CAA : 'પાકિસ્તાનમાં મહિલાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરાય છે...', શરણાર્થી પરિવારોની વ્યથા
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં લવાયો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ત્યારે, ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ રહેલા અને અન્ય દેશોમાંથી આવેલા શરણાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) પોહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા હિંદુઓએ પીએમ મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) CAA કાયદો લાગૂ કરવા માટે આભાર માન્યો હતો. વિસ્થાપિતોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh Sanghvi) અભિવાદન કર્યું હતું. સાથે જ વિસ્થાપિત થયેલી મહિલાઓએ પાકિસ્તાનમાં હિંદૂઓ સાથે થતા દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત
પાકિસ્તામાંથી (Pakistan) ભારતના (India) ગુજરાતમાં આવેલા વિસ્થાપિત પરિવારોએ આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દરમિયાન વિસ્થાપિત પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં મહિલાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. ખાસ કરીને હિન્દુ લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તેમણે આગળ કહ્યું કે, પાકિસ્તાનમાં માઇનોરિટીને (minorities) કાફીર તરીકે સંબોધિત કરવામાં આવે છે. પાકિસ્તાનથી અમે ભારતના ગુજરાતમાં (Gujarat) શરણ લીધી છે.
'અમે છેલ્લા 26 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા'
દરમિયાન વિસ્થાપિત મહિલા ડિમ્પલબેન વરદાનીએ જણાવ્યું કે, અમે ભારતની નાગરિકતા મેળવવા માટે છેલ્લા 26 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ત્રણ વખત મેં ફાઇલ મૂકી. પણ મારી ફાઇલ રિજેક્ટ કરવામાં આવી હતી. અમને ભારત દેશમાં આવ્યા બાદ પણ અમે પાકિસ્તાની હોય તેવું લાગતું હતું. પરંતુ, હવે CAA ના કાયદાની અમલવારી થવાનાં કારણે નાગરિકતા મેળવવી સરળ બનશે. આ સાથે વિસ્થાપિત મહિલાઓએ પીએમ મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) આભાર માન્યો હતો.
ગૃહ મંત્રાલયે CAA કાયદાના અમલીકરણની ઘોષણા કરી
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ગૃહ મંત્રાલયે CAA કાયદાના અમલીકરણની ઘોષણા કરતી એક સત્તાવાર જાહેરાત કરી હતી. CAA ના અમલ પછી અફઘાનિસ્તાન (Afghanistan), પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ (Sikhs), જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવી સરળ બનશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-CAAનો કાયદો અમલી બનાવ્યો છે તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પારાવાર યાતનાઓનો ભોગ બનેલા અને ત્યાંથી ભારતમાં શરણ લેવા માટે આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આમાં હાલમાં ભારતમાં નિવાસ કરતાં કોઈપણ ધર્મના નાગરિકની નાગરિકતા લઇ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં CAAના લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલા ભારતીય નાગરિકતા કાનૂન-CAA કાયદાના અમલ બદલ વર્ષો પહેલા પાકિસ્તાનથી ભારત-ગુજરાતના વિવિધ જિલ્લામાં આવીને વસેલા પીડિત ભાઈ-બહેનો દ્વારા આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં અભિવાદન કાર્યક્રમ
વર્ષો જુનૂં સ્વપ્ન સાકાર થયું છે : હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, અકલ્પનીય યાતનાઓ સહન કરીને પાડોશી દેશોમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જુનૂં સ્વપ્ન સાકાર થયું છે, આજે તેમના ઘરે દિવાળી આવી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈપણ કામ 100 ટકા પૂર્ણ કરવાની ગેરંટી છે. તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત-સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું. CAA અંતગર્ત ભારતની નાગરિકતા સંદર્ભે નાના-મોટા પ્રશ્નોના ઝડપી-હકારાત્મક નિકાલ લાવવા યોગ્ય કક્ષાએ સંકલન કરવામાં આવી રહ્યું છે. CAAના અમલ બદલ આજે આપના સૌ તરફથી જે ભેટ-સોગાદ અને અભિનંદન પત્ર મને આપવામાં આવ્યા છે તે તમામ તમારા વતી વડાપ્રધાનશ્રી તેમ જ ગૃહ મંત્રીશ્રીને દિલ્હી ખાતે સન્માન સાથે મોકલી આપવામાં આવશે. તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરીને અમલી બનાવાયેલા CAA કાયદાના ગુજરાતમાં ઝડપી અમલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના માટે હાલમાં પોલીસ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિવાદન સમારોહમાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા, કચ્છ તેમ જ પાટણના રાધનપુરમાં સ્થાયી થયેલા પરિવારોમાંથી 107 જેટલા ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષ બાદ આ કાયદાના અમલ માટે નેતૃત્વ લેનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમ જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો.
પાક.થી આવેલા શરણાર્થી પરિવારોએ પોતાની વ્યથા કહી
કાર્યક્રમ દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
આ પ્રસંગે પાકિસ્તાનના કરાંચીથી વર્ષ 1990 માં અમદાવાદમાં આવેલા પીડિત ડિમ્પલબેન વાઘવાણી, રાજકોટમાં સ્થાયી થયેલા નાનુબાઈ તેમ જ થરપારકર- મીઠીમાંથી આવેલા અને કચ્છનાં નખત્રાણામાં રહેતા મહેતાબસિંહ સોઢાએ પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની બહેન-દીકરીઓ તેમ જ હિન્દુઓ પર કરવામાં આવતા અત્યાચારો અંગે પોતાના દુઃખદ અનુભવો વર્ણવતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ વેળાએ ગૃહ સચિવ નિપૂર્ણાં તોરવણે, સીમા જાગરણ મંચ અંતર્ગત વિસ્થાપિત હિન્દુ સહાયતા મંચના જીવણભાઈ આહીર, સિંધી વેલ્ફેર એસોસિએશન અમદાવાદના હોદ્દેદારો સહિત વિવિધ સંગઠનોના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - ‘One Nation One Election’ પર મોટી પહેલ, 18,626 પેજનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સુપરત કર્યો…
આ પણ વાંચો - CAA : સરકારે કહ્યું- ભારતીય મુસલમાનોને CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી, તેઓને સમાન અધિકાર મળશે…
આ પણ વાંચો - CAA પર સ્ટાલિન, વિજયન, ઉદ્ધવને શાહનો જવાબ, કહ્યું- નાગરિકતા પર કાયદો માત્ર સંસદ જ બનાવી શકે છે…