VADODARA : હાઇ-વે ઓથોરીટીએ નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા પાલિકા તંત્ર દોડ્યું
VADODARA : વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં અંતર્ગત પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને સાફ, ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. આમ કરીને તેની વહન ક્ષમતા વધારવામાં આવી રહી છે. જો કે, આ પ્રયત્નો વચ્ચે પાલિકા અને હાઇ-વે ઓથોરીટી વચ્ચે સંકલનનો અભાવ હોવાની સાબિતી આપતી ઘટના સપાટી પર આવી છે. સમામાં વેમાલી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર હાઇવે ઓથોરીટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં તેમણે મશીનો અને સામાન નદીના પટમાં મુકી રાખ્યો છે. સાથે જ નદીના વહેણમાં કામચલાઉ એપ્રોચ-વે બનાવવામાં આવ્યો છે. જેથી પટ વિસ્તાર કામચલાઉ ધોરણે સાંકડો બન્યો હોવાનો અંદાજ છે. એક તરફ નદીને પહોળી કરવામાં આવી રહી છે. અને બીજી તરફ હાઇ-વે ઓથોરીટી તેનાથી વિપરીત કામ કરી રહ્યું હોવાનું જણાઇ આવે છે. (HIGHWAY AUTHORITY BUILD TEMPORARY STRUCTURE ON VISHWAMITRI RIVER, VMC TEAM REACHOUT - VADODARA). આ જ રીતે બુલેટ ટ્રેનની કામગીરીમાં થયું હોવાનો ગણગણાટ સામે આવ્યો છે.
નદીનો પટ સાંકડો થયો હોય તેમ જણાય છે
વડોદરા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. 100 દિવસમાં વિશ્વામિત્રી નદી સહિત આસપાસના મહત્વના જળાશયોને ઉંડા કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ તેમની કેપેસીટી વધારવામાં આવી રહી છે. આ પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સરકારની બે એજન્સીઓ વડોદરા પાલિકા અને હાઇવે ઓથોરીટી વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો છે. સમા વિસ્તારમાં આવેલા વેમાલીમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર હાઇ-વે ઓથોરીટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મશીનરી અને કન્સ્ટ્રક્શન માટેનો સામાન નદીના પટમાં ઉતારી શકાય તે માટે પુરાણ કરવામાં આવ્યું છે. અને નદીની એક બાજુથી બીજી બાજુ તરફ જવા માટે કામચલાઉ એપ્રોચ-વે તૈયાર કરવામાં આવ્યો છે. જેના કારણે અહિંયાનો નદીનો પટ સાંકડો થયો હોય તેમ જણાય છે. આ વાત ધ્યાને આવતા પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
નદી પહોળી કરવામાં આવતી કામગીરીમાં કોઇ વિક્ષેપ ના આવે તેવા પ્રયાસો
પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇ-વે ઓથોરીટી દ્વારા હાઇ-વેને સિક્સ લેન બનાવવાની કામગીરી ચાલી રહે છે. જેમાં તેઓ રીવર ઓવર બ્રિજ બનાવી રહ્યા છે. જેના ભાગરૂપે નદીના કાંઠા પર અવર-જવર કરવા માટે નાનું-મોટું પુરાણ કરેલું છે. અને પાઇપલાઇન નાંખીને કોઝવે બનાવ્યો છે. હજી ચોમાસાને વાર છે. ઓથોરીટી જોડે પરામર્શ કરીને આ કોઝવે તથા અન્યને ચોમાસા પહેલા દુર કરવામાં આવે, જેથી કોઇ અડચણ ના સર્જાય, તથા પાલિકા દ્વારા નદી પહોળી કરવામાં આવતી કામગીરીમાં કોઇ વિક્ષેપ ના આવે તેવા પ્રયાસો છે. જેથી મ્યુનિસિપલ કમિશનર અને હાઇ-વે ઓથોરીટી સાથે મળીને કામ કરશે.
આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેનું સંકલન કરીને કામ કરાશે
વધુમાં જણાવ્યું કે, નદીના વહેણ પર જે કામગીરી કરવામાં આવી તે માટે જરૂરી મંજુરી લેવામાં આવી છે કે નહીં તપાસ કરવામાં આવશે. આ લાંબા ગાળાનું માળખું નથી. ચોમાસાને ધ્યાને રાખીને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેનું સંકલન કરીને કામ કરાશે. વડોદરા પાલિકા દ્વારા તમામ જોડે સંકલન કરવામાં આવે છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, ચોમાસું આવતા પહેલા આ બધુ ક્લિયર કરાવી દેવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : સાવલી નગર પાલિકાનું વીજ કનેક્શન કપાતા અંધારપટ છવાયો