VADODARA : મૃતક શ્રમિકના નામે મનરેગાનું મહેનતાણું ભોગવનાર સામે ફરિયાદ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં આવતા સમસાબાદમાં મનરેગા યોજના હેઠળ ચાલતી ગડબડ સામે આવવા પામી છે. એક શ્રમિક મહિલાનુ મૃત્યુ નિપજ્યું હતું. પરંતુ તેનું નામ યોજનાના રેકોર્ડ પર જીવંત વ્યક્તિ તરીકે બતાવતું હતું. યોજના લાગુ હોવાના સમયગાળા દરમિયાન તેમની હાજરી પુરવામાં આવી હતી. અને તેના આધારે મહેનતાણું બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. આખરે શ્રમિક મહિલાનું મૃત્યુ થયું હોવાનું અને આ મામલે સરકારી નાણાંની ઉચાપત થઇ હોવાનું સપાટી પર આવતા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ખાતામાં રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા
વરણામાં પોલીસ મથકમાં તાલિકા વિકાસ અધિકારી માધુરીબેન કંચનભાઇ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેઓ ફરજ પર જોડાયા તે પહેલા મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સુચના મુજબ તપાસ કરતા માલુમ પડ્યું કે, સમસાબાદ, વડોદરાના જોબકાર્ડ ધારકોને જૂન - ડિસેમ્બર 2022 ના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે માસ્ટરો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. માસ્ટરોમાં હાજરી પુરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા. દરમિયાન એક શ્રમિક ગંગાબેન રાવજીભાઇ પાટણવાડીયાના ખાતામાં રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા.
માસ્ટર રોલમાં 75 દિવસની હાજરી પણ પુરવામાં આવી
પરંતુ ફેબ્રુઆરી - 2022 માં તેમનું અવસાન થયું હતું. સામાન્ય સંજોગોમાં શ્રમિકનુ મૃત્યુ થયા બાદ તેનું જોબકાર્ડ રદ્દ કરાવવાનું હોય છે. પરંતુ આ કિસ્સામાં યોજનામાં મૃતકનું નામ ચાલુ બોલતું હતું. અને તેની સામે માસ્ટર રોલમાં 75 દિવસની તેમની હાજરી પણ પુરવામાં આવી હતી. અને તેના અનુસંધાને મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 17,925 જમા કરાવવામાં આવ્યા હતા.
સરકારી નાણાંની ઉચાપત
ત્યાર બાદ મનરેગા યોજના હેઠળ બેંક ખાતામાં જમા થયેલા વેતનની રકમ વાસણા ભાયલી રોડ પર આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી. અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાને મળેલા લેખિત હુકમ અન્વયે આની પાછળ અજાણ્યા શખ્સની સંડોવણી સપાટી પર આવી હતી. બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેના અનુસંધાને તાજેતરમાં વરણામાં પોલીસ મથકમાં રૂ. 17,925 ની ઉચાપત મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોને કાઢી મુકવાની તૈયારી