VADODARA : કોઝ વે પર ઓવરટેપિંગના કારણે જિલ્લાના 6 માર્ગો બંધ
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં નુકશાન થયું હતુ. આ રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ ૫૪ માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.જે પૈકી કુલ ૪૮ માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.હાલમાં જિલ્લામાં પંચાયત હસ્તકના પાંચ માર્ગો કોઝ વે પર ઓવરટેપિંગ અને રેલવે નાળામાં પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
આ રસ્તાઓ પર વૈકલ્પિક માર્ગે પરથી વાહન વ્યવહાર ચાલુ છે.
૧૨૫૦ ક્યુ. મીટર વેટમિક્ષ/રબરના જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો
માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર નાયકાવાલાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ ૪૬ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસરતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.જે પૈકી ૪૧ રસ્તાઓનું રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે.જિલ્લામાં હાલમાં કરજણ તાલુકામાં ત્રણ,પાદરા અને વાઘોડિયામાં એક એક માર્ગ પાણી ભરાવ અને કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં છે.જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે. માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાના ૪૧ રસ્તાઓનું સમારકામ કરવામા આવ્યું છે. જે માટે અંદાજિત ૧૨૫૦ ક્યુ. મીટર વેટમિક્ષ/રબરના જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પેચવર્ક કામગીરી કરી રસ્તાઓ પૂર્વવત કરાયા
નાયકાવાલાએ જણાવ્યું હતું કે વડુ - ડબકા માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ભરાતા પાણીના નિકાલ માટે પાઈપ નાખી રસ્તાને અવરજવર માટે ખુલ્લો કર્યો છે. ડબકા - ચોકારી માર્ગ પર રસ્તાનું ધોવાણ થતાં રબર નાખી રસ્તાને વાહન વ્યવહાર માટે સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેવી રીતે મજાતન કહાનવા રોડ પર મેટલીંગ ,મુજપુર - એકલબારા માર્ગ અને ડભાસા - એકલબારા રોડ પર રબરથી મેટલીંગ તેમજ પાટોડ - ઝવેરીપુરા રોડ પર પેચવર્ક કામગીરી કરી રસ્તાઓ પૂર્વવત કરાયા છે.
વૈકલ્પિક માર્ગે પરથી વાહન વ્યવહાર ચાલુ
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલે કહ્યુ હતું કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ ૦૮ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. જે પૈકી ૦૭ રસ્તાઓની મરામત કામગીરી પૂર્ણ કરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.હાલમાં કરજણ તાલુકાના શાનપૂર - સોખડા માર્ગ કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ છે.જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.આ રસ્તા પર વૈકલ્પિક માર્ગે પરથી વાહન વ્યવહાર ચાલુ છે.
આ પણ વાંચો -- VADODARA : બોલેરો પીકઅપ ગાડી કરતા વધારે કિંમતનો દારૂ તેમાંથી ઝડપાયો