VADODARA : ગુરૂકૃપા હોટલના ઉત્તપમ-ઠંડાપીણામાંથી જીવાત નીકળવા મામલે કાર્યવાહી
VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા હોટલ (GURUKRUPA HOTEL) માં ઉત્તપમ અને ઠંડા પીણામાંથી જીવાત નીકળવાની ફરિયાદ સોશિયલ મીડિયા માધ્યમ થકી પાલિકાને કરવામાં આવી હતી. જે બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને હોટલમાં જઇને નમુના લઇને નોટીસ ફટકારી હતી. હવે પાલિકા (VADODARA - VMC) ની ટીમ દ્વારા લેવામાં આવેલા નમુનાના પરિણામો પર સૌ કોઇની નજર રહેલી છે.
ઉત્તપમ અને ઠંડા પીણામાં જીવાત નીકળતા તેઓ ચોંકી ઉઠ્યા
વડોદરા સહિત રાજ્યભરમાં ખાણી-પીણીની ચીજોમાંથી જીવાત નીકળવાની ઘટનાનો સિલસિલો ચાલી રહ્યો છે. ફૂડ સેફ્ટીની અનેક ડ્રાઇવ ચલાવવામાં આવ્યા બાદ પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા ગુરૂકૃપા હોટલમાં ગ્રાહક જમવા ગયા હતા. ત્યાં તેમને પીરસવામાં આવેલા ઉત્તપમ અને ઠંડા પીણામાં જીવાત નીકળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ હોટલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે પાલિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્રાકહે ફરિયાદ કરી હતી. અને મામલો તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઉત્તપમ, ચટણી, અને ઠંડા પીણાના નમુના લીધા
આ ઘટના બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને સ્થળ પર જઇને પાલિકાની ટીમે તપાસ કરી હતી. પાલિકાની ખોરાક શાખા દ્વારા ગુરૂકૃપા હોટલમાંથી ઉત્તપમ, ચટણી, અને ઠંડા પીણાના નમુના લીધા છે. સાથે જ હોટલને સ્વચ્છતાને લઇને નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે બેદરકાર રેસ્ટોરેન્ટ-હોટલ સંચાલકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.
બેદરકારીનો સિલસિલો આજદિન સુધી જારી
સોશિયલ મીડિયામાં લોકોનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાઓનું પુનવરાવર્તન ના થાય તે દિશામાં પાલિકા તંત્રએ કાર્યવાહી કરવી જોઇએ. ઘટના સામે આવ્યા બાદ પાલિકાનું તંત્ર કાર્યવાહી તો કરે છે, પરંતુ તે દાખલો બેસાડે તેવી નથી હોતી. જેના કારણે બેદરકારીનો સિલસિલો આજદિન સુધી જારી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : રજુઆત કરતા અધિકારીનો નફ્ફટ જવાબ, "મારી જવાબદારી નથી"