VADODARA : "સાહેબને ખુશ કરવા પડશે", કહી નોકરીવાંચ્છુઓ પાસેથી પૈસા પડાવ્યા
VADODARA : વડોદરા ગ્રામ્યના ભાદરવા પોલીસ મથક હદવિસ્તારમાં ચાર જેટલા નોકરીવાંચ્છુ લોકો પાસેથી નોકરીના બહાના પૈસા પડાવીને છેતરપિંડીનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે ખાનગી કંપનીમાં કામ કરતા ગઠિયા સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તારો બાયોડેટા મને આપ
ભાદરવા પોલીસ મથકમાં કુલદિપસિંહ દશરથસિંહ વાઘેલા (રહે. નટવરનગર, નવી કોલોની સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ આણંદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના ગામના મહેશસિંહ તખતસિંહ મહીડા મોક્સી ખાતે આવેલી કોચ કંપનીમાં નોકરી કરે છે. બંને એક જ ગામના હોવાથી સારી રીતે એકબીજાને ઓળખે છે. દરમિયાન મહેશસિંહને ખબર પડતા વર્ષ 2021 - ફેબ્રુઆરીમાં મળ્યા અને પુછ્યું કે, તું શું કરે છે. જેથી તેમણે જવાબ આપ્યો કે, બેકાર છું. અને નોકરીની તપાસમાં છું. તમારા ધ્યાને કોઇ નોકરી હોય તો મને જણાવજો. બાદમાં બે ત્રણ દિવસ પછી તેઓનો ફોન આવ્યો હતો. અને કહ્યું કે મારી કંપનીમાં માણસોની જરૂર છે. તું તારો બાયોડેટા મને આપ.
એટલે તારી નોકરી ફાઇનલ
બાદમાં સાંજે બંને મળ્યા હતા. અને મહેશસિંહે કહ્યું કે, કોચ કંપનીના સતીષ અસ્ટાકર સાહેબ અને જતીન પરીખ સાહેબ સાથે સારી ઓળખાણ છે. હું તને નોકરી અપાવી દઇશ. તારે કંપનીના સાહેબને ખુશ કરવા પડશે. તારે નોકરી જોઇતી હોય તો રૂ. 1 લાખ આપવા પડશે. એટલે તારી નોકરી ફાઇનલ.
તેણે ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધું
બાદમાં ફરિયાદી મહેશસિંહને ટુકડે ટુકડે રૂ. 1 લાખ આપે છે. ત્યાર બાદ માર્ચ મહીનામાં નોકરી મળી જશે. અને કંપનીનો એપોઇન્ટમેન્ટ લેટર આપવાની પણ વાત થઇ હતી. બાદમાં એક મહિનો રાહ જોયા બાદ કંઇ થયું ન્હતું. દરમિયાન મહેશસિંહને ફોન કરતા તેણે રીસીવ કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં જાણવા મળ્યું કે, આ જ રીતે મહેશસિંહે ગામના પ્રુથ્વીરાજસિંહ મહીડા, દિવ્યરાજ રોહીત, પ્રિતેષભાઇ રોહીત તમામ પાસેથી રૂ. 20 હાજાર વિક્રમસિહ જાઘવ પાસેથી રૂ. 25 હજાર કોચ કંપનીમાં નોકરી અપાવવા માટે લીધા છે.
તમે મારૂ કંઇ બગાડી નહી શકો
બાદમાં તમામ ભેગા થઇને મહેશસિંહના ઘરે ગયા હતા. અને કહ્યું કે, નોકરી અપાવી દે અથવા અમારા પૈસા પરત અપાવી દે. ત્યારે મહેશસિંહે કહ્યું કે. હાલમાં નોકરીનું સેટીંગ થાય તેમ નથી. તમારા પૈસા મારાથી વપરાઇ ગયા છે. પૈસા આવશે એટલે આપી દઇશ. મહેશસિંહે દવા પીધેલી હોવાની બીકના કારણે પૈસાની ઉઘરાણી કરી ન્હતી. બાદમાં તેણે કહ્યું કે, કંપનીના સંજય સીંઘાનીયા જોડે મારા સારા સંબંધ છે. તમે મારૂ કંઇ બગાડી નહી શકો. તમારાથી થાય તે કરી લેજો. મારે તમારા પૈસા પરત આપવા નથી. તેમ જણાવ્યું હતું. આખરે તમામ પાસેથી રૂ. 1.50 લાખ લઇ છેતરપિંડી કરવા મામલે મહેશસિંહ તખતસિંહ મહીડા (રહે. નટવરનગર, સાવલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : બિલ વગરના 139 મોબાઇલ પકડી પાડતા માર્કેટમાં સન્નાટો