાકે પરત ફર્યા હતા. ઘરે આવીને જોતા મુખ્ય દરવાજાને તાળું ન્હતું જણાતું અને તે અર્ધ ખુલ્લી હાલતમાં હતો. બાદમાં ફરિયાદીએ અંદર જઇને જોતા તિજોરીઓ ખુલ્લી મળી આવી હતી, તિજોરીના લોકર ફેંદી કાઢેલી હાલતમાં હતા, સાથે જ તિજોરીનો સામાન વેર વિખેર હાલતમાં પલંગ પર પડ્યો હતો.
પત્ની તથા પુત્રવધુની સોનાની જણસ ગુમાવી
ઘટના અંગે પરિજનોને જાણ કરતા તેઓ દોડીને આવ્યા હતા. બાદમાં ગણતરી કરતા તિજોરીમાં મુકેલ પત્ની તથા પુત્રવધુની સોનાની બંગડીઓ, વીંટી, બુટ્ટી, હાર, કડું, વગેરે મળીને 14 તોલા સોનું ગાયબ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ ચોપડે 14 તોલા સોનાની કિંમત રૂ. 8,40 લાખ આંકવામાં આવી રહી છે. જેની ગણતરી આજના સમયના સોનાની કિંમત પ્રમાણે કરવામાં આવે તો ચોરીના મુદ્દામાલની રકમની કિંમત બમણી જેટલી થવા પામે છે.
આ પણ વાંચો --- VADODARA : ગુજરાત રિફાઇનરી સ્કુલ દ્વારા હોલ ટિકિટ રોકતા હોબાળો