VADODARA : ધોળે દહાડે સ્માર્ટ સિટીમાં ગટરનાં ઢાંકણા ચોરાયા
VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (VADODARA) માં હવે ધોળે દહાડે ગટરના ઢાંકણા ચોરતી ટોળકી સક્રિય થઇ છે. ચોમાસામાં આ ટોળકીનું કારસ્તાન કોઇના જીવને જોખમ ઉભૂ કરી શકે તેવું છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીની ઘટનાને પગલે વિસ્તારના રહીશોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રીક્ષા લઇને આવેલા બે શખ્સો આસપાસ કોઇ જોઇ નથી રહ્યું, તેની ખાતરી કરીને ઢાંકણું રીક્ષામાં ઉઠાવીને જતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ ત્વરિત અટકાવવા તથા આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
સીસીટીવી સામે આવ્યા
વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદની મોસમ ખીલી છે, ત્યારે વડોદરામાં અત્યાર સુધીના વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ જવાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં આ સ્થિતી વચ્ચે હવે ધોળે દહાડે ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય બની છે. આ ગેંગ દ્વારા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં તરખાટ મચાવવામાં આવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
ઢાંકણું ઉંચકીને રીક્ષામાં મુકી દે છે
સાંજે ચાર વાગ્યાના આસપાસ બે અજાણ્યા શખ્સો મુખ્ય માર્ગ પર રીક્ષા લઇને આવે છે. તે પૈકી એક રીક્ષામાંથી ઉતરીને આજુબાજુમાં ડાફોળિયા મારીને ચેક કરે છે. કોઇનું ધ્યાન નહી હોવાનું જણાતા બહાર નિકળેલો શખ્સ એક જ વખતમાં ગટરનું ઢાંકણું ઉંચકીને રીક્ષામાં મુકી દે છે. અને ત્યાર બાદ બંને રીક્ષામાં પલાયન થઇ જાય છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઇ જાય છે.
ખુલ્લી ગટર જોખની નિવડી શકે
સ્થાનિક મહિલાએ આક્રોષિત થઇને કહ્યું કે, આવું ના ચાલે, આ રીતે ધોળે દહાડે ગટરના ઢાંકણા ચોરી થાય તે ચિંતાજનક બાબત છે. આના માટે તંત્રએ કંઇ કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ખુલ્લી ગટર મનુષ્ય અથવાતો પશુઓ માટે જોખમી નિવડી શકે છે. તંત્રએ આ ચોરોને સબક શીખવાડવાની સાથે ફરી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચો -- VADODARA : વોર્ડ નં - 1 ની તૈયાર ઓફીસને ઉદ્ધાટનની વાટ