VADODARA : જ્વેલરી શોપનું ઇમરજન્સી સાયરન પણ તસ્કરોના હોંસલા ડગાવી ના શક્યું
VADODARA : વડોદર ગ્રામ્ય (VADODARA RURAL) ના ડેસર (DESAR) માં આવેલી જ્વેલરી શોપમાં હાથફેરાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ તેના સીસીટીવી સપાટી પર આવ્યા છે. જેમાં જોવા મળ્યા અનુસાર, ચાર થી વધુ તસ્કરો કારમાં આવે છે. અને તાળું તોડીને પ્રવેશ મેળવે છે. જેવું તેઓ પ્રવેશે છે, કે તુરંત ઇમરજન્સી સાયરન વાગે છે. તેઓ સીધા જ તેની પાસે જઇને સ્વિચ ઓફ કરી દે છે. અને ગણતરીની મીનીટોમાં હાથફેરો કરીને જતા રહે છે. આ ઘટનામાં વેપારીને ચાંદીની વસ્તુઓ તથા રોકડ મળીને રૂ. 1.03 લાખનું નુકશાન પહોંચ્યું છે.
ગણતરીની મીનીટોમાં તસ્કરોએ દુકાન સાફ કરી
વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ડેસરમાં નિલેશ કુમાર સોની પોતાની ક્રિષ્ણા જ્વેલર્સ નામની જ્વેલરી શોપ ધરાવે છે. ગતરોજ મળસ્તે તેમની શોપમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં કારમાં આવેલા ચાર જેટલા ઇસમો શોપમાં પ્રવેશ્યા હતા. શોપમાં પ્રવેશતા ઇમરજન્સી સાયરન વાગ્યું હતું. જેને તુરંત બંધ કરીને તેઓ સીધા જ ગલ્લા પાસે પહોંચ્યા હતા. અને ત્યાં બધુ ફંફોસીને જે મળ્યું તે ઉઠાવીને ફરાર થયા હતા. ગણતરીની મીનીટોમાં તસ્કરોએ દુકાન સાફ કરી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચાંદીની અલગ અલગ 15 જેટલી બવાનટ અને રોકડા લઇને તસ્કરો ફરાર થયા છે. તમામની કુલ કિંમત રૂ. 1.03 લાખ આંકવામાં આવી રહી છે. ફરિયાદ બાદ પોલીસ કેટલા સમયમાં તસ્કરો સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
બિંદાસ્ત ચોરીના સીસીટીવી સામે આવતા રહે છે
બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરો આવ્યાની અફવાહોનું પોલીસ દ્વારા ખંડન કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેની સામે અવાર-નવાર બિંદાસ્ત ચોરીના સીસીટીવી સામે આવતા રહે છે. જેથી તસ્કરો પર કાબુ મેળવવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે તેવું આ તબક્કે લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : હેલ્મેટ વગર ચાલુ બાઇકે ફોન પર વાત કરતો ટ્રાફીક જવાન સોશિયલ મીડિયામાં છવાયો