VADODARA : બેંક લોનની મોટી રકમ સગેવગે, જવાબ માંગતા મળી ધમકી
VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરામાં કેમિકલ કંપની શરૂ કરી ગ્લાયસીન એક્સપોર્ટ કરવાની વાતે મિત્રોએ કંપની ખોલી હતી. ત્યાર બાદ તેમાં વિવિધ હોદ્દાઓ પર નિમણુંક કરવામાં આવી હતી. ત્યાર બાદ જરૂરીયાત પડતા ભારતમાં રહેતા મિત્રના નામે મોટી રકમની બેંકમાંથી લોન લેવાડાવી હતી. ત્યાર બાદ મોટી રકમની લોનના નાણાં ફરિયાદીને વિશ્વાસમાં લીધા વગર ધીરે ધીરે સગેવગે કરવામાં આવ્યા હતા. જેના અંગે પુછપરછ કરતા ધમકી આપવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે વડું પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેમિકલ અમેરિકા એક્સપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું
વડું પોલીસ મથકમાં જયેશચંદ્ર શાંતિલાલ અજયભારતી (રહે. સુર્યવિલા, વિનુકાકા માર્ગ, આણંદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 7 વર્ષથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરે છે. તેમના કોલેજ કાળવા મિત્ર હિતેષભાઇ હર્ષદભાઇ પટેલ (હાલ રહે. અમેરિકા, ન્યુ જર્સી) તેમના સંપર્કમાં હતો. વર્ષ - 2016 માં હિતેષભાઇ પટેલ ભારત આવ્યા હતા. અને પાદરાના દુધવાડા ખાતે સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી. જેમાં તેઓ ડાયરેક્ટર હતા. તે વખતે બંનેનો સંપર્ક થયો હતો. અને ભાગીદારીમાં કંપની ઉભી કરીને ગ્લાયસીન કેમિકલ અમેરિકા એક્સપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
9 એકર જમીનને વેચાણ દસ્તાવેજથી કંપનીના નામે કરી
બાદમાં તેમની દિકરી રવેચીને સાથે રાખીને સારી ફાર્માકેમ પ્રા. લી. નામની કંપની ખોલવામાં આવી હતી. જેની રજીસ્ટર્ડ ઓફીસ સુર્યવિલા આણંદ નામે રજીસ્ટર કરાવવામાં આવી હતી. કંપનીમાં ત્રણ શેર હોલ્ડર હતા. હિતેષભાઇ 98.99 ટકા, જયેશચંદ્ર 0.61 ટકા અને રવેચી 0.41 ટકા ના ભાગીદાર હતા. થોડા મહિનાઓ બાદ આણંગમાં માસીક રૂ. 40 હજાર ભાડાએ જહગ્યા લેવામાં આવી હતી. ત્યાર બાદ હિતેષભાઇ પટેલની માલિકીની સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ (પાદરા) ની 18 એકર જમીનમાં મેજોરીટી શેર હોલ્ડીંગ તેમનું હતું. બાદમાં તે પૈકી 9 એકર જમીનને વેચાણ દસ્તાવેજથી સારા ફાર્માકેમ પ્રા.લી.ના નામે કરી હતી. અને કંપનીનું કામકાજ તે સ્થળે ચાલુ થયું હતું.
પરવાનગી ન મળતા ગ્લાયસીનનું ઉપ્તાદન થઇ શક્યું ન્હતું
બાદમાં સારી ફાર્માકેમ પ્રા. લી. માં મેજોરીટી શેર હોલ્ડર હિતેષભાઇ પટેલે કંપનીના ડાયરેક્ટર અને અધિકારીઓની નિમણુંક કરી હતી. જેમાં સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી. ના સ્વતંત્ર ડાયરેક્ટર રષેશ બળવંતરાય ઠાકરને સારી ફાર્માકેમ પ્રા. લી.માં સ્વતંત્ર ડાયરેક્ટર, કમલેશકુમાર અંબાલાલ પરમારને ચીફ ફાઇનાન્શિયલ ઓફીસર, રંજીતા કમલેશ પરમારને મુનીમજી તથા ઉજૈશ તૈરયાને ઓડીટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારા ફાર્માકેમ પ્રા. લી.માં વર્ષ 2021 માં નિમણુંક કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ જરૂરી પરવાનગી ન મળતા ગ્લાયસીનનું ઉપ્તાદન થઇ શક્યું ન્હતું.
નાણાં કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા
બાદમાં ઉત્પાદનની જગ્યાએ ટ્રેડીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને અમેરિકામાં એક્સપોર્ટ કરીને ધંધઓ વિકસાવવાની દિશામાં વાતચીત આગળ વધી હતી. બાદમાં નાણાંની જરૂરીયાત પડતા હિતેષભાઇએ કહ્યું કે, મારી ભારત દેશમાં કોઇ મિલકત નથી. મને કોઇ બેંક લોન આપશે નહીં. બાદમાં ફરિયાદીઓ પોતાનો બંગ્લો અને જમીન ગિરવે મુકીને ઓવર ડ્રાફ્ટ લઇને રૂ. 5.25 કરોડની લોન મેળવી હતી. જેના નાણાં કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. તે પૈકી રૂ. 2.30 કરોડ સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી. ના ખાતામાં જમા કરાવ્યા હતા. તે અંગે કોઇ જાણ ન કરીને હર્ષદભાઇએ મનમાની કરી હતી.
કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન્હતો
ત્યાર બાદ કંપની માટે ફરિયાદીએ લીધેલી વર્કિંગ કેપીટલની લોક પૈકીના રૂ. 2.30 કરોડ સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી. માં ટ્રાન્સફર કર્યા હતા. જે કંપનીમાં ટ્રાન્સફર કરાયા તેના ખાતા ધારક હિતેષ પટેલ પોતે જ હતા. આ અંગે પણ ફરિયાદીનો કોઇ જાણ કરવામાં આવી ન્હતી. બાદમાં વર્ષ 2023 માં અમેરિકાથી રૂ. 1.61 કરોડનો ગ્લાયસીનનો જથ્થો આયાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, ભારતમાં અમેરિકા ગ્લાયસીનની નિકાસ કરતું નથી. છતાં ખોટી હકીકતો દર્શાવીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રૂ. 54.40 લાખ વિવિધ ટ્રાન્ઝેક્શન થકી અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે અંગે એકાઉન્ટન્ટને પુછતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન્હતો.
પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી
આખરે ફરિયાદીની સતત અવગણના કરવામાં આવતા રૂ. 5.25 કરોડની લોનનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પુછપરછ કરવા જતા ફરિયાદીની પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે હિતેષભાઇ હર્ષદભાઇ પટેલ ( મુળ રહે. આણંદ) (હાલ રહે. અમેરિકા સનસ્ટોન), રષેશ બળવંતરાય ઠાકર (રહે. વિવેકાનંદ સોસાયટી, આણંદ, વિદ્યાનગર) અને કમલેશકુમાર અંબાલાલ પરમાર (રહે. વલ્લભ વિદ્યાનગર) સામે વડું પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : કૃષ્ણભક્તોના મનની વાત સાંસદે મુકી, રેલવે મેનેજરને અનેક મુદ્દે રજુઆત