VADODARA : શહેર-જિલ્લામાંથી ટીબીના 6,108 દર્દીઓ રોગમુક્ત થયા
VADODARA : વડોદરા શહેરમાં વર્ષ -૨૦૨૪માં ૩૮૯૦ ટીબીના નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ૩૫૨૧ ટીબીના દર્દીઓ રોગમુક્ત થયા છે. એ જ રીતે વડોદરા જિલ્લામાં વર્ષ -૨૦૨૪માં ૩૭૨૭ ટીબીના નવા દર્દીઓ નોધાયેલ હતા જેમાંથી ૨૫૮૭ ટીબીના દર્દીઓ રોગમુક્ત થયા છે.આમ,શહેર જિલ્લામાં કુલ ૬૧૦૮ ટીબીના દર્દીઓ રોગમુક્ત થયા છે. (VADODARA CITY - DISTRICT TB REMOVAL CAMPAIGN POSITIVE RESULT)
નિક્ષય પોષણ યોજના હેઠળ દર માસે રૂપિયા એક હજારની સહાય
રાજ્ય સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના અંર્તગત ટીબીના તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને રૂપિયા એક હજારની સહાય ડીબીટી માધ્યમથી પૂરી પાડવામાં આવે છે. ટીબી નિર્મૂલન કામગીરીને વેગ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ દાતાઓ નિક્ષય મિત્ર બની અંદાજે ૧૫૦૦ થી વધારે દર્દીઓને દર મહિને પોષણ કીટ આપવામાં આવે છે.
ટીબી રોગની નિયમિત સારવાર લેવામાં આવે તો ટીબી ચોક્કસ મટી શકે છે
વડોદરા શહેરના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાના તમામ તાલુકા ખાતે અધતન TrueNaat દ્વારા પણ ટીબીનું નિદાન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય પ્રકારના ટીબીની સારવાર છ માસની હોય છે. જ્યારે ગંભીર પ્રકારના ટીબીની સારવાર ૯ થી ૨૪ મહિનાની હોય છે. ટીબી રોગની નિયમિત સારવાર લેવામાં આવે તો ટીબી ચોક્કસ મટી શકે છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી નિર્મૂલનની કામગીરીને વેગ આપવા તા: ૦૭ ડિસેમ્બર - ૨૦૨૪થી ૧૦૦ દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન આરોગ્યની ટીમો દ્વારા ટીબીના શંકાસ્પદ કેસો શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળેલ શંકાસ્પદ દર્દીઓનો છાતીનો એક્સ-રે કે ગળફાની નાટ તપાસ કરી દર્દીઓ વહેલા શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૬૩,૮૦૯ છાતીના એક્સ-રે કરવામાં આવ્યા છે. ઉક્ત એક્સ-રે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય સરકારી હોસ્પિટલ ખાતે નિશુલ્ક કરવામાં આવી રહ્યા છે.આ એક્સ-રે સેવાઓ લોકોને ઘરની નજીકના વિસ્તારમાં મળી રહે તે માટે દિપક ફાઉન્ડેશનની કુલ ૨ એક્સ-રે નિદાન વાન દ્વારા આગોતરૂ આયોજન કરી દુરના વિસ્તારમાં કે અર્બન સ્લમ વિસ્તારમાં જઈ એક્સ-રે પાડવામાં આવી રહ્યા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં ૧૦૦ દિવસની ઝુંબેશમાં ૧૬,૩૧૭ દર્દીઓની તપાસ
ટીબીના શંકાસ્પદ દર્દીઓ કે જેને ખાંસી આવતી હોય, તાવ આવતો હોય , વજનમાં ઘટાડો થયો હોય કે રાત્રે પરસેવો થવો જેવા લક્ષણો હોય તેવા તમામ દર્દીઓના ગળફાની આધુનિક ટેસ્ટીંગ પદ્ધતિ નાટ દ્વારા તપાસ કરવામાં આવે છે. વડોદરા શહેર અને જિલ્લામાં ૧૦૦ દિવસની ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધી ૧૬,૩૧૭ દર્દીઓના ગળફાની નાટ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેના પરિણામે તા:૦૭ ડિસેમ્બર બાદ કુલ ૨૫૦૩ ટીબીના નવા દર્દીઓ વહેલાસર શોધીને સારવાર પર મુકાયા છે.
ટીબી થવાની શક્યતા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં વધુ
અત્રે ઉલ્લેખનીય છે કે ટીબીએ જંતુજન્ય ચેપી રોગ છે, ટીબી થવાની શક્યતા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં વધુ હોય છે. સમગ્ર ઝુંબેશ દરમિયાન ટીબી થવાની વધુ શક્યતા ધરાવતા વ્યક્તિઓ જેવા કે ટીબીના દર્દીના સંપર્કમાં આવેલ હોય, અગાઉ ટીબી થયો હોય,જેની ઉમર ૬૦ વર્ષ કરતા વધુ હોય, ડાયાબિટીસ હોય, ધૂમ્રપાનની ટેવ હોય, દારૂની આદત હોય, કુપોષિત હોય કે લાંબા સમયની અન્ય બિમારી હોય તેવા તમામ વ્યક્તિઓને છાતીનો એક્સ-રે કરી ટીબીનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
લક્ષણો ન હોય તો પણ તપાસ અને છાતીનો એક્ષ રે કરાવવા અનુરોધ
ટીબીના લક્ષણો જણાયા તો આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને તાત્કાલિક નજીકના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનામાં તપાસ કરાવવા, ટીબીના લક્ષણો ન હોય તો પણ તપાસ અને છાતીનો એક્ષ રે કરાવવા અનુરોધ કર્યો છે.ટીબી થવાની વધુ શક્યતા હોય તેવી વ્યક્તિઓને ભવિષ્યમાં ટીબી થતો અટકાવવા માટે ટીબી અટકાયતી સારવારનો નવો અભિગમ શરુ કરવામાં આવ્યો છે,જેમાં યોગ્ય તબીબી તપાસ બાદ જરૂર મુજબ ટીબી અટકાયતી સારવાર આપવામાં આવે છે જેથી તેઓને ભવિષ્યમાં થતા ટીબી રોગનાં જોખમથી બચાવી શકાય. તો,આવો આપણે સૌ ટીબી મુક્ત ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ બનીએ
આ પણ વાંચો --- VADODARA : હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ